સોની વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 11 લાખ ખંડણી મંગાઈ
- મહિલાએ વેપારીને ચાંદીના દાગીના બતાવવા માટે બોલાવી તમામે ગુનાહિત કાવતરૂ રચ્યું- મહિલા સાથે ફોટા પડાવી, વાયરલ કરી દેવાની ધાક ધમકી આપી વેપારી પાસેથી બળજબરી પુર્વક ચાર લાખ પડાવી લેવાયા : મહીલા સહીત 4 સામે ગુનો નોંધાયોભાવનગર : બોટાદના સોની વેપારીને ચાંદીના દાગીના બતાવવાના બહાને મહિલાએ ગઢડા રોડ ઉપર બોલાવી મહિલા સહીત ચારે ગુનાહિત કાવતરૂ રચી વેપારી અને મહિલાના ફોટા પાડી, વાયરલ કરવાની ધાક ધમકી આપીને શખ્સોએ ૧૧ લાખની ખંડણીની માંગ કરી વેપારી પાસેથી બળજબરી પુર્વક રૂા. ચાર લાખ પડાવી લઈ માર મારતા વેપારીએ ઝરીયા ગામના મહિલા સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઉક્ત બનાવને લઈ વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ હરીકૃષ્ણ બંગલોઝમાં રહેતા અને બોટાદના અંબાજી ચોકના ઢાળમાં તુલસી જ્વેલર્સ ધરાવતા સોની વેપારી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ નવીનભાઈ રોજેસરા (ઉ.વ. ૪૯)એ બોટાદ પોલીસ મથકમાં કનુ ભોજક, જયદીપ, જયદીપ ઉર્ફે જલો કાલીયા (રે. તમામ. ઝરીયા, તા. બોટાદ) અને કૈલાસબેન ઉર્ફે રાધીકાબેન જયંતીભાઈ ચાવડા (રે. ગઢડા રોડ, રાધા કૃષ્ણ સોસાયટી, બોટાદ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ઉક્ત મહિલાએ અગાઉ અવાર નવાર તેઓની દુકાનેથી ચાંદીની વસ્તુઓ લઈ વિશ્વાસ કેળવી તેઓનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. દરમિયાન ગત તા. ૩૧.૭ના રોજ સવારે ૧૦ કલાકના અરસા દરમિયાન ઉક્ત કૈલાસબેને મારા ઘરે આવો મારે ચાંદીની વસ્તુ લેવાની છે. તેમ કહી ફોન કરીને બોલાવતા તેઓ મહિલાના ઘરે ગયા હતા. તે વેળાએ મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધા બાદ અન્ય લોકો ઘરમાંથી નિકળી તમામે ગુનાહિત કાવતરુ રચી તેઓને કાઈ બોલતો નહીં તેમ કહી બે લાફા મારી દઈ મહિલા સાથે તેના ફોટા પાડી લઈ તારે અમને ૧૧ લાખ આપવા પડશે તેમ કહી ખંડણી માંગી, તારા ફોટા વાયરલ કરી દઈ બદનામ કરી નાખીશુ તેમ કહેતા તેઓએ મારી પાસે આટલા પૈસા નથી તેમ કહેતા બળાત્કારના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધાક ધમકી આપી તેને ડરાવતા તેના બે મિત્રો પાસે લઈ જઈ બન્ને પાસેથી બે-બે લાખ ઉછીના લઈ ઉક્ત શખ્સોને આપતા હવે બધુ પુરૂ તારે કોઈને કઈ વાત નહીં કરવાની નહીંતર તને જાનથી મારી નાખીશું અને તને બદનામ કરી દેશું તેમ કહી ધમકી આપી હતી.ઉક્ત ફરીયાદ અનુસંધાને બોટાદ પોલીસે આઈપીસી. ૩૮૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વેપારીને હની ટ્રેપમાં ફસાવી દઈ રૂપિયા ૧૧ લાખની ખંડણી માંગવાના અને ચાર લાખ બળજબરી પુર્વક પડાવી લેવાના બનાવને લઈ વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.