ગુજરાતમાં છ માસમાં 1740 બાળકી-તરૂણી ગુમ: અર્ધોઅર્ધ હજુ લાપતા
ગુજરાતમાં બાળકીઓના લાપતા બનવાના બનાવોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈના સાત મહિના દરમિયાન 0થી14 વર્ષની 331 તથા 15થી18 વર્ષની 1409 તરૂણીઓ લાપતા બની છે જે સંખ્યા છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ છે. 0થી14 વર્ષની લાપતા બાળકીઓમાં 47 ટકા અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત એમ ચાર મહાનગરોમાંથી જ છે.
2017ના વર્ષમાં આ વયજૂથની 317 બાળકીઓ ગુમ થઈ હતી. ગુમ થયા બાદ મળી આવતી કે પરત ફરતી બાળકીઓની ટકાવારી 46 ટકા છે જે પાંચ વર્ષ પુર્વે પણ સામાન્ય સ્તરે હતી. ગુમ-લાપતા બાળકોની શોધખોળ માટે રાજયમાં ખાસ પોલીસ ટીમ કાર્યરત છે. એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાકાળના બે વર્ષોમાં બાળકો પરિવારોના નિયંત્રણમાં હતા. પરિવારમાં આંતરિક તકરાર, ડીજીટલ સાધનોના વધતા વપરાશની ઘટનાઓ વધી છે.
સોશ્યલ મીડીયામાં પરિચયના આધારે પ્રેમી કે મિત્રને મળવા 13-14 વર્ષની બાળકીઓ પણ ઘર છોડવા લાગતી હોવાના કિસ્સા છે. છેલ્લા બે વર્ષમાં કેસ ઘટયા હતા. પરંતુ ચાલુ વર્ષે સંખ્યા વધી છે. અમદાવાદના પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે પ્રેમીને પામવા નાસી જતી મોટાભાગે 15થી18 વર્ષની તરૂણી હોય છે. મોટાભાગે લોઅર મીડલ કલાસની બાળકીઓ પ્રેમજાળમાં સપડાતી હોવાનું મનાતુ હતું.
પરંતુ હવે તમામ વર્ગની તરૂણીઓ લાપતા બને છે. ગાંધીનગરની એક તરૂણી 8 વર્ષ મોટા પ્રેમી સાથે નેપાળ નાસી ગયાનો કિસ્સો તાજેતરમાં બન્યો હતો. અપહરણ કરતી ગેંગ દ્વારા બાળકોના અપહરણના અમુક કિસ્સા બનતા હોય છે. ગુજરાત સરકારના રીપોર્ટમાં એમ જણાવાયું છે કે 14 વર્ષ સુધીની ગુમ બાળકીઓમાંથી અર્ધોઅર્ધ પરત આવી નથી કે ભાળ મળી નથી. 2017 થી 2021 દરમ્યાન 533 બાળકો ગુમ થયા હતા અને તેમાંથી 248 (46.5 ટકા) મળી આવ્યા હતા. 53.5 ટકા હજુ મળ્યા નથી.
પારિવારિક તકરાર તથા ડીજીટલ યુગે ‘દાટ’ વાળ્યો : કોરોનાકાળમાં લાપતા બાળકોની સંખ્યા ઘટયા બાદ ફરી મોટી વૃદ્ધિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.