સિવિલ કોર્ટમાંથી અદાલતના રાઉન્ડશીલ સિક્કાની ચોરી: સીસીટીવીમાં દેખાયેલી મહિલાની શોધખોળ
રાજકોટની સિવિલ કોર્ટમાંથી અદાલતના રાઉન્ડશીલ સિક્કાની ચોરી થઈ છે. સીસીટીવી તપાસતા તેમાં અકે મહિલા આ રાઉન્ડશીલ સિક્કો લઈ જતી જોવા મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. એ.ડિવિઝન પોલીસ મથકે પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના રજીસ્ટારે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ભાવેશભાઈ ભાનુશંકરભાઈ મહેતા (ઉં.વ. 51, (રહે. યોગેશ્વર પાર્ક સોસાયટી શેરી નં.ર, યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક, રાજકોટ)એ જણાવ્યું કે, હું રાજકોટ પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં આશરે ચાર માસથી રજીસ્ટાર (વર્ક ટુ ઓર્ડર) તરીકે ફરજ બજાવું છું. તા.11/10/2023 ના રોજ 10.30 વાગ્યાથી હું રજીસ્ટર ઓફિસ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં મારી ફરજ ઉપર હતો. પક્ષકારો તથા વકીલો દ્વારા રજુ ફાઇલિંગ સોગંદનામાં વગેરેની ઓફિસ વર્કની કામગીરીમાં વ્યસ્ત હતો. દરમિયાન આશરે કલાક 12.00 વાગ્યાના અરસામાં અમારા ટેબલ ઉપર રાખેલ ટ્રેમાં કોર્ટ કચેરીના જે હોદ્દા વગેરેના સિક્કા તેમજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ રાજકોટનું રાઉન્ડ સીલ રાખેલ હતું તે રાઉન્ડશીલની ઓફિસ કામગીરી દરમિયાન જરૂરિયાત ઊભી થતા મેં રાઉન્ડશીલ ટ્રેમાં જોતા જોવામાં આવેલ નહીં.
જેથી મારા ટેબલ ઉપર તેમજ આખા રૂમમાં તેમજ સ્ટાફના માણસોએ અમારા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ રાજકોટનું રાઉન્ડશીલની તપાસ કરવા છતાં આ રાઉન્ડશીલ મળી આવેલ નહીં. આ અંગે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજશ્રીને પણ બોર્ડ ઉપર આવી અવગત કરેલા. ત્યારબાદ અમારી સિવિલ કોર્ટ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા અમારા રજીસ્ટર રૂમમાંથી કોઈ મહિલા આ સિવિલ કોર્ટ રાજકોટનું રાઉન્ડ સીલ લઈ જતા હોય તેવું સીસીટીવી ફૂટેજ પરથી માલુમ પડેલ હતું. કચેરી આદેશથી મને આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ કરવા હુકમ થતા કોઈ અજાણી મહિલા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ રાજકોટનું રાઉન્ડ સીલ ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી છે. એ.ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.