જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જાહેર સુરક્ષા અને સલામતિ અંગે લોક જાગૃતિ સેમિનાર યોજાયો - At This Time

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જાહેર સુરક્ષા અને સલામતિ અંગે લોક જાગૃતિ સેમિનાર યોજાયો


ફાયર, પીજીવીસીએલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગો દ્વારા જાહેર સમજણ આપવાનો સ્તુત્ય પ્રયાસ
----------------
અમૂલ્ય માનવ જિંદગી બચાવવા સરકારે નિર્ધારિત કરેલાં ધારાધોરણો અનુસરવા આપણી સૌની નૈતિક ફરજ છે-કલેક્ટરશ્રી
----------------
ગીર સોમનાથ, તા.૦૧:* ગંભીર દૂર્ઘટનાઓ નિવારવા તેમજ લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અંગે વેરાવળના શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એક લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા, કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ ખાતે યોજાયેલા સેમિનારમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ વીડિયોના માધ્યમથી પીજીવીસીએલ, સહાયક વિદ્યુત નિરિક્ષક કચેરી (જૂનાગઢ), આરોગ્ય વિભાગ, નગરપાલિકા, આરટીઓ, ફાયર વગેરે વિભાગના તજજ્ઞો દ્વારા સુરક્ષા અને સલામતીના વિવિધ મુદ્દે જાહેર સમજણ આપવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.

આ સેમિનારમાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માનવ જિંદગી અમૂલ્ય છે તેને બેદરકારીથી ગુમાવવી પાલવે નહીં, એટલે તમામ લોકોએ પોતાની નૈતિક ફરજ સમજીને સરકારે નિર્ધારિત કરેલા ધારાધોરણો અચૂકપણે અનુસરવા જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસાયિક એકમો માટે કયા પ્રકારના લાયસન્સ જોઈએ? કેવી જોગવાઈઓ છે? અને પોતાના વ્યવસાયિક એકમમાં ક્યાં ક્યાં ત્રુટીઓ રહેલી છે? આ તમામ બાબતો લક્ષમાં લઈ તાત્કાલિક જોગવાઈઓને આધિન પૂર્તતા કરવી જોઈએ. આમ કરવાથી જ વારંવાર બનતી દૂર્ઘટનાઓને અટકાવી શકાશે.

સેમિનારમાં ફાયર વિભાગ દ્વારા નેશનલ બિલ્ડિંગ કૉડ ઓફ ઈન્ડિયા-૨૦૧૬ની જોગવાઈઓ સહિત ફાયરસેફ્ટીના નિયમોનું અનુસરણ, ફાયરસેફ્ટી પ્રમાણપત્રની જરૂરિયાત, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સહિતની બાબતો અંગે
વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા પથિક સોફ્ટવેર સહિત જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી અંગેની સમજણ આપવામાં આવી હતી.

પીજીવીસીએલ વિભાગ દ્વારા ઘરગથ્થું અકસ્માતો નિવારવા માટે લેવાના પગલાં, વીજ અકસ્માત ન થાય તેની તકેદારીઓ, યોગ્ય અર્થિંગ, ઘર, દુકાન, હોટલ, હોસ્પિટલ સહિતના સ્થળોએ સરકાર માન્ય સુપરવાઇઝર દ્વારા વીજ ઉપકરણો અને વાયરિંગની યોગ્ય તપાસ, ઈએલસીબી અને આરસીસીબીની સમજૂતી સહિત વીજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા માર્ગદર્શિત કરવાં સાથે વિદ્યુતલક્ષી કાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી.

જ્યારે સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી, જૂનાગઢ દ્વારા ગુજરાત લિફ્ટ અને એસ્કેલેટર એક્ટની વિવિધ જોગવાઈઓ, લિફ્ટના વપરાશ, પરમિશન, પરવાનગી, ચકાસણી, સર્ટિફિકેટ વગેરેની ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ- ૨૦૧૬ અને એમેન્ડમેન્ટ રૂલ્સ - ૨૦૧૮ નિયમોની સમજૂતી તેમજ કલરકોડિંગ દ્વારા ઘન, પ્રવાહી કચરાના નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા અંગેના વટહુકમ-૨૦૨૨ની સમજૂતી સહિત મિલકતધારકો માટે બીયુ પરમિશન, બાંધકામ વગેરે માટે લેવાની થતી મંજૂરી અંગે સમજૂતી આપવામાં આવી હતી. એઆરટીઓ દ્વારા સ્કૂલોમાં બાળકોની માર્ગ સલામતી અંતર્ગત વર્ધી માટેની રીક્ષા, વાન, સ્કૂલબસ અંગેના નિયમોની સમજૂતી અને સિંચાઈ વિભાગ દ્વારા પૂરનિયંત્રણ અને પ્રિ મોન્સૂન કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

આ અવસરે કલેક્ટરશ્રીએ જાહેરનામા અનુસાર તમામ પ્રકારની જોગવાઈઓનું પાલન કરવા બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિને પ્રમાણપત્ર આપી બીરદાવ્યાં હતાં. ફાયર ઇન્સ્ટ્રુમેન્ટને આફતના સમયે કઈ રીતે પ્રેકટીકલી ઓપરેટ કરી શકાય? તેમજ ઓપરેટ કરતી વખતે રાખવામા આવતી તકેદારી વિશે જાણકારી આપવામાં આવી હતી અને લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

શહેરીજનોએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વિવિધ સેવાઓ સહિત આગ પ્રતિબંધક સેવા, વિધુત વિષયક સેવાઓ, તબીબી સેવાઓ, ખાધપદાર્થ વિષયક સેવાઓ વિશેની માહિતી મેળવી હતી.

આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, ડીવાયએસપી શ્રી ખેંગાર સાહેબ, સ્ટેશન ફાયર ઓફિસર શ્રી રવિરાજસિંહ ચાવડા સહિતના અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વ્યવસાયિક એકમો અને વિવિધ સંસ્થાઓનાં સંચાલકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ 9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.