શ્રીનગરમાં આતંકવાદી હુમલો, એએસઆઇ શહીદ, બે જવાન ઘાયલ
- લાલ બાઝાર પોલીસ નાકા પર ગોળીબાર કરી આતંકીઓ ફરાર - બાળકો, મહિલાઓ, નિર્દોશો પર હુમલા કરીને આતંકીઓ અશાંતિ ફેલાવવા માગે છે : આઇજી શ્રીનગર : શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક એએસઆઇ શહીદ થયા હતા જ્યારે બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. શ્રીનગરના લાલ બાઝાર વિસ્તારમાં પોલીસ નાકા પર આતંકીઓેએ ગોળીબાર કરી દીધો હતો.આ હુમલામાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) મુશ્તાક અહેમદ શહીદ થયા હતા. જ્યારે બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર ઘવાયા હતા. બન્ને ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો કરીને આતંકીઓ ફરાર થઇ ગયા હતા, જેની શોધખોળ માટે સમગ્ર શ્રીનગરમાં મોટા પાયે તપાસ અભિયાન સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો તે શ્રીનગરમાં વચ્ચે આવેલો છે. આ વચ્ચે કાશ્મીરના આઇજીએ કહ્યું હતું કે આતંકીઓ માસૂમ બાળકો, મહિલાઓ, નિર્દોશ નાગરિકો પર હુમલા કરીને અશાંતિનો માહોલ પેદા કરવા માગે છે જે શક્ય નહીં થવા દઇએ. ખાસ કરીને વિદેશી આતંકીઓના ખાતમા માટેનું અભિયાન જારી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.