ટેક્સટાઈલ પ્રોસેસર્સ પાસે સપ્તાહમાં ત્રણ દિવસ કામ ચાલે તેટલા પણ ઓર્ડર નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવા,મંગળવારગ્રે કાપડના ભાવમાં પણ ગાબડે ગાબડાં પડી જતાં અને હજીય દસ દિવસમાં ભાવ વધુ તૂટવાની સંભાવનાઓ દેખાતી હોવાતી ગ્રે કાપડની ખરીદી પર સંપૂર્ણ બ્રેક લાગી જતાં ટેક્સટાઈલ પ્રોસેસર્સના કામકાજ ઠપ થઈ ગયા છે. અમદાવાદના ૧૫૦ ટેક્સટાઈલ પ્રોસેસર્સ અને સુરતના ૫૦૦ જેટલા તથા જેતપુરના ૬૦થી ૭૦ જેટલા ટેક્સટાઈલ પ્રોસેસર્સ પાસે નવા ઓર્ડર નથી રહ્યા. તેથી અઠવાડિયામાં ત્રણ દિવસ સુધી પણ તેમના એકમો ચાલે તેવી સ્થિતિ રહી નથી. બીજીતરફ ટેક્સટાઈલ પ્રોસેસિંગ કરવા માટે જોઈતા કેમિકલ અને કાચા માલના ભાવમાં મોટો વધારો આવી ગયો હોવાથી પણ ટેક્સટાઈલ પ્રોસેસિંગના કામકાજમાં માર્જિન ઘસાઈ ગયા છે. આમ અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ ગઈ છે. રૂના ભાવમાં આવેલી વધઘટને કારણે પણ ગ્રે કાપડના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ચાળીસ બાય ચાળીસના ગ્રે કાપડના ૧૩૨ બાય ૭૨ના ભાવ રૃા. ૧૦૪થી ઘટીને ૮૭થઈ ગયા છે. આ જ રીતે ૩૦ બાય ૩૦ના ગ્રે કાપડના ભાવ રૃા. ૯૮થી ઘટી ૮૪ થઈ ગયા છે. ,એમ ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનના નરેશ શર્માનું કહેવું છે. આ જ રીતે ૪૧ બાય ૪૧ના ૧૧૦ બાય ૭૦ના ગ્રેડના ગ્રે કાપડના ૮૭થી રૃા. ૧૮ ઘટીને રૃા. ૬૯ થઈ ગયા છે. આમ ગ્રે કાપડની દરેક કેટેગરીમાં સતત ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો હજીય આગળ વધે તેવી સંભાવના છે. તેથી નવા ગ્રેની ખરીદી કરવામાં કાપડ બજારના વેપારીઓ ખચકાઈ રહ્યા છે. તેથી ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે આવતા અટકી ગયા છે. વર્તમાન ભાવથી પ્રોસેસ કરાવે તો તેમને પ્રોસેસ થયેલા કાપડના પૂરતા ભાવ ન મળવાની સંભાવના રહેલી છે. તેથી કાપડના વેપારીઓ પણ ગ્રે ખરીદીને પ્રોસેસ કરાવતા પહેલા બજારની ચાલ પર નજર રાખીને બેઠાં છે. તેથી તેમણે પણ ટેક્સટાઈલ પ્રોસેસિંગ પર બ્રેક લગાવી છે. બીજીતરફ ટેક્સટાઈલ પ્રોસેસિંગમાં વપરાતા એસિટિક એસિડના ભાવમાં રૃા. ૧૬નો, એમિનો સિલિકોનના ભાવમાં રૃા. ૩૨નો, બાઈન્ડર ઈટી ઇકોના ભાવમા ંરૃા. ૪૦, બાઈન્ડર એસએસએનના ભાવમાં રૃા. ૫૮નો વધારો આવી ગયો છે. સોડા બાય કાર્બના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. સેફોલાઈટના ભાવ રૃા. ૧૭૫થી વધી ૨૧૮ અને સોડા એશના ભાવ રૃા. ૨૫થી વધી રૃા. ૫૭ થઈ ગયા છે. આમ પ્રોસેસ કરવાનો ખર્ચ પણ ખાસ્સો વધી રહ્યો છે. આ સ્થિતિમાં કામકાજ ઓછા થઈ ગયા છે. પગાર ખર્ચનો બોજો પૂર્વવત ચાલુ છે. વ્યાજ ખર્ચનો બોજો પણ ચાલુ રહ્યો હોવાથી અમદાવાદ, જેતપુર અને સુરતના ટેક્સટાઈલ પ્રોસેસર્સની હાલત ખરાબ થઈ રહી છે. તદુપરાંત વિવિંગ અને સ્પિનિંગ એકમોના ગણિતો પણ ખોરવાઈ રહ્યા છે. હવે કપાસનું વાવેતર ખાસ્સુ વધારે થયું હોવાના વાવડ છે. તેથી દિવાળી પછી નવો કપાસ ઓછા ભાવે આવશે તો ઊંચા ભાવના ગ્રે ખરીદી રાખનારાઓની હાલત ઓર બગડી જવાની શક્યતા રહેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.