ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
*ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ*
***
*હસ્તકલા-કારીગરીની વસ્તુઓના વિક્રમી વેચાણમાં જી20 અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલો આશીર્વાદરૂપ સાબિત થઈ*
***
*નવી ડિઝાઇન્સ, ઓડીઓપી, કારીગરોને તાલીમ, આયોજનબદ્ધ પ્રદર્શન જેવી પહેલો થઈ વેચાણમાં સહાયભૂત*
***
*ગાંધીનગર, 11 જુલાઈ, 2024:* ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.
આ વાતનું પ્રમાણ, રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીએ સર્જેલા વેચાણના રેકૉર્ડથી મળે છે.
નિગમે આ વર્ષે વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. નિગમ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના સ્ટૉલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે. આ ગરવી-ગુર્જરીમાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા, ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. આ પગલાં થકી વર્ષ 2023-24 દરમિયાન છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ ₹25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે નિગમના વહીવટી સંચાલક (એમડી) શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે આ મહત્વની સફળતા પાછળ, રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જી-20 બેઠકો અને ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે, કારણ કે આ દરમિયાન દેશ-વિદેશના અનેક અતિથિઓ ગુજરાત આવ્યાં અને તેમણે મોટી સંખ્યામાં ગરવી-ગુર્જરી સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને હસ્તકલાની કલાકૃતિઓની ખરીદી કરી હતી.
નિગમ સાથે જોડાયેલ લગભગ 7200 કારીગરો પાસેથી ₹19.21 કરોડનાં ઉત્પાદનોની ખરીદી કરીને નિગમનાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ વેચાણ કેન્દ્રો થકી ₹13 કરોડનું વેચાણ કરવામાં આવ્યું. સાથે જ બજાર સહાય માટે રાજ્ય અને રાજ્ય બહારના વિવિધ સ્થળોએ મેળા-પ્રદર્શોનું દર મહિને અસરકારક આયોજન કરીને ₹12 કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યું.
*આ નોંધપાત્ર સફળતામાં ફાળો આપતા મુખ્ય પરિબળોઃ*
*(1) સરકારી સહાયઃ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને મળેલી જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં યોજાયેલી જી20 બેઠકો તેમજ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વેચાણના આ રેકોર્ડ બ્રેકિંગ આંકડાને પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ જેવી પહેલો દ્વારા પણ પરંપરાગત હસ્તકલાની ઓળખ ઊભી કરીને તેમજ હેન્ડલૂમ ઉત્પાદનોની બજાર હાજરીને નોંધપાત્ર રીતે વેગ આપીને મહત્તમ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી છે.
*(2) સમૃદ્ધ પ્રદર્શન આયોજનઃ*
આ વર્ષે ગરવી ગુર્જરીએ અગાઉથી પ્રદર્શન માટે સારા સ્થળોની ઓળખ કરી હતી અને દેશભરના ખરીદદારો માટે અદ્ભુત ખરીદદારીનો અનુભવ પૂરો પાડ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં તેમજ મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા. માસ્ટર કારીગરો તેમજ
પુરસ્કાર મેળવનાર કારીગરોની હાજરીએ એકંદર પ્રદર્શનના અનુભવમાં સુધારો કર્યો, જેના કારણે રેકોર્ડ વેચાણ થયું.
*(3) નવીન ડિઝાઇનઃ*
ડિઝાઇનર્સની સમર્પિત ટીમે સતત સર્જનાત્મકતાઓ સાથે નવીન ડિઝાઇન્સ રજૂ કરી છે, જે પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં રહીને આધુનિકતાનો પડઘો પાડે છે. આ ડિઝાઇન્સે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે, કારણકે તે તેમની માંગને અનુરૂપ હતી, જેણે વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાવ્યો.
*(4) કારીગર કૌશલ્ય તાલીમઃ*
કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે NIFT સાથે MOU કર્યા છે. ઉપરાંત, NID તરફથી કૌશલ્ય તાલીમ વર્કશોપનું આયોજન, અને NIFT દ્વારા પ્રશિક્ષિત માસ્ટર કારીગરોએ તાલીમની ગુણવત્તામાં સુધારો કર્યો છે. આ પહેલોએ કારીગરોને ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સ બનાવવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કર્યા છે, જે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
શ્રી લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું, "અમને આ માઇલસ્ટોન પર ખૂબ જ ગર્વ છે કે જે અમારી ટીમના સમર્પણ અને સખત મહેનત, કેન્દ્ર અને રાજ્ય સરકારની સતત સહાય અને અમારા કારીગરોની અજોડ કારીગરીનો પુરાવો છે. જ્યારે અમે આ નોંધપાત્ર સફળતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકા વધારવાની સાથે સાથે ગુજરાતના સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલા વારસાને જાળવવાના અમારા મિશન માટે અમે પ્રતિબદ્ધ છીએ."
*X-X-X*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.