શંકરાચાર્યજી મહારાજ સાથે ભાસ્કરની વાતચીત:ઈસાઈ ધર્મપરિવર્તન કરાવે છે, મુસ્લિમો લવજેહાદ કરે છે; દરેક મુખ્યમંત્રીઓ UP જેવો કાયદો લાવે
જગદ્દગુરૂ આદિ શંકરાચાર્યજીએ ભારતમાં ચાર મઠની સ્થાપના કરી હતી. તેમાં એક શારદા મઠ દ્વારકામાં છે. દ્વારકા મઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી અમદાવાદના શિવાનંદ આશ્રમમાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. દરરોજના સત્સંગની વચ્ચે તેમણે થોડો સમય ફાળવીને ભાસ્કરના 8 સવાલના જવાબ આપ્યા હતા. જગદ્દગુરૂ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ અમદાવાદમાં ઈસરોની સામે શિવાનંદ આશ્રમ ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. અહીં તેમણે દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીત વાંચો... સવાલ : બાદશાહોએ ભારતના મંદિરો અને સંસ્કૃતિ પર હુમલા કર્યા છતાં સનાતન ધર્મ અખંડ છે, તેનું રહસ્ય શું છે?
શંકરાચાર્યજી : કારણ કે તે સનાતન છે. સનાતન પરમાત્મા દ્વારા પ્રતિપાદિત ધર્મ છે. તેના દ્વારા સંચાલિત આ સનાતન ધર્મ છે. સનાતન શબ્દનો અર્થ થાય છે 'જે શાશ્વત છે'. જે હંમેશાં રહેનારો છે. તેનો ક્યારેય નાશ થવાનો નથી. તેને જ સનાતન કહે છે. સવાલ : અત્યારે અલગ અલગ સંપ્રદાયો અને તેની અલગ અલગ શાખામાં વહેંચાઈ ગયા છે, તો આનાથી ભારતની સંપ્રભુતાને નુકસાન થશે?
શંકરાચાર્યજી : સંપ્રદાયનો અર્થ થાય છે, કોઈ મહાન પુરુષ દ્વારા સનાતન ધર્મમાંથી એક વિશેષ પદ્ધતિ. ઊપાસનાની વિશેષ પદ્ધતિનું નિર્માણ કરીને તેને પોતાના અનુયાયીઓ દ્વારા પાલન કરાવવું. ભક્તિના માર્ગમાં, ઊપાસનાના માર્ગમાં કોઈ એક સનાતન ધર્મમાંથી, વેદમાંથી કે ધર્મગ્રંથોમાંથી, પુરાણોમાંથી લઈને પછી તે સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવી.
સમ્યક પ્રદિયતે ઈતિ સંપ્રદાયા:
આ સંપ્રદાય છે. સંપ્રદાયમાં કોઈ દોષ નથી. સંપ્રદાય ચલાવનારાની બુદ્ધિમાં અને મનમાં વિકાર આવી જાય છે ત્યારે એ પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરવા લાગે છે. તેનાથી નુકસાન થવાની સંભાવના રહે છે અને આપણે એકબીજા વહેંચાઈ જાઈએ છીએ. પણ એવું થવું ન જોઈએ. આ માત્ર આરાધના અને ઊપાસના માટે જ અનેક માર્ગ છે.
ત્રયી સાંખ્યમ યોગા:
પશુપતિમતં વૈષ્ણવમ્ ઈતિ સવાલ : સંપ્રદાય એ સનાતન ધર્મ પર હાવિ થવાની કોશિશ કરે છે...
શંકરાચાર્યજી : સંભવ જ નથી. સનાતન ધર્મ તો મૂળ છે ને! જે સંપ્રદાયના આચાર્યો છે, તે સંપ્રદાયની સ્થાપના પહેલાં કોની આરાધના કરતા હતા? એ સનાતન ધર્માવલંબી ઈશ્વરને જ પૂજતા હતા. સંપ્રદાયના આચાર્ય શુદ્ધ ચિત્તે પરમાત્માની, વિષ્ણુની જ આરાધના કરતા હતા. સવાલ : ગુજરાતમાં એક કિસ્સામાં હનુમાનજીને નીચા બતાવવાની કોશિશ થઈ...
