માતા પાસે ખોટું બોલીને મુંબઈ પહોંચ્યો હતો 'પંચાયત'નો જમાઈ:સૈફ-કરીનાનાં લગ્નમાં વાસણ ધોયાં, વેઈટર તરીકે કામ કર્યું, લોકોએ 'નોટ ફિટ'ની ટેગ આપ્યું; આ રીતે થયો ફેમસ - At This Time

માતા પાસે ખોટું બોલીને મુંબઈ પહોંચ્યો હતો ‘પંચાયત’નો જમાઈ:સૈફ-કરીનાનાં લગ્નમાં વાસણ ધોયાં, વેઈટર તરીકે કામ કર્યું, લોકોએ ‘નોટ ફિટ’ની ટેગ આપ્યું; આ રીતે થયો ફેમસ


હાલમાં 'પંચાયત -3' રિલીઝ થઇ છે. આપણને બધાને 'પંચાયત'ના પહેલા પાર્ટમાં ગુસ્સે થયેલા જમાઈ અને તેની ખુરશીની વાત તો યાદ જ હશે. ગુસ્સામાં રહેતા આ જમાઈનો રોલ આસિફ ખાને નિભાવ્યો હતો. આસિફ પોતાના સંઘર્ષની કહાણી કહેવા માટે દિવ્ય ભાસ્કરની મુંબઈની ઓફિસે બપોરે 1 વાગ્યે પહોંચ્યો હતો. તેમનું સ્વાગત કરવા માટે અમે તેમને રિવોલ્વિંગ ખુરશી જ આપી હતી. જે જોઈને તેઓ હસીને લોટપોટ થઇ જાય છે. આ સાથે જ આસિફે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે તેને મનમાં પણ નહોતું વિચાર્યું કે આ નાનકડો રોલ આટલો ફેમસ થઈ જશે. લુક ટેસ્ટ દરમિયાન આસિફ ઈચ્છતો હતો કે તેનો આ રોલ પસંદ ન થાય પરંતુ થયું તેનાથી ઊંધું. ઓડિશનમાં તેમની પસંદગી થઇ ગઈ હતી. રાજસ્થાનના એક નાનકડા ગામમાં જન્મેલા આસિફે અહીં સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષનો સામનો કર્યો છે. એક સમય હતો જ્યારે તેઓ હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. આસિફે સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્નમાં પણ વેઈટર તરીકે કામ કર્યું હતું. આજે સ્ટ્રગલ સ્ટોરીમાં વાંચો આસિફ ખાનના સંઘર્ષની વાર્તા, તેમના જ શબ્દોમાં… પિતા ગુજરાન માટે જેપી સિમેન્ટમાં નોકરી કરતા હતા, ભણવું ન પડે એટલે નાટકમાં જોડાયો
આસિફ ખાનનો જન્મ 13 માર્ચ 1991ના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢના નાના ગામ નિમ્બહેરામાં થયો હતો. પિતા જેપી સિમેન્ટમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી છે. બાળપણ વિશે આસિફે જણાવતા કહ્યું કે, 'અબ્બુ જેપી સિમેન્ટમાં કામ કરતા હતા. અહીંથી જે પૈસા મળતા તેને કારણે જ મને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળ્યો. જો કે, હું અભ્યાસમાં જરા પણ હોશિયાર નહોતો.માંડ-માંડ પાસ થતો હતો. આ સમય દરમિયાન મને શાળામાં યોજાતા એન્યુઅલ ફંક્શન વિશે જાણવા મળ્યું. અભ્યાસથી બચવા માટે મેં એક નાટકમાં પણ ભાગ લીધો હતો. મિત્રોની સાથે-સાથે તે શિક્ષકો પણ મારા વખાણ કરવા લાગ્યા જેમણે મારા અભ્યાસ માટે ક્યારેય પણ વખાણ નહોતા કર્યા. આ પ્રોત્સાહનને કારણે મેં બીજી ઘણી નાટક સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ કારણે ચિત્તોડગઢની આસપાસ લોકો મને ઓળખવા લાગ્યા હતા. પિતાના અવસાનથી પરિવારમાં આવી પડી મુશ્કેલી, ઘર ચલાવવા માટે આસિફને નાની-મોટી નોકરી કરવી પડી
બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ 2008માં પિતાનું અવસાન થયું. આ બાદ ઘર પર જાણે દુ:ખનો પહાડ તૂટ્યો હોય એવું લાગતું હતું. મોટો ભાઈ અભ્યાસમાં સારો હતો. આવી સ્થિતિમાં અમે નક્કી કર્યું કે તે તેનો અભ્યાસ પૂરો કરશે અને હું ઘરનું ગુજરાન ચાલે તે માટે નોકરી કરીશ. આ સમયે હું 7મા ધોરણમાં હતો. મારા પિતાના નિધન પછી મારી પાસે શાળાની ફી ભરવાની ત્રેવડ નહોતી. આ કારણોસર આ સ્કૂલમાંથી મારું સર્ટિ. કઢાવીને સરકારી શાળામાં એડમિશન લીધું હતું. સૌથી પહેલાં મને એરટેલ ઓફિસમાં નોકરી મળી. હું ત્યાં સવારથી બપોર સુધી કામ કરતો હતો બાદમાં શાળાએ જતો હતો. ત્યાંથી નીકળ્યા બાદ ફરી કામ પર જતો હતો. આ સિલસિલો લગભગ દોઢ-બે વર્ષ સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાન મેં ઘણી નાની-મોટી નોકરીઓ કરી. થોડો સમય મેં મારા મામા સાથે સ્ટીલ ફર્નિચર બનાવવાનું કામ પણ કર્યું. મા પાસે ખોટું બોલીને મુંબઈ પહોંચ્યો
'અબ્બુના પીએફમાંથી કેટલાક પૈસા આવ્યા હતા. અમ્માએ વિચાર્યું કે આ જ પૈસાથી તેઓ મને નજીકની કોલેજમાં ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ અપાવી શકશે. આ બધું સાંભળીને હું હેરાન-પરેશાન થઇ ગયો હતો. હું અન્ય કામ કરતો હોવા છતાં મને એક્ટિંગમાં જ રસ હતો. એક દિવસ તક મળતાં જ મેં મારી માતાને સત્ય કહી દીધું કે મારે માત્ર એક્ટર બનવું છે. આ સાંભળીને તેઓને જોરદાર ઝટકો લાગ્યો હતો. તેમને લાગ્યું કે હું એક્ટિંગમાં જોડાઈને મારું જીવન બરબાદ કરી દઈશ. તેઓએ મારા નિર્ણયનો સખત વિરોધ કર્યો અને નક્કી કર્યું કે તે ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યા પછી જ તેનો સ્વીકાર કરશે. આ બાદ આનાથી બચવા હું ખોટું બોલ્યો હતો. મેં મારી માતાને કહ્યું કે મારે ઇન્દોરમાં મારા નાનાના ઘરે જવાનું છે. તેમણે આ માટે મંજૂરી આપી હતી. સ્ટેશન પર પહોંચીને ઈન્દોર ટ્રેનમાં ચડવાને બદલે મુંબઈની ટ્રેનમાં ચડીને મુંબઈ આવ્યો હતો. અહીં પહોંચ્યા પછી માતાને સત્ય કહ્યું. પછી તેમણે ગુસ્સામાં કહ્યું - તું મુંબઈ શું કરવા ગયો છો? જવાબમાં મેં કહ્યું- થોડો સમય આપો, તમને ખબર પડશે કે હું શું કરવા આવ્યો છું. મુંબઈ આવ્યો તો સંબંધીઓએ મારી સાથે દગો કર્યો
આસિફ 17 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો. જ્યારે તે બોરીવલી સ્ટેશને પહોંચ્યો અને અહીં રહેતા એક સંબંધીને ફોન કર્યો હતો, ફોનમાં તેનો જવાબ સાંભળીને ઝટકો લાગ્યો હતો. આસિફ આ વિશે કહે છે, 'હું તે વ્યક્તિનું નામ નહીં લઉં. જ્યારે મેં તેમને કહ્યું કે હું મુંબઈ આવ્યો છું અને તેમના ઘરે આવવા માગું છું, ત્યારે તે સંબંધીએ કહ્યું – આજ પછી મને ફોન કરશો નહીં. આપણો કોઈ સંબંધ નથી. આ પછી મેં એક-બે વધુ લોકોને ફોન કર્યા, પરંતુ કોઈએ મદદ કરી નહીં. પછી એક મિત્ર ભગવાન બનીને આવ્યો અને તેમને તેમના નાનકડા ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. મને પહેલી નોકરી એક હોટલમાં વેઈટર તરીકે મળી, 6-7 લોકો સાથે ચાલમાં રહેવાનું શરૂ કર્યું.
