લાખાજીરાજ રોડ પર ફેરીયાઓનો ત્રાસ દૂર ન થાય તો સાંગણવા ચોકમાં ઉપવાસ આંદોલન
શહેરના સૌથી જુના અને હેરીટેજ સહિતના વેપારી વિસ્તાર સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં દુકાનો અને શોરૂમ આગળ ફેરીયાઓના કાયમી દબાણ, ગેરકાયદે પથારા, પાર્કિંગ અને ફૂટપાથની જગ્યા દબાવી દેવા સહિતના વર્ષો જુના અને કાયમી પ્રશ્નને લઇ આજે વધુ એક વખત જુદા જુદા વેપારી સંગઠનોએ મોરચો કાઢયો હતો. ધારાસભ્ય અને પદાધિકારીઓની આગેવાનીમાં કમિશ્નરને આવેદનપત્ર પાઠવી વેપારીઓએ હવે દિવાળીના દિવસોમાં કાયમી ઉકેલ માંગ્યો છે. અન્યથા સાંગણવા ચોકમાં ઉપવાસ પર બેસવા ચીમકી આપી છે.
આજે સવારે વેપારીઓ સાંગણવા ચોકમાં એકત્ર થયા હતા. તે બાદ મહાપાલિકાએ પહોંચતા જે મત વિસ્તારમાં આ વિસ્તારો આવે છે તે રાજકોટ-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રાજકોટ-70ના રમેશભાઇ ટીલાળા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટર દેવાંગ માંકડની આગેવાનીમાં કમિશ્નરને રજૂઆત કરી હતી. દિવાળીના દિવસો નજીક છે ત્યારે આ જુના વેપારી વિસ્તારની દબાણ અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માંગણી દહોરાવી હતી.
રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો.ના પ્રમુખ હિતેષભાઇ અનડકટ, રેડીમેઇડ ગારમેન્ટ મર્ચન્ટ એસો.ના પ્રમુખ જયેશભાઇ ધામેચા, લાખાજીરાજ રોડ એસો.ના પ્રમુખ મહેશભાઇ મહેતા અને મૌલિકભાઇ વાઢેર, ધર્મેન્દ્ર રોડ એસો.ના પ્રણંદભાઇ કલ્યાણી, દિવાનપરા વેપારી એસો.ના પ્રમુખ રૂપેશભાઇ રાચ્છ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વેપારીઓ કામ ધંધા છોડીને કોર્પોરેશને પહોંચ્યા હતા. તેઓએ કમિશ્નર સમક્ષ હાલત રજૂ કરી હતી.
આ આવેદનપત્રમાં વેપારી સંગઠનોએ જણાવ્યું હતું કે અગાઉના બે કમિશ્નરો ને આ દબાણો અંગે રજુઆતો કરતા આવ્યા છીએ. પરંતુ મનપા અધિકારીઓ અને પદાધિકારીઓએ ધ્યાન આપ્યું નથી તે દુ:ખદ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, ઘી કાંટા રોડના વેપારીઓ રોડ પર બેસીને સામાન વેંચતા પથારાવાળા અને લારીવાળાઓથી પરેશાન છે.
આ રોડ પર શોરૂમ કે દુકાનો આગળ પથારા કરીને દબાણ કરતા ધંધાર્થીઓમાં માથાભારે તત્વો પણ છે. વેપારી કોઇ જાતની દલીલ કે પ્રતિકાર કરી શકતા નથી. વારંવાર મારા મારી અને ઝઘડા થતા હોય છે. રવિવારે તો ગુજરી બજારની જેમ રોડ પર કબ્જા થઇ જાય છે. ગ્રાહકોના પર્સ અને મોબાઇલ ફોન ચોરી થવાની ઘટનાઓ પણ બને છે. ફેરીયાઓના કારણે ગ્રાહકો દુકાન સુધી ટુ વ્હીલરમાં તો ઠીક ચાલીને પણ આવી શકતા નથી.
દિવાળીના દિવસો નજીક છે ત્યારે લાખાજીરાજ રોડ પર કાયમી ધોરણે પોલીસ અને મનપાનો બંદોબસ્ત મૂકવામાં આવે, આ રોડને નો-ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વધુમાં આ દબાણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો સાંગણવા ચોક ખાતે વેપારીઓ પ્રતિક ઉપવાસ પર બેસશે તેવી ચીમકી આપવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.