સુરત: બે દિવસથી ગંદા પાણીમાં ડુબેલા કમરૂનગરમાં સેવાભાવી સંસ્થા પહોંચી - At This Time

સુરત: બે દિવસથી ગંદા પાણીમાં ડુબેલા કમરૂનગરમાં સેવાભાવી સંસ્થા પહોંચી


- કમરૂનગરમાં પુર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ, પાણી અને દૂધનું વિતરણ કરાયું - કમરથી ઉપર સુધીના પાણીમાં તંત્ર માંડ પહોચે છે ત્યાં સેવાભાવી સંસ્થા પહોંચી કામગીરી કરી રહી છે સુરત,તા.17 ઓગષ્ટ 2022,બુધવારસુરત શહેર અને જિલ્લામાં પડેલા વરસાદના કારણે મીઠી ખાડીના પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયાં છે. તેમાંથી કમરૂનગર વિસ્તારમાં બે દિવસથી પાણીનો ભરાવો થતાં લોકોની મુશ્કેલી દુર કરવા માટે સેવાભાવી સંસ્થા પહોંચી છે. આ વિસ્તારમાં રહેતા 600થી વધુ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ વિતરણ કરવાની કામગીરી શરૂ કરી છે.  જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે સુરતમાં ખાડી પુર સાથે ગટરના પાણી બેક મારતા ગટરના પાણીનો પણ ભરાવો થયો છે. સુરતના કેટલાક વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણીનો ભરાવો  છેલ્લા બે દિવસથી થતાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી થઈ રહી છે. લિંબાયતના કમરૂ નગરમાં છેલ્લા બે દિવસથી કમરથી ઉપર સુધીના પાણીનો ભરાવો થયો હોવાથી આ વિસ્તારના લોકોની હાલત વધુ કફોડી બની ગઈ છે. આ વિસ્તારના લોકો માટે સુરતમાં કામ કરતી સેવાભાવી  સંસ્થા હોપ  ચેરીટેબલ ટ્રસ્ટ દેવદૂત બનીને આવી છે.  આ ટ્રસ્ટ કમરથી ઉપર સુધીના પાણીમાં કમરૂ નગરના પુરમાં ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટ સાથે સાથે પાણી અને દુધનું વિતરણ કરી રહી છે. સુરતમા આવી પડેલી આવી આફતમાં આવી સંસ્થાઓની કામગીરીના કારણે પાલિકાનું ભારણ પણ ઓછું થઈ રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.