વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઇએ ફરી ગુજરાત આવે તેવી સંભાવના
ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. આગામી અષાઢી બીજના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન આગામી સોમવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે તેઓ ગાંધીનગર ખાતે યોજાનારા રાજય સરકારના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે હજી સુધી પીએમનો સત્તાવાર કાર્યક્રમ ફાઇનલ થયો નથી.
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત થાય તે માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ વ્યકિતગત ધોરણે રસ લઇ રહ્યા છે. પક્ષને મજબૂત બનાવવા માટે તેઓ સતત સક્રિય છે. ગુજરાતમાં આવવાનો એક પણ મોકો ચુકતા નથી. ચાલુ મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવ દિવસના ટુંકા અંતરાળમાં સતત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન હવે જુલાઇ માસના આરંભે જ ફરી તેઓ ગુજરાતમાં આવશે આગામી ચાર જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. અને ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ કાર્યક્રમોમાં ઉ5સ્થિત રહેશે તેઓના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહીછે. જાહેર સભાને સંબોધેછે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
દરમિયાન આગામી ગુરુવાર અને શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેઓ અમદાવાદ માં અષાઢી બીજની રથયાત્રામાં સહભાગી થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.