‘સુનીતા કેજરીવાલે વીડિયો પોસ્ટ કરીને જજોના જીવ જોખમમાં મુક્યા’:દિલ્હી HCએ કહ્યું- સુનાવણીનો વીડિયો હટાવો, Meta-Youtubeને વીડિયો ડિલીટ કરવાનો આદેશ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે લિકર પોલિસી કેસની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે શનિવારે (15 જૂન) આ વીડિયોને હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે સુનિતાને નોટિસ પણ પાઠવી છે. આગામી સુનાવણી 9મી જુલાઈના રોજ થશે. સુનીતા ઉપરાંત કોર્ટે અન્ય 5 લોકોને પણ નોટિસ પાઠવી છે. આમાં સોશિયલ મીડિયા કંપનીઓ (X, Meta અને YouTube) નો સમાવેશ થાય છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને અમિત શર્માની ખંડપીઠે કંપનીઓને આદેશ આપ્યો કે આ વીડિયો ઘણા લોકોએ રીપોસ્ટ કર્યો છે. આને તાત્કાલિક ડિલીટ કરવો જોઈએ, કારણ કે તે હાઈકોર્ટના વીડિયો કોન્ફરન્સિંગ નિયમોની વિરુદ્ધ છે. અરજીમાં દાવો- ન્યાયાધીશોના જીવ જોખમમાં મૂક્યા છે
આ અરજી વકીલ વૈભવ સિંહ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં સિંહે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેમને 28 માર્ચે ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કોર્ટમાં પોતાની વાત મુકવા માટે વ્યક્તિગત માધ્યમ પસંદ કર્યું હતું. આ પછી સુનીતાએ કોર્ટની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું. સિંહે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટના વીડિયો કોન્ફરન્સિંગ નિયમો, 2021 હેઠળ આ પ્રતિબંધિત છે. વીડિયો પોસ્ટ કરીને ટ્રાયલ કોર્ટના જજોના જીવને જોખમમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આની તપાસ માટે SITની રચના કરવી જોઈએ અને FIR નોંધવી જોઈએ. જે લોકોએ આ વીડિયો રીપોસ્ટ કર્યો તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે જાણી જોઈને કોર્ટને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તેમની સામે પણ દંડ વસૂલવો જોઈએ. લિકર પોલિસી કૌભાંડમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ, જેમાં પૂર્વ CMની પુત્રી પણ
ED અને CBI અનુસાર, દિલ્હી સરકારે લિકર પોલિસીમાં ફેરફાર કર્યો અને પોતાના મનપસંદ ડીલરોને લાઇસન્સ આપ્યા. તેના બદલામાં તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. જો કે આમ આદમી પાર્ટી આ આરોપોને ખોટા ગણાવે છે. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. EDએ લિકર પોલિસી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 ચાર્જશીટ દાખલ કરી છે. તેમજ 128 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. લિકર પોલિસી કૌભાંડમાં જ EDએ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની ધરપકડ કરી છે. આ ધરપકડ તેના હૈદરાબાદ સ્થિત ઘરેથી કરવામાં આવી હતી. કવિતા 23 માર્ચ સુધી કસ્ટડીમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.