શંકરાચાર્યજી : એ તેમનું અજ્ઞાન છે. સવાલ : સમાજમાં અરાજકતાનો માહોલ બનતો જાય છે, એવામાં સનાતન ધર્મની શું ભૂમિકા રહેશે?
શંકરાચાર્યજી : હિન્દુઓએ, સનાતન ધર્માવલંબીઓએ ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ અને કરાવવું જોઈએ. આવનારી પેઢીના બાળકોને સનાતન ધર્મનો, સનાતન ગ્રંથોનો બોધ કરાવવો જોઈએ. એટલે આપણી શિક્ષણ પદ્ધતિમાં, શિક્ષણ કેન્દ્રો (સ્કૂલ)માં ધાર્મિક શિક્ષણને સામેલ કરવું જોઈએ. સિલેબસમાં ધાર્મિક શિક્ષણનો સમાવેશ કરવો જોઈએ. આપણા શિક્ષણમાં ભારતીયકરણ હોવું જોઈએ. રાષ્ટ્રભક્તિના સંદેશનો આપણા શિક્ષણમાં સમાવેશ કરવો જોઈએ. આપણા મહાપુરુષોએ સ્વતંત્ર્યતા અને આપણા સનાતન ધર્મની રક્ષા માટે, હિન્દુઓની રક્ષા માટે જે કાંઈ કર્યું છે, તે મહાપુરુષોનું ચરિત્ર લોકોએ જાણવું જોઈએ, પઠન કરવું જોઈએ. સવાલ : લવજેહાદની સંખ્યા વધતી જાય છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે લવ જેહાદ બિલ પસાર કરાવ્યું. આવું બધા રાજ્યોમાં હોવું જોઈએ?
શંકરાચાર્યજી : દરેક રાજ્યોના મુખ્યમંત્રીએ લવજેહાદના કાયદાનું અનુકરણ કરવું જોઈએ. ઈસાઈઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવાય છે. મુસ્લિમ ધર્માવલંબી પણ લવજેહાદનો આશ્રય લઈને આપણા હિન્દુ યુવક-યુવતીઓને ભ્રમિત કરે છે. આ બધું બંધ થવું જોઈએ. આને રોકવાની જરૂર છે. આના માટે કડક કાયદો હોવો જોઈએ. સવાલ : કેરળ-હિમાચલમાં પ્રલય થઈ રહ્યો છે તો શું આ ઈશ્વર-મનુષ્ય વચ્ચેની લડાઈ છે?
શંકરાચાર્યજી : ઘટનાના પીડિતો પ્રત્યે મારી સંવેદના છે. બધાએ સાથે મળીને તંત્રે, સમાજસેવી સંસ્થાઓને પણ પહેલાં બનતી સહાયતા કરવી જોઈએ. પછી બીજા વિષયની ચર્ચા કરી શકાય. સવાલ : ચાતુર્માસના બેનર, હોર્ડિંગમાં અમદાવાદની જગ્યાએ કર્ણાવતી લખ્યું છે તો શું આ શહેરનું નામ કર્ણાવતી હોવું જોઈએ?
શંકરાચાર્યજી : આ તો અમદાવાદના લોકોની જ માગ છે. અમદાવાદના લોકો જ ઈચ્છે છે કે આ શહેરનું નામ કર્ણાવતી થાય. કોણ છે દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ?
દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનો જન્મ 31 ઓગસ્ટ, 1958ના રોજ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના કરકબેલની પાસે બરગી ગામમાં થયો હતો. તેમનું સાંસારિક નામ રમેશ અવસ્થી હતું. તેમનાં માતાનું નામ સ્વ.માનકુંવર દેવી અને તેમના પિતા આયુર્વેદરત્ન પંડિત.વિદ્યાધર અવસ્થી હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ બરગીમાં પૂરું કર્યું, નાનપણથી ભગવાનનાં ચરણોમાં અને સાધુસંતો પ્રતિ અતૂટ શ્રદ્ધા તેમનામાં રહી છે. ભક્તિસંસાર પ્રત્યે ભાવ હોવાના કારણે બ્રહ્મલીન શંકરાચાર્યજી મહારાજના સાંનિધ્યમાં સંસ્કૃતની શિક્ષા માટે જ્યોતિરીશ્વર ઋષિકુળ સંસ્કૃત વિદ્યાલય જોતેશ્વર ગયા. તેમનાં ગુણો અને રુચિને જોઈને બ્રહ્મલીન શંકરાચાર્યજીનાં સાંનિધ્યમાં કાશી મોકલ્યા, જ્યાં તેમણે 16 વર્ષ સુધી વ્યાકરણ, ન્યાય, વેદ, વેદાંત સાહિત્ય સહિતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.