મુંબઈ આવ્યાના 4-5 દિવસ પછી કામ શોધવાનું શરૂ કર્યું. ત્યારબાદ સતીશ કૌરવ નામના કોઓર્ડિનેટરની મદદથી તેમને વેસ્ટિન હોટલમાં વેઈટરની નોકરી મળી. અહીં નક્કી થયું કે મને રોજના 225 રૂપિયા અને એક ટાઈમનું જમવાનું મળશે. રહેવાની વ્યવસ્થા કરવાનું બાકી હતું. સતીશજીએ હોટલની નજીકની એક ચાલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી, જ્યાંનું માસિક ભાડું 800 રૂપિયા હતું. એક રૂમમાં 6-7 લોકો રહેતા હતા. મેં મારી માતાને આ નોકરીના સમાચાર પહોંચાડ્યા, જેથી તેમને પણ વિશ્વાસ આવી શકે કે તેમનો પુત્ર કોઈ ખોટા રસ્તે નથી જઈ રહ્યો. સૈફ અને કરીનાનાં લગ્નના ફંક્શનમાં વાસણો ધોયાં
સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નમાં રસોડાની સફાઈનું કામ આસિફે કર્યું છે. આ દિવસને યાદ કરતા કહે છે કે 'વેસ્ટિન હોટેલમાં કામ કર્યા પછી, મેં મુંબઈની બીજી જાણીતી હોટેલમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં હું રસોડા વિભાગમાં કામ કરતો હતો. એક દિવસ મેં જોયું કે કરીના કપૂર અને સૈફ અલી ખાનનાં લગ્ન સાંજે એક જ હોટલમાં થવાનાં હતાં. મને એ જોઈને ખૂબ જ આનંદ થયો કે આજે હું ઘણી જાણીતી હસ્તીઓને મળીશ. જો કે, આવું બન્યું ન હતું. સાંજે ફંક્શન શરૂ થયું. મેં જોયું કે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા મોટા સેલેબ્સ ફંક્શનમાં આવ્યા હતા. હું રસોડામાંથી તેમની સામે જોઈ રહ્યો હતો, તેમને મળવા માટે હું આતુર હતો. મેં મેનેજરને આજે મને વેઈટરનું કામ આપવાનું કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં.. મેં ખૂબ આજીજી કરી, પણ તેનું હૃદય પીગળ્યું નહીં. મેનેજરના આગ્રહને કારણે હું દૂર બેઠેલા લોકોને મળી શક્યો નહીં, જેમને મળવાનું મારું મોટું સપનું હતું. આ પેટનો સવાલ હતો. આવી સ્થિતિમાં હું ચૂપ જ રહ્યો અને કડવો ઘૂંટડો સહન કરી લીધો હતો બાથરૂમમાં જઈને ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો. જ્યારે કાસ્ટિંગ કોઓર્ડિનેટરે કહ્યું- તમે હીરો મટીરિયલ નથી
આસિફે જણાવ્યું કે હોટલમાં કામ કરતી વખતે તે ઓડિશન માટે જતો હતો, પરંતુ દરેક વખતે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. એકવાર તે અનુરાગ કશ્યપની ઓફિસમાં પણ ગયો હતો, પરંતુ ગાર્ડે તેને અંદર જવા દીધો નહોતો. આ દરમિયાન આસિફ સાથે એક એવી ઘટના બની, જેનાથી ઘણું દુઃખ થયું હતું. આસિફે કહ્યું, 'એક દિવસ હું કાસ્ટિંગ કોઓર્ડિનેટર શાંતિલાલ મુખર્જીને મળ્યો. જ્યારે મેં ઓડિશન આપ્યું ત્યારે તેઓએ કહ્યું કે હું મિમિક્રી કરું છું. પછી તેમણે કહ્યું- તું હીરો મટીરિયલ નથી, ન તો તું જાણે છે કે કેવી રીતે એક્ટિંગ કરવી. તમારા પિતા કરોડપતિ નથી, જે પૈસાનું રોકાણ કરશે અને તમને લોન્ચ કરશે. જો તમે પહેલાં એક્ટિંગ શીખો તો સારું રહેશે. જો કે મને તેની આ વાત ખરાબ લાગી, પણ ક્યાંક એણે મને અરીસો પણ બતાવ્યો. આ ઘટના પછી મેં એક્ટિંગ શીખવાનું વિચારવાનું શરૂ કર્યું. પૈસાના અભાવે એક્ટિંગ સ્કૂલમાં એડમિશન ન મળ્યું
