સિરામિક્સ કંપની ક્યૂટોનના રૃા.૩૦૦ કરોડના વહેવારો પકડાયા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારસિરામિક્સના પ્રોડક્ટના હબ ગણાતા મોરબીના અગ્રણી ટાઈલ્સ ગુ્રપ ક્યૂટોન સિરામિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર જગદીશ કુંવરજી દલસાણિયા, મનોજ કુમાર અગ્રવાલ, સુનિલ સીતારામ મંગ્નુલિયા અને રાજીવ અદાલખના રાજકોટ ખાતેના નિવાસસ્થાનો અને અમદાવાદ સ્થિત પાચ સ્થળે પાડેલા દરોડાને અંતે આવકવેરા અધિકારીઓએ રૃા. ૩૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડયા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.નવમી ઓગસ્ટથી રાજકોટ, અમદાવાદ, રાયપુર, ગુવાહાટી, ગુરુગ્રામઅને કોલકાતા સહિતના ૩૬ સ્થળોએ સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા વાંધાજનક દસ્તાવેજો પરથી જણાય છે કે આ કંપનીએબહુ જ મોટા પ્રમાણમાં કરવેરાની ચોરી કરી છે. આ માટે હિસાબી ચોપડામાં ન દર્શાવીને મોટા પ્રમાણમાં રોકડથી વેચાણ કર્યું છે.આ વેચાણની આવકને છુપાવવા માટે ક્યૂટોન સિરામિક્સે માલની વાસ્તવિક કિંમત કરતાં ઓછી કિંમતના બિલ પણ બનાવ્યા છે. આવક છુપાવવા માટે કંપનીએ ખોટી ખરીદી પણ બતાવી છે. બિનહિસાબી નાણાંને ક્યૂટોન ગુ્રપે હવાલાથી પાછા ચોપડે લાવવાની યુક્તિ પણ અજમાવી છે. અત્યાર સુધીમાં રૃા. ૩૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં આવકવેરા અધિકારીઓને સફળતા મળી છે. ક્યૂટોન સિરામિક્સે કોલકાતાની એક પાર્ટીેને રૃા. ૫૦ કરોડ રોકડા આપીને રૃા. ૫૦ કરોડનો ચેક લીધો હોવાનું પણ દરોડા દરમિયાન બહાર આવ્યું છે. ખુદ કોલકાતાની પાર્ટીએ જ કબૂલાત કરી લીધી છે કે ક્યૂટોન ગુ્રપના પ્રમોટરોએ તેમને રૃા. ૫૦ કરોડ રોકડા આપ્યા હતા અને તેમના જ પૈસામાંથી તેમને ચેક ઇશ્યૂ કરી આપવામાં આવ્યો હતો. કંપની પાસેથી રૃા. ૧ કરોડની રોકડ, ૨ કરોડના બિનહિસાબી દાગાના આ અગાઉ જ મળી ચૂક્યા છે. તેમ જ કંપનીના બાર લોકર સીલ કરવામાં આવેલા છે. ક્યૂટોન ગુ્રપની કંપનીઓ અન્ડર ઇન્વોઈસિંગ કરી મોટી રકમની આવકની ચોરી કરતી હોવાનું પણ આવકવેરા ખાતાના દરોડામાં પકડાયું છે. બીજું, અન્ડર ઈન્વોઇસિંગ કરીને તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મોટી ચોરી કરી હોવાનું પણ પ્રસ્થાપિત થઈ રકહ્યું છે. આવકવેરા ખાતાની ઝપટમાંથી છૂટયા પછી ક્યૂટોન ગુ્રપે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓનો સામનો કરવો પડશે. ક્યૂટોન ગુ્રપની કંપનીઓ રોકડાના વેચાણના અને ચેકથી કરાતા વેચાણના અલગ અલગ ચોપડા બનાવતી હોવાનું પણ આવકવેરા ખાતાના દરોડામાં પકડાયું છે.આ બંને પ્રકારના હિસાબી ચોપડાઓ આવકવેરા ખાતાના દરોડા પાડનારા અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.