સુરત પોલીસે માનવતા મહેકાવી; જન્મથી સાંભળી નહી શકતા બાળકના માથાની જટિલ સર્જરી માટે ઓપરેશન રાજવીર હાથ ધર્યું - At This Time

સુરત પોલીસે માનવતા મહેકાવી; જન્મથી સાંભળી નહી શકતા બાળકના માથાની જટિલ સર્જરી માટે ઓપરેશન રાજવીર હાથ ધર્યું


સુરત પોલીસે માનવતા મહેકાવી; જન્મથી સાંભળી નહી શકતા બાળકના માથાની જટિલ સર્જરી માટે ઓપરેશન રાજવીર હાથ ધર્યું

સુરત પોલીસે ફરી એક વખત માનવતા મહેકાવી છે, જન્મથી શ્રવણ શક્તિ નહી ધરાવતા બાળકના ચહેરા પર પોલીસે મુસ્કાન લાવવાનું કામ કરી બતાવ્યું છે. પશુપાલકનો દીકરો સાંભળતો થાય તે માટે સુરત પોલીસે ઓપરેશન રાજવીર ચલાવ્યું હતું અને પોલીસે એનજીઓની મદદથી જન્મથી સાંભળી નહી શકતા બાળકના મસ્તકમાં ઇમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરાવવામાં આવી હતી.

ઓપરેશન સફળ થયું હતું અને રાજવીર નામનો બાળક સાંભળતો થયો છે. જોગાનુજોગ પોલીસ સંભારણા દિવસના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સુરતમાં દરેક પોલીસ સ્ટેશનમાં 'શી ટીમ' કાર્યરત છે અને આ શી ટીમનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી એડમીન છે અને સુપર વિઝન કરે છે. આ ગ્રુપમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીએ ધૂળેટીના તહેવાર આસપાસ એક મેસેજ કર્યો હતો કે તમારા વિસ્તારમાં જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હોય તેવા પાંચ વર્ષથી નાની ઉમરના બાળકો કે જેમના માતા પિતા આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારની માહિતી મને મોકલવી.

આ મેસેજ રાંદેર પોલીસ મથકના શી ટીમના સભ્ય એવા લોકરક્ષક દયાબેને વાંચ્યો હતો અને મેસેજ બાદ તેઓએ પોતાના વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં જઈને રૂબરૂ તપાસ કરી હતી, તેઓને એક પરીવાર વિષે ભાળ મળી હતી અને તેની માહિતી ડીસીપી રૂપલ સોલંકીને આપી હતી.

મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા જિલ્લાના વાગડ ગામના વતની અને હાલમાં સુરતના ઝઘડિયા ચોકડી પાસે કાનાભાઈ ભરવાડ [ઉ.32] તેમની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરત શહેરમાં વસવાટ કરે છે કાનાભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને સંતાનમાં 4 બાળકો છે, જે પૈકી તેમને ત્યાં સાતેક વર્ષ પહેલા દીકરી કોમલનો જન્મ થયો હતો, આ દીકરી જન્મ બાદ માતા પિતાના બોલાવવા પર કોઈ પ્રતિભાવ આપતી ન હોય તેની તપાસ કરાવતા તે જન્મથી સાંભળતી ન હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે તેઓનો 3 વર્ષીય દીકરો રાજવીર પણ તેઓની દીકરીની જેમ સાંભળતો ન હોય પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેઓએ બંને બાળકોની સારવાર માટે તપાસ કરાવી હતી પરંતુ એક બાળકના કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થાય તેમ જાણવા મળ્યું હતું, પરંતુ પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આખરે બધું નસીબના ભરોસે છોડી દીધું હતું.

અલબત 15મી ઓક્ટોબર 2023ના રોજ રાજવીરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાજવીરના મસ્તકમાં ઇમ્પ્લાટેનશનની જટિલ સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહ્યું હતું. 21 ઓક્ટોબર 2023ના રોજ વહેલી સવારે શહીદ થયેલા પોલીસોની યાદમાં પોલીસ સંભારણા દિવસે શહીદોને સલામી અપાઈ રહી હતી તે જ દિવસે રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવામાં આવી હતી. વ્હાલસોયો દીકરાની સારવાર થઈ જતા પરિવારની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને ઓપરેશન રાજવીર સાથે જોડાયેલા તમામ માટે આ માનવતાનું કાર્ય એક સુખદ સાંભરણું બની ગયું હતું.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.