પાકિસ્તાનના ક્વેટામાં આતંકવાદી હુમલો, 3ના મોત:રાષ્ટ્રધ્વજ વેચી રહેલા દુકાનદાર પર બોમ્બ ફેંક્યો, બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પહેલા મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. 6 લોકો ઘાયલ પણ થયા છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના લિયાકત બજારમાં રાષ્ટ્રધ્વજ વેચનાર દુકાનદાર પર આ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ અનુસાર, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી લીધી છે. BLAએ કહ્યું કે તેમણે આ વિસ્તારના દુકાનદારોને ધ્વજ વેચવાની મનાઈ કરી હતી. જ્યારે દુકાનદારો વાત માની નહીં તો તેમના પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. લિયાકત બજાર ક્વેટાની સૌથી વ્યસ્ત રસ્તામાંથી એક છે. હુમલા વખતે અહીં ઘણી ભીડ હતી. પાકિસ્તાનમાં બુધવારે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. BLAએ લોકોને 14મી ઓગસ્ટે રજા ન મનાવવા જણાવ્યું છે. આ દરમિયાન, સરકારી હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે જણાવ્યું હતું કે 6 ઘાયલો અને ત્રણ મૃતદેહો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અગાઉ પણ હુમલા થયા હતા, ઘણા દુકાનદારોએ ધ્વજ વેચવાનું બંધ કરી દીધું હતું
પાકિસ્તાની અખબાર ડેઈલી ટાઈમ્સના જણાવ્યા અનુસાર બલૂચિસ્તાનમાં હાલના વર્ષોમાં સ્વતંત્રતા દિવસ પર હુમલાની ઘટનાઓ વધી છે. આતંકવાદીઓએ રાષ્ટ્રધ્વજ વેચતા સ્ટોલ અને દુકાનોને નિશાન બનાવ્યા છે. જેના કારણે અનેક દુકાનદારોએ ધંધો છોડવાની ફરજ પડી છે. 2022 અને 2023માં પણ આવી ઘટનાઓ બની હતી જેમાં પાકિસ્તાની ઝંડા વેચતા લોકો પર હુમલા થયા હતા. બલૂચિસ્તાનના આદિજાતિ બાબતોના પ્રધાન મીર ઝિયા ઉલ્લાહ લાંગોવે જણાવ્યું હતું કે સરકારે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમણે લોકોને રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘરની બહાર આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો કોઈને ધમકીનો ડર લાગે તો તેમણે પોલીસને જાણ કરવી જોઈએ. તેઓ તેમની રક્ષા કરશે. શું છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી
બલૂચિસ્તાનમાં ઘણા લોકો માને છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા. પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેથી બલૂચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચે સંઘર્ષ આજે પણ ચાલુ છે. બીબીસી અનુસાર, બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા ઘણા સંગઠનો છે પરંતુ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાન સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માંગે છે. તેઓ માને છે કે બલૂચિસ્તાનના સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે 2007માં બલૂચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કરી હતી. આર્મી ચીફે દેશની જનતાને સંદેશ આપ્યો
આ પહેલા પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને સંદેશ આપ્યો હતો. તેમણે એક ટેલિવિઝન ભાષણમાં આતંકવાદને હરાવવાના સોગંધ લીધા હતા. જનરલ મુનીરે કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે પરંતુ પાકિસ્તાન મુસ્લિમ સમુદાય અને દુનિયામાં પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ છે. પાકિસ્તાનના લોકો અને સેના એકબીજા પર નિર્ભર છે. અમારી સેના દેશની રક્ષા કરતી રહેશે. જનરલ મુનીરે સ્વીકાર્યું કે દેશમાં આતંકવાદ એક મોટો ખતરો છે. તેમણે પાકિસ્તાની તાલિબાન સામે અફઘાનિસ્તાન પાસેથી સહયોગ માંગ્યો હતો. પાકિસ્તાની તાલિબાન એક આતંકવાદી જૂથ છે જે અફઘાનિસ્તાનની જમીન, ખાસ કરીને બલૂચિસ્તાનથી કામ કરે છે. પાકિસ્તાનની તુલના બાંગ્લાદેશ સાથે કરવાથી જનરલ મુનીર ઉશ્કેરાયા
આ પહેલા પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનારાઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં કટોકટી સર્જવી એ 'સૌથી મોટો ગુનો' છે. સેના આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે અને દેશની રક્ષા કરશે. આર્મી ચીફનું આ નિવેદન સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ બાદ આવ્યું છે જેમાં પાકિસ્તાનની સ્થિતિની તુલના બાંગ્લાદેશ સાથે કરવામાં આવી હતી. ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય ઉલેમા સંમેલનમાં બોલતા મુનીરે કહ્યું કે જો કોઈ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરશે, તો ' અલ્લાહની કસમ' અમે તેમની સામે લડીશું. તેમણે આશ્વાસન આપ્યું કે અલ્લાહની દયાથી પાકિસ્તાની સેના અશાંતિ અને અરાજકતાને ખતમ કરવામાં સફળ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.