T20 World Cup: ભારત માટે ખરાબ સમાચાર, ટી-20 વર્લ્ડકપમાંથી બહાર રવિન્દ્ર જાડેજા
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેને ઘૂંટણની સર્જરીની જરૂર પડી શકે છે અને તે લાંબા સમય સુધી ક્રિકેટમાંથી બહાર હોઈ શકે છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2021 બાદ રવિન્દ્ર જાડેજાના ઘૂંટણની ઈજા સામે આવી હતી અને ત્યારથી જાડેજા ઘણી મેચો ચૂકી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજાને ડોક્ટરોએ ઘૂંટણનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી, પરંતુ જાડેજાએ વાત માની ન હતી અને તેને હળવાશથી લેતા ઈન્જેક્શન અને રિહેબ દ્વારા પોતાને ફિટ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
પરંતુ એશિયા કપ 2022માં ફરી એકવાર જાડેજાના ઘૂંટણનો દુખાવો સામે આવ્યો છે અને હવે તેણે તેની ચોક્કસ સારવાર કરાવવી પડશે એટલે કે તેનું ઓપરેશન કરાવવું પડી શકે છે. આ પછી સ્ટાર ઓલરાઉન્ડરને સાજા થવામાં લગભગ 6 મહિનાનો સમય લાગશે. જાડેજા એશિયા કપમાં પાકિસ્તાન અને હોંગકોંગ સામે પ્રથમ બે મેચ રમ્યો હતો. તે તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમમાં જરૂરી સંતુલન લાવે છે, તેથી 33 વર્ષીય અનુભવી ડાબોડી સ્પિનરની ગેરહાજરી રોહિત શર્માની ટીમ માટે મોટો આંચકો હશે.
BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, "જાડેજાના જમણા પગમાં ઘૂંટણની ઈજા ખૂબ જ ગંભીર છે. તેને મોટી સર્જરી કરાવવી પડશે અને તે અનિશ્ચિત સમય માટે ક્રિકેટથી દૂર રહેશે. આ સમયે, જો આપણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) મેડિકલ ટીમના મૂલ્યાંકન પર નજર કરીએ, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વાપસી માટે કોઈ સમયમર્યાદા આપી શકાતી નથી.
6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે
હજુ સુધી એ વાતની પુષ્ટી થઈ નથી કે શું આ 'એન્ટેરિયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL)'નો કેસ છે, જેને સાજા થવામાં છ મહિનાથી વધુ સમય લાગી શકે છે. પરંતુ અમુક અંશે એમ કહી શકાય કે જાડેજા ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રમતની બહાર રહેશે. તે સમજી શકાય તેવું છે કે જાડેજાના ઘૂંટણમાં લાંબા સમયથી સમસ્યા છે અને છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો, તે પોતાની જાતને તમામ ફોર્મેટમાં બેટિંગ ઓલરાઉન્ડરમાં પરિવર્તિત કરી રહ્યો છે, જેમાં તેની ડાબા હાથની સ્પિન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
એવું માનવામાં આવે છે કે બોલિંગ કરતી વખતે તેના આગળના પગને રાખતા તેના જમણા ઘૂંટણ પર દબાણ આવે છે. તેની કારકિર્દીમાં (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ), જાડેજાએ તમામ ફોર્મેટમાં 630 મેચોમાં 897 વિકેટ લીધી છે, જેમાં ઘરેલું ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A અને IPL મેચો સહિત 7000 ઓવરની બોલિંગ છે. તેણે સિનિયર લેવલ પર 13,000 રન બનાવ્યા છે. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં ઘણો સમય લાગશે કારણ કે તેને સર્જરી બાદ સખત 'રીહેબ' પણ કરાવવી પડશે. અગાઉ, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જમણા ઘૂંટણની ઈજાને કારણે 2022 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. BCCIએ શુક્રવારે આ જાણકારી આપી.
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાના કારણે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.'' પસંદગી સમિતિએ જાડેજાના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કર્યો છે. અક્ષરને અગાઉ વધારાના ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે ટૂંક સમયમાં દુબઈમાં ટીમમાં જોડાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.