‘એક રાજકીય નેતા ધમકી આપે છે’ પોસ્ટ મૂકનાર ASI સસ્પેન્ડ
પોસ્ટ મુક્યાની ગણતરીની મિનિટમાં હટાવી લીધી’તી
શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અને એક રાજકીય નેતા ધમકી આપે છે તેવી પોસ્ટ મૂકનાર એએસઆઇને મંગળવારે સાંજે સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. ધમકી ક્યા રાજનેતાએ આપી હતી તે હજુ સુધી બહાર નથી આવ્યું તે પહેલા જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ચાર દિવસ પૂર્વે એક પોસ્ટ મૂકી હતી.
તે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહીં સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, લુખ્ખો સાલો, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહીં’. જમાદારે પોસ્ટ મુક્યાની ગણતરીની મિનિટોમાં જ ડિલીટ કરી નાખી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.