તેમની ગુરુ ચરણોમાં અતૂટ શ્રદ્ધાને જોઈને બ્રહ્મલીન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્દગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે નોષ્ટિક બ્રહ્મચારીની દીક્ષા પ્રયાગ કુંભમાં સન 1977માં આપીને સદાનંદ બ્રહ્મચારી નામ આપ્યું, પોતાની શક્તિ અને આશીર્વાદ પ્રદાન કર્યાં. ત્યારથી તેઓ ગુરુ આજ્ઞાથી અધ્યયન અધ્યાપનની સાથે સાથે શંકરાચાર્ય મહારાજ દ્વારા ચલાવવામાં આવતા પ્રકલ્પોમાં સક્રિય થયા. તેમના કાર્ય કૌશલ્ય, દક્ષતાને જોઈને શંકરાચાર્યજી મહારાજે તેમને પ્રકલ્પોનો વિસ્તાર કરવા માટેનો નિર્દેશ કર્યો અને તેના સંચાલનનું દાયિત્વ આપ્યું. શંકરાચાર્ય મહારાજે તેમની ક્ષમતાઓ જોઈને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદ કરી લીધા. તેઓ જાણી ચૂક્યા હતા કે તેમનામાં શંકરાચાર્ય બનવા માટેના તમામ ગુણ છે. 15 એપ્રિલ, 2003ના રોજ કાશીમાં પૂબ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજ દ્વારા દંડ સંન્યાસની દીક્ષા આપીને સ્વામી સદાનંદ સરસ્વતીના રૂપમાં સમાજમાં ધર્મપ્રચાર ધર્માદેશ આપવાની આજ્ઞા આપી. 11 સપ્ટેમ્બર 2022ના દિવસે પરમહંસી ગંગા આશ્રમ, જોતેશ્વરમાં દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થયા. બીજા દિવસે 12 સપ્ટેમ્બર 2022ના દિવસે શંકરાચાર્યજીની આજ્ઞા અને અંતીમ ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ શરીર સમક્ષ જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમ હિમાલય, શારદા પીઠ દ્વારકા ગુજરાત, શૃંગેરી શારદા મઠ, કર્ણાટકના પ્રતિનિધિ અને શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના અંગત સચિવ બ્રહ્મચારી સુબોદ્ધાનંદજી દ્વારા સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની દ્વારકા શારદા પીઠના 79મા શંકરાચાર્ય તરીકે ઘોષણા થઈ અને સંક્ષિપ્ત અભિષેક કરવામાં આવ્યો. એ પછી 14 ઓક્ટોબર 2022ના દિવસે દ્વારકા મંદિરના પ્રાંગણમાં પરંપરા મુજબ અન્ય પીઠના શંકરાચાર્યજી અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહાભિષેક કરવામાં આવ્યો. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ દ્વારા હોસ્પિટલો, ગુરૂકૂળ, અન્નક્ષેત્રો અને આશ્રમોમાં નિ:શુલ્ક સુવિધાઓ આપવામાં આવે છે.
હાલમાં જગદ્દગુરૂ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ ચાતુર્માસ કરવા અમદાવાદ આવ્યા છે અને સેટેલાઈટમાં ઈસરોની સામે શિવાનંદ આશ્રમમાં સત્સંગ કરી રહ્યા છે. ચાર વેદના આધારે જગદ્દગૂરૂ શંકરાચાર્યજીએ ચાર મઠની સ્થાપના કરી
જગદ્દગૂરૂ આદિ શંકરાચાર્યના સમયથી આ પદની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્યની ઓળખ સનાતન ધર્મના રક્ષક, પ્રચારક તરીકે થાય છે. સનાતન ધર્મના પ્રચાર માટે આદિ શંકરાચાર્યએ ભારતના ચાર પ્રદેશોમાં ચાર મઠની સ્થાપના કરી હતી. આદિ શંકરાચાર્યએ તેમના ચાર મુખ્ય શિષ્યોને ચાર મઠની ગાદી સંભાળવા આપી હતી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે. દરેક મઠનું પોતાનું વિશેષ મહાવાક્ય હોય છે. ચાર મઠમાં મુખ્ય પદ ધરાવતા ધાર્મિક વડાને શંકરાચાર્ય કહેવામાં આવે છે.