'બેરી જોન બેસ્ટ એક્ટિંગ ગુરુ માનવામાં આવે છે. હું પણ તેમની પાસે એડમિશન લેવા ગયો હતો, પણ ત્યાંથી પણ ખાલી હાથે પાછો ફર્યો હતો. કારણ એ હતું કે મારી પાસે ફીના વધારે પૈસા નહોતા. થાકીને હું રાજસ્થાન પાછો આવ્યો અને ત્યાં થિયેટર કરવા લાગ્યો. 5-6 વર્ષ પછી અમે કાલા ઘોડા ફિલ્મ ફેસ્ટિવલમાં નાટક કર્યું. બેસ્ટ પ્લેનો એવોર્ડ મળ્યો હતો. લોકોનો આ પ્રેમ જોઈને મને ફરીથી પ્રોત્સાહન મળ્યું અને હું 2016માં મુંબઈ પાછો આવ્યો. મુંબઈ પાછો આવ્યો તો પણ નિરાશ જ થવું પડ્યું
આસિફને લાગ્યું કે થિયેટર કર્યા પછી તેને સરળતાથી ઈન્ડસ્ટ્રીમાં કામ મળી જશે. જો કે, આવું બન્યું ન હતું. તેણે કહ્યું, 'મુંબઈ આવ્યા પછી, ફરીથી કામ માગવાની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ બદલામાં મને ફક્ત NOT FITનો ટેગ મળ્યો. 2-3 મહિના વીતી ગયા અને પૈસા પણ પૂરા થઈ ગયા. પછી મેં વિચાર્યું કે થોડો સમય બીજું કામ કરવું જોઈએ. મેં વિચાર્યું કે હું કાસ્ટિંગ કરીશ. આ માટે હું એક્ટર અભિષેક બેનર્જીને મળ્યો હતો. પછી મને રેડ, લુક્કા-છિપ્પી અને અર્જુન પટિયાલા જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. આટલા સંઘર્ષ પછી આસિફને પહેલીવાર ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મમાં કામ મળ્યું. આ પછી તે પાતાળ લોક, જામતારા, મિર્ઝાપુર અને પંચાયત જેવી સિરીઝમાં પણ કામ કર્યું હતું. 'પંચાયત'માં કામ કરવા માગતા ન હતા
આસિફને સિરીઝ 'પંચાયત'ના કારણે ઘણી લોકપ્રિયતા મળી હતી. જો કે ખાસ વાત એ છે કે તેમને આ સિરીઝમાં કામ કરવાની સહેજ પણ ઈચ્છા નહોતી. તેમણે કહ્યું, 'હું મિર્ઝાપુર અને પાતાલ લોકનું શૂટિંગ કરી રહ્યો હતો. એક દિવસ મને કાસ્ટિંગ ડિરેક્ટર નવનીત શ્રીવાસ્તવનો ફોન આવ્યો, જે મારા ખૂબ સારા મિત્ર પણ છે. તેણે કહ્યું- એક સિરીઝ છે, 'પંચાયત.' એમાં ઘમંડી જમાઈનો રોલ છે. તમે આ માટે પરફેક્ટ છો, આ માટે આવો અને ઓડિશન આપો. જો કે, સ્ક્રીન સ્પેસ ઘણી નાની છે. 'આ સાંભળીને મેં ના પાડી દીધી કારણ કે હું પહેલેથી જ બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. પરંતુ તેમના આગ્રહને કારણે હું તે ઓડિશન માટે ગયો હતો. કાળઝાળ ગરમીમાં મને કોટ અને જૂની પાઘડી પહેરાવવામાં આવી હતી. આ કારણે મારું મગજ ખરાબ થઇ ગયું હતું. એ જ ખરાબ મૂડમાં ઓડિશન આપ્યું. કદાચ આ જ કારણે એક્ટિંગ એકદમ સ્વાભાવિક લાગતી હતી અને બધાને મારું કામ ગમ્યું હતું. ઈચ્છા ન હોવા