રાજકોટમાં બોજા વાળા ફ્લેટનો દસ્તાવેજ કરાવી બિલ્ડર આફ્રિકા નાસી છૂટ્યો: ગુનો નોંધાયો - At This Time

રાજકોટમાં બોજા વાળા ફ્લેટનો દસ્તાવેજ કરાવી બિલ્ડર આફ્રિકા નાસી છૂટ્યો: ગુનો નોંધાયો


રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી શેરી નં.5માં ઈન્ફીનીટી હાઉસ નામના બિલ્ડીંગમાં ફલેટ બુક કરાવનાર દુબઈના વેપારી અમિત હરીભાઈ ઘોરડા (ઉ.વ.49) સાથે તેના પિત્રાઈ એવા બિલ્ડર ધીરેન અમૃતલાલ ઘોરડાએ રૂા.72.55 લાખની છેતરપીંડી કરી છેલ્લા એક વર્ષથી આફ્રિકા નાસી છૂટતાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી અમિતભાઈ મુંબઈના કાંદીવલી વેસ્ટમાં અગ્રવાલ રેસીડેન્સીમાં રહે છે. હાલ દુબઈમાં રહી શારજહા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા મુવેલા વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, 2018ની સાલમાં તેના કાકાના પુત્ર ધીરેને નાનામવાના રેવન્યુ સર્વે નં. 68 પૈકીની જમીન ઉપર ઇન્ફીનીટી હાઉસ નામથી લો-રાઈઝ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને ફલેટ બુક કરાવવાનું કહ્યું હતું. જેથી તેણે છઠ્ઠા માળે આવેલા ફલેટ નં.પ૦રનો રૂા.૭પ લાખમાં સોદો કરી રૂા.7.50 લાખ ચેક મારફત ચુકવી સાટાખત કરાવ્યું હતું.
જેના આધારે આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી લોન પાસ કરાવી રૂ.65.05 લાખ ધીરેનના ખાતામાં જમા કરાવડાવ્યા હતા. બાકીના રૂ.2.44 લાખ ફલેટ તૈયાર થઈ ગયા બાદ દસ્તાવેજ કરી આપે ત્યારે આપવાનું નકકી થયું હતું.
છઠ્ઠા માળે આવેલા તેના ફલેટનું કામકાજ ચાલુ હતું તે વખતે તે મુંબઈ રહીં સોના-ચાંદીનું કામ કરતા હતા. રાજકોટ આવતા ત્યારે ફલેટ જોવા જવા માટે જતા હતા. તે પોતાનો ફલેટ છઠ્ઠા માળે હોવાનું સમજી તે જોઈ જતા રહેતા હતા. બેન્કમાંથી જે લોન લીધી હતી તેનો રૂ.45 હજાર હપ્તો ભરતા હતા. ફલેટ તૈયાર થઈ જતાં જાણવા મળ્યું હતું કે ફલેટ નં.502 ખરેખર પાંચમા માળે બોલે છે. જેથી આ બાબતે ધીરેન સાથે વાત કરી તેને સાટાખત કરી આપ્યો છે તે ફલેટનો જ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. આ વખતે ધિરેને દસ્તાવેજ કરી આપવા બાબતે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા. સાથો સાથ એમ પણ કહેવાનું શરૂ કર્યું હતું કે તેની બીજી સાઈટ પણ ચાલુ છે. જ્યાં આ ફલેટના બદલામાં બીજો સારો ફલેટ તેને આપી દેશે.આ રીતે તેને વિશ્વાસમાં લઈ સમય પસાર કર્યા બાદ આખરે કોલ રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું, જેથી રાજકોટ આવી તપાસ કરતા જાણવા મળ્યું કે પાંચમા માળે ફલેટ રવી પ્રભુદાસ તન્ના નામની કોઈ વ્યક્તિએ ખરીદ કર્યો છે. જેની હોમ લોન પણ આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી જ કરાવી છે. આ રીતે ફલેટ નં.502માં બે-બે હોમલોન કરી અપાયાની તેને માહિતી મળી હતી. વધુ તપાસ કરતા ધીરેને અન્ય ફલેટ ધારકો સાથે પણ છેતરપીંડી, વિશ્વાસધાત કર્યાનું જાણવા મળતા આખરે તેના વિરૂધ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.