તંત્રની ઘોર બેદરકારી: વિંછીયાના મોઢુકા ગામે સરકારી ઘાસ ડેપોના ખુલ્લા પટમાં પડેલા સુકા ઘાસના બે ઢગલા કમોસમી વરસાદમાં પલળી ગયા, લાખોના જથ્થાને નુકસાન - At This Time

તંત્રની ઘોર બેદરકારી: વિંછીયાના મોઢુકા ગામે સરકારી ઘાસ ડેપોના ખુલ્લા પટમાં પડેલા સુકા ઘાસના બે ઢગલા કમોસમી વરસાદમાં પલળી ગયા, લાખોના જથ્થાને નુકસાન


તંત્રની ઘોર બેદરકારી: વિંછીયાના મોઢુકા ગામે સરકારી ઘાસ ડેપોના ખુલ્લા પટમાં પડેલા સુકા ઘાસના બે ઢગલા કમોસમી વરસાદમાં પલળી ગયા, લાખોના જથ્થાને નુકસાન.
- હાલ આ વરસાદી માવઠામાં પલળેલું ઘાસ પશુઓ ખાય તેવી સ્થિતિમાં પણ રહ્યું નથી.
- સરકારી ઘાસના ડેપોનું ગોડાઉન ખાલી હતું, છતાં ખુલ્લા પટમાં સુકું ઘાસ રખાતા નુકસાન પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું.

વિંછીયા તાલુકાના મોઢુકા ગામે આવેલ સરકારી ઘાસ ડેપોના ખુલ્લા પટમાં સુકા ઘાસના બે મોટા પ્રમાણમાં ઢગલા પડ્યા હતા. પરંતુ તે ઘાસ કમોસમી પડેલા વરસાદના લીધે પલળી જતા તંત્રનો લાખોનો જથ્થો પલળીને ખાખ થઈ ગયો હતો. આ અંગે ખાનગી સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે મોઢુકા ઘાસ ડેપોમાં રહેલું ગોડાઉન પણ ખાલી હતું. છતાં જેતે જવાબદાર અધિકારી દ્વારા ઘાસના જથ્થાને ગોડાઉનમાં રાખવાના બદલે ઘાસના બે ઢગલા કરી ખુલ્લા પટમાં રાખી દેવામાં આવતા તે તમામ ઘાસ કમોસમી વરસાદમાં પલળી ગયું હતું. જેના કારણે ઘાસ ડેપોમાં ફરજ પર મુકેલા અધિકારીની બેદકારી સામે આવી હતી. હાલ મોઢુકા ઘાસ ડેપોમાં પડેલું લાખો રૂપિયાનું ઘાસ વરસાદી પાણીના લીધે પલળીને કાળું કોયલા જેવું થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જસદણ નોર્મલ રેન્જ ફોરેસ્ટ અધિકારીની બેદરકારી કારણે આ ઘાસનો જથ્થો પલળીને ખાખ થઈ ગયું હોવાની પશુપાલકોમાં ચર્ચાઓ થઈ રહી છે. હાલ આ વરસાદી માવઠામાં પલળેલું ઘાસ પશુઓ ખાય તેવી સ્થિતિમાં પણ રહ્યું નથી. જેથી આવી ઘોર બેદરકારી દાખવનારા જવાબદારો સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે. ત્યારે સવાલ એ થાય છે કે, હવે ઉનાળો દસ્તક દઈ ચુક્યો છે અને આવનારા સમયમાં ઘાસની અછત પણ ઉભી થશે. હાલ પશુપાલકો ઘાસ મેળવવા માટે વલખાઓ પણ મારવા લાગ્યા છે. ત્યારે મોઢુકા ઘાસ ડેપોમાં ફરજ પર રહેલા અધિકારીની બેદરકારીના લીધે લાખોના સુકા ઘાસના જથ્થાને નુકસાન પહોંચતા પશુપાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.

તે બે-ત્રણ વર્ષ જુનું ઘાસ હતું એટલે બહાર કાઢ્યું હશે: મનુભાઈ ભરવાડ-આરએફઓ,જસદણ.

ત્યાં બે-ત્રણ વર્ષ પહેલાનું જુનું ઘાસ પડ્યું હતું. તેમાં અડધા ઘાસની હરરાજી પણ થઈ ગઈ છે. હવે અમારે તે પલળેલા ઘાસનું ડોકટરી પ્રમાણપત્ર લેવાનું થશે અને ઉપરના જેટલા થર પલળ્યા હશે તે બિન ખાવાલાયક ઘાસ અલગ કરી દેશું. અમને કમોસમી વરસાદની આગાહીની ખબર હતી. પરંતુ તે જુનું ઘાસ હોવાથી ત્યાં ઢાંકીને રાખ્યું હતું. અમારે નવું ઘાસ ગોડાઉનમાં રાખવાનું હોય છે જેના કારણે જુનું ઘાસ બહાર કાઢ્યું હોય. હાલ ત્યાં ગોડાઉનમાં નવું ઘાસ નાખવાનું છે. અમે તે જુનું ઘાસ રાહતના ભાવે ખેડૂતો અને માલધારીઓને એપ્રિલ-મેં મહિના સુધીમાં કાઢી નાખવાના છીએ. અંદાજે 5000 કિલો ઘાસને નુકસાન પહોંચ્યું હોય તેવું અમારું અનુમાન છે. પરંતુ ડોક્ટર દ્વારા તપાસ થયા બાદ જ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.