ઇલેક્ટ્રોથર્મના કરોડોના કૌભાંડમાં ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા સુપ્રીમકોર્ટનો આદેશ - At This Time

ઇલેક્ટ્રોથર્મના કરોડોના કૌભાંડમાં ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા સુપ્રીમકોર્ટનો આદેશ


અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં સુપ્રીમકોર્ટે એક અતિ મહત્વના આદેશ મારફતે તપાસ માટે લીલીઝંડી આપી છે. સુપ્રીમકોર્ટે આરોપીઓ એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી સહિતના આરોપીઓ વિરૂધ્ધની ફરિયાદની તપાસ સામે સ્ટે જારી કરવાના ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમકોર્ટે અયોગ્ય અને ભૂલભરેલો ગણાવી તેને રદબાતલ ઠરાવ્યો હતો. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની ખંડપીઠે આ સમગ્ર કૌભાંડની ફરિયાદ અંગેની તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા તપાસનીશ અધિકારીને ફરમાન કર્યું છે. જો કે, આ કેસમાં સુપ્રીમકોર્ટે અગાઉ હાઇકોર્ટના હુકમને સ્ટે અને રદબાતલ કર્યો હોવાછતાં સીંગલ જજે ફરી તપાસ સામે સ્ટે આપી દેતાં સીંગલ જજની ભારે ટીકા કરી હતી.હાઇકોર્ટના હુકમને સ્ટે અને રદબાતલ કર્યો હોવાછતાં સીંગલ જજે ફરિયાદની તપાસ સ્ટે કરતાં સુપ્રીમકોર્ટે ગંભીર ટીકા કરીસુપ્રીમકોર્ટે વધુમાં, આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ રદ કરવા બાબતે દાખલ કરાયેલી કવોશીંગ પિટિશન પર ગુણદોષ પર નિર્ણય લેવા હાઇકોર્ટને હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આરોપીઓ આ કેસમાં આગોતરા જામીન અરજીનો વિકલ્પ અપનાવી શકે છે. જો કે, નીચલી કોર્ટે તેની પર કાયદાનુસાર નિર્ણય કરવાનો રહેશે. ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના પૂર્વ ડાયરેક્ટર સિદ્ધાર્થ ભંડારી તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ લિવ પિટિશનમાં એડવોકેટ હર્ષિત તોલીયા અને અને એડવોકેટ સિદ્ધાર્થ આર. ખેસકાનીએ મહત્વપૂર્ણ દલીલો કરતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડો રૂપિયાના કૌભાંડમાં અરજદારપક્ષ તરફથી ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપીઓ એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ૨૦૧૯માં ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં આરોપીઓએ હાઇકોર્ટમાં ફરિયાદ રદબાતલ ઠરાવવા કવોશીંગ પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટે તા.૧૦-૧૦-૨૦૧૯ના રોજ આરોપીઓની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. જેની સામે અરજદારે સુપ્રીમકોર્ટમાં પિટિશન કરતાં સુપ્રીમકોર્ટે સ્ટે આપવાના હાઇકોર્ટના વલણ સામે નારાજગી વ્યકત કરી હાઇકોર્ટના હુકમને તા.૯-૧૨-૨૦૧૯ના હુકમથી સ્થગિત કરી દીધો હતો. તેમછતાં ફરી જયારે હાઇકોર્ટમાં આરોપીઓની કવોશીંગ પિટિશનની સુનાવણી નીકળી તો સીંગલ જજે તા.