આ ચાર મઠ સદીઓથી શંકરાચાર્યના નેતૃત્વમાં સનાતન પરંપરાનો ફેલાવો કરી રહ્યા છે. આ ચાર મઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે. પૂર્વમાં ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, દક્ષિણમાં યજુર્વેદથી શ્રૃંગેરી મઠ જે રામેશ્વર પાસે છે. પશ્ચિમમાં સામવેદથી શારદા મઠ જે દ્વારકામાં છે અને ઉત્તરમાં અથર્વવેદથી જ્યોતિર્મઠ જે બદરીનાથમાં છે. કોણ હતા જગદ્દગુરૂ આદિ શંકરાચાર્ય?
હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઈ.સ 788 માં વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ જગદ્દગુરૂ આદિ શંકરાચાર્યજીનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. તેમનો જન્મ દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેઓ એક મુક્તહસ્ત બાળક અને અલૌકિક ક્ષમતા ધરવતા અસાધારણ વિદ્વાન હતા. માત્ર બે વર્ષની વયે જ તેઓ કડકડાટ સંસ્કૃત બોલી અને લખી શકતા હતા. ચાર વર્ષની વયે તેઓ બધા વેદોનું પઠન કરી શકતા હતા અને બાર વર્ષે તેમણે સંન્યાસ લઈને ઘર છોડ્યું. અટલી નાની વયે પણ તેમના શિષ્યો થયા અને તેમણે દેશભરમાં આધ્યાત્મિકતાને પુનર્સ્થાપિત કરવા ભ્રમણ શરૂ કર્યું.
બત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે તેમનો દેહ ત્યાગ કર્યો પણ બારથી બત્રીસ સુધી, એ વીસ વર્ષ દરમિયાન તેમણે આખા દેશમાં અનેકવાર ભ્રમણ કર્યું, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, કેરળથી લઈને બદરીનાથ તેઓએ બધી જ દિશામાં ભ્રમણ કર્યું. તેઓ ખૂબ જ ઝડપથી ચાલનારા રહ્યા હશે કારણ કે, આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે આટલું ભ્રમણ કર્યું અને તેની વચ્ચે તેમણે હજારો પૃષ્ઠોનું સાહિત્ય રચ્યું. તે ઈ.સ. 820માં બદરીનાથથી હિમાલય તરફ ચાલ્યા ગયા ને પરમાત્મામાં વિલીન થઈ ગયા. જગદ્દગુરૂ આદિ શંકરાચાર્યજીએ રચેલા સ્તોત્રો આજે પણ ગવાય છે
જગદ્દગુરૂ આદિ શંકરાચાર્યજીએ અનેક સ્તોત્રોની રચના કરી. તેમાં નિર્વાણાષ્ટકમ (ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ), ભજ ગોવિંદમ, સૌંદર્ય લહરી, પ્રાત સ્તુવે પરશિવામ્ ભૈરવી, શિવ પંચાક્ષર સ્તોત્રમ્, શ્રી મહાગણેશ પંચરત્નમ્, દક્ષિણા મૂર્તિ સ્તોત્રમ્, કનકધારા સ્તોત્રમ્, જગન્નાથાષ્ટકમ્, અચ્યુતાષ્ટકમ્, શિવ માનસ પૂજા, અન્નપૂર્ણા સ્તોત્રમ્, ઉમા મહેશ્વર સ્તોત્રમ્, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્, વિષ્ણુ ષટ્પદિ, લલિતા પંચ રત્નમ્, શ્રી રામ પંચ રત્ન સ્તોત્રમ્, ગોવિંદાષ્ટકમ્, ભવાની અષ્ટકમ્, કલ્યાણવૃષ્ટિ સ્તવઃ જેવા સ્તોત્રોનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.