સની દેઓલ 'પુષ્પા'ના મેકર્સ સાથે એક્શન ફિલ્મ કરશે:શનિવારથી હૈદરાબાદમાં શૂટિંગ શરૂ થશે, સૈયામી-રેજિના લીડ રોલમાં - At This Time

સની દેઓલ ‘પુષ્પા’ના મેકર્સ સાથે એક્શન ફિલ્મ કરશે:શનિવારથી હૈદરાબાદમાં શૂટિંગ શરૂ થશે, સૈયામી-રેજિના લીડ રોલમાં


હાલમાં 'બોર્ડર 2'ની જાહેરાત કર્યા બાદ સની દેઓલે ગુરુવારે પોતાની બીજી ફિલ્મની જાહેરાત કરી છે. જોકે, આ વખતે સની બોલિવૂડ સાથે નહીં પરંતુ સાઉથના ડિરેક્ટર ગોપીચંદ માલિનેની સાથે એક્શન ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મનું નિર્માણ 'માયથ્રી મૂવી મેકર્સ' દ્વારા કરવામાં આવશે જેઓ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'ના નિર્માતા પણ છે. 'SDGM' કામચલાઉ ટાઇટલ
ફિલ્મની જાહેરાત કરતી વખતે મેકર્સે દાવો કર્યો છે કે તે અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. તેનું કામચલાઉ ટાઇટલ 'SDGM' રાખવામાં આવ્યું છે. તેનો અર્થ 'સની દેઓલ ગોપીચંદ માલિનેની' છે 22 જૂનથી શૂટિંગ શરૂ થશે
ગુરુવારે હૈદરાબાદમાં પૂજા સેરેમની પછી નિર્માતાઓએ આ ફિલ્મને લોન્ચ કરી છે. હવે સની આ ફિલ્મનું શૂટિંગ 22 જૂનથી શરૂ કરશે. તેના સિવાય સૈયામી ખેર અને રેજિના કેસેન્ડ્રા જેવી એક્ટ્રેસ પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક ગોપીચંદની અગાઉની ફિલ્મ 2023માં રિલીઝ થયેલી સુપરહિટ 'વીરા સિમ્હા રેડ્ડી' હતી. નંદમુરી બાલકૃષ્ણ સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં 134 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 27 વર્ષ પછી 'બોર્ડર'ની સિક્વલની જાહેરાત
અગાઉ ગયા અઠવાડિયે, 13 જૂને, સનીએ 1997માં રિલીઝ થયેલી તેની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાતનો વીડિયો શેર કરતી વખતે, સનીએ પોતે લખ્યું હતું કે, 'એક સૈનિક તેનું 27 વર્ષ જૂનું વચન પૂર્ણ કરવા ફરી આવી રહ્યો છે... ભારતની સૌથી મોટી વોર ફિલ્મ 'બોર્ડર 2'...' વીડિયોમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાયો હતો
આ જાહેરાતના વીડિયોમાં ફિલ્મ સાથે સંબંધિત કોઈ વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાય છે. તે કહે છે, '27 વર્ષ પહેલાં એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે... તે વચન પૂરું કરવા... ભારતની ધરતીને સલામ કહેવા... તે ફરી આવી રહ્યો છે.' આ સાથે ફિલ્મનું ગીત 'સંદેશ આતે હૈ..' પણ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. 'બોર્ડર-2'નું નિર્માણ જેપી દત્તા દ્વારા કરવામાં આવશે, જેમણે 1997માં 'બોર્ડર'નું નિર્દેશન કર્યું હતું. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને જેપી દત્તાની પુત્રી નિધિ દત્તા પણ આ ફિલ્મની સહ-નિર્માતા હશે. તેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. અનુરાગે અગાઉ અક્ષય કુમાર અભિનિત 'કેસરી'નું નિર્દેશન કર્યું છે. 'ગદર-2' રિલીઝ થયા બાદ બદલાયું નસીબ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલની અગાઉની ફિલ્મ 'ગદર 2' હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ રૂ. 691 કરોડના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે 2023ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેની કરિયર ફરી પાટે ચડી છે. ટૂંક સમયમાં સની 'લાહોર 1947', 'બાપ', 'સૂર્યા' અને 'અપને 2' જેવી ફિલ્મોમાં જોવા મળવાનો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.