મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં શ્રી સોમનાથ મંદિરમાં સૂર્યપૂજા, ગૌપુજા સહિત ધાર્મિક કાર્ય કરાયા - At This Time

મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં શ્રી સોમનાથ મંદિરમાં સૂર્યપૂજા, ગૌપુજા સહિત ધાર્મિક કાર્ય કરાયા


મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં શ્રી સોમનાથ મંદિરમાં સૂર્યપૂજા, ગૌપુજા સહિત ધાર્મિક કાર્ય કરાયા
--------
ઓનલાઇન માધ્યમથી પણ શ્રદ્ધાળુઓ મકર સંક્રાંતિ વિશેષ પૂજામાં જોડાયા

સોમનાથ,સોમવાર,તા.૧૫-૦૧-૨૦૨૪

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોકત વિધિવિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે પૂજન કર્યું હતું.

સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા:
સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતા ને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવાયો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ,દહીં,સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો.

તલ નું મહત્વ:
શ્રી વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં તલને ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરાંત તલ સાથે જોડાયેલ પશુપત, સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય, પદ્મ, બ્રહ્નનારદીય અને લિંગ પુરાણમાં કરવામાં આવ્યું છે. આ સાથે શિવપુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બૃહન્નાર્દીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃકર્મમાં જેટલા તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા હજાર વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં રહે છે. ગરુડ પુરાણ અને બૃહન્નાર્દીય પુરાણ કહે છે કે પૂર્વજોને તલ અને ગંગાજળ ચઢાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે. સનાતન ધર્મગ્રંથો તલના પૂજન ને સમસ્યાઓનો નાશ કરનાર અને આયુર્વેદમાં તલને રોગ નાશક તરીકે ઓળખવામાં આવ્યા છે. ધર્મગ્રંથોમાં તલ ને વાત, પિત્ત અને કફના વિકારોને દૂર કરનાર કેહવામાં આવ્યા છે.

ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.