ઘંટેશ્વર પાસે લૂંટારૂ ગેંગ ત્રાટકી: પ્રૌઢને આંતરી રૂા.20,000ની લૂંટ ચલાવી નાસી છૂટયા
ઘંટેશ્વર પાસે વહેલી સવારે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી. સ્ક્રોપીયો કારમાં ધસી આવેલ ચારથી વધુ શખ્સોએ બાઇકમાં જઇ રહેલ પ્રોઢને આંતરી ઢોર માર મારી રૂા.20,000ની લૂંટ ચલાવી નાસી છૂટતા યુનિ. પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે રૂડાનગર-3માં પરિશ્રમ ડાઇનીંગ હોલની સામેની શેરી ઇસ્કોન મંદિરની પાછળ રહેતા અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.48)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ ડ્રાઇવીંગનું કામ કરે છે તેમજ હાલ તેઓ કમલભાઇ કવૈયા નામના એડવોકેટ સાથે ડ્રાઇવર તરીકે કામ કરે છે. આજે વહેલી સવારના કમલભાઇ કવૈયાને તેમના કામે નડીયાદ જવાનું હોય જેથી તેઓએ તેમને એસઆરપી કેમ્પની સામે વર્ધમાનનગરમાં આવેલ એપાર્ટમેન્ટે બોલાવેલ હતા. જેથી તેઓ પોતાનું બાઇક નં. જી.જે.03-એએચ-0003 લઇ ઘરેથી નીકળેલ ત્યારે તેઓ મુંજકા ચોકડીથી આગળ પરશુરામ ચોકડી પાસે પહોંચતા તેવું લાગેલ કે તેમની પાછળ કોઇ ધીમી સ્પીડમાં તેમનો પીછો કરી રહેલ છે. જેથી બાઇકના ગ્લાસમાં જોતા પાછળ સફેદ કલરની કાર આવતી હતી. ત્યારે વ્હેલી સવારે 4-30 આસપાસ રોયલ રીટ્રીટ હોટલ પાસે પહોંચતા પાછળ આવી રહેલ કારે તેમને આંતર્યા હતાં અને સ્ક્રોપીયો કારમાંથી ડ્રાઇવર અને અન્ય શખ્સ નીચે ઉતરી તેમની પાસે આવી કહેલ કે તું શું આડોડાઇથી બાઇક ચલાવશ કહે માર મારવાનો પ્રયાસ કરતાં તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન બંને શખ્સોએ તેની પાસે રોકડ રૂપિયા બે લાખ તેમજ પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા અંગેનો એફીડેવીટ, પાસપોર્ટ, સોલ્વંશી સહિતના દસ્તાવેજ ભરેલ બે થેલા હતા તે ખેંચવા જતાં તેઓને જમીન પર પાડી દીધા હતા તેમજ કારમાં પાછળ બેસેલા અન્ય બે શખ્સો નીચે ઉતરી ધસી આવેલ અને ઝપાઝપી કરી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો.
ચારેય શખ્સો ગુજરાતી બોલતા હતા અને 20 થી 25 વર્ષની ઉંમરના હતા. બાદમાં ચારેય શખ્સો રૂા.20,000 ભરેલ થેલો આંચકી કારમાં બેસી નાસી છૂટ્યા હતા. તેમનો પીછો કરતાં આરોપીઓએ કાર તેમની સાથે અથડાવી હતી. બાદમાં તેઓ ઘંટેશ્ર્વર ચોકડીથી જામનગર રોડ તરફ નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કૈલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટજના આધારે લૂંટ કરનાર શખ્સોની શોધખોળ આદરી હતી તેમજ બનાવમાં એલસીબી અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ જોડાઇ હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.