૧૪-૨-૨૦૨૨ના હુકમથી ફરિયાદની તપાસ જ સ્ટે કરી દીધી હતી. ખુદ સુપ્રીમકોર્ટે અગાઉ હાઇકોર્ટના સ્ટેને સ્થગિત કર્યો છે, તેમછતાં સીંગલ જજે ફરીથી આ ફરિયાદની ક્રિમીનલ પ્રોસીડીંગ્સ અને તપાસ સ્ટે કરી છે, જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને ભૂલભરેલો હુકમ છે. સુપ્રીમકોર્ટે હાઇકોર્ટની સીંગલ જજના તપાસ સ્ટે કરવાના વલણની ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને તેની ભારોભાર ટીકા કરી હતી અને સીંગલ જજના હુકમને રદબાતલ ઠરાવી સમગ્ર કૌભાંડની ફરિયાદની તપાસ માટે લીલીઝંડી આપતો મહત્વનો હુકમ કર્યો હતો.       - રેરેસ્ટ ઓફ રેર કેસ સિવાય તપાસ સ્ટે થઇ શકે નહી : સુપ્રીમકોર્ટસુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની ખંડપીઠે ચુકાદામાં હાઇકોર્ટના સીંગલ જજ વલણને લઇ ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડો રૂપિયાના કૌભાંડમાં અગાઉ આરોપીઓની ધરપકડ સામે સ્ટેના ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમકોર્ટે સ્થગિત કર્યો હોવાછતાં અને બાદમાં રદબાતલ કર્યો હોવાછતાં હાઇકોર્ટે ફરીથી આ ફરિયાદની ક્રિમીનલ પ્રોસીડીંગ્સ અને તપાસ સ્ટે કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં દરેક તબક્કે તપાસ અટકેલી જ રહી છે. સીંગલ જજના હુકમથી ફરી તપાસ અટકી પડી જે ફરિયાદ પક્ષ કે તપાસ એજન્સીના હિતમાં ના કહી શકાય. તપાસનીશ એજન્સીને ક્રિમીનલ પ્રોસીડીંગ્સની તપાસ કરવાનો પૂરો અધિકાર છે અને રેરેસ્ટ ઓફ રેર કેસ સિવાય તપાસ સ્ટે થઇ શકે નહી. આમ કરવુ નથી. સીંગલ જજને બહુ ગંભીર ભૂલ કરી છે. એટલું જ નહી, હાઇકોર્ટના સીંગલ જજે મેસર્સ નિહારીકા ઇન્ફ્રાસ્ટ્રકટર પ્રા.લિના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાને તેમ જ તેમાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતોને બરોબર રીતે ધ્યાને લીધા નથી અને તેને યોગ્ય રીતે સમજયા પણ નથી. સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના તા.૧૪-૨-૨૦૨૨ના તપાસ સ્ટે કરતાં હુકમને રદબાતલ ઠરાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, આરોપીઓ દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનમાં હવે કોઇ વચગાળાની રાહત રહેતી નથી. - શું છે ઇલેક્ટ્રોથર્મ કંંપનીનું કરોડો રૂપિયાનું કૌભાંડ..?ઇલેક્ટ્રોથર્મ લિ.ના ફાઉન્ડર મુકેશભાઈ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજો મારફતે કંપનીના એમડી શૈલેષ ભંડારી તથા અન્યોએ ટાન્ઝાનિયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી રૂપિયા ૪૮૦ કરોડની લોન ફેસીલીટી મેળવી લીધી હતી. કંપનીના ચેરમેન મુકેશભાઈ ભંડારી વિદેશમાં હોવા છતાં સંબંધિત દસ્તાવેજો અને ગેરંટી ડીડમાં રૂબરૂ ખોટી સહીઓ પણ કરી દેવાઈ હતી. સેન્ટ્રલ બેંકની મંજૂર થયેલી રૂપિયા ૪૮૦ કરોડની લોન માંથી આરોપીઓએ અન્ય બેંકોના રૂપિયા ૨૮૦ કરોડના દેવા બારોબાર ભરી દીધા અને રૂપિયા ૭૩.૫૦ કરોડ હોંગકોંગ બેઝડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ. ૨૬ કરોડ સિંગાપોરની કેસલ સાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાકીય ભંડોળની જબરદસ્ત ઉચાપત કરી હતી. આ કૌભાંડ અંગે અત્રેની ચીફ મેટ્રો કોર્ટમાં ગંભીર ફરિયાદ દાખલ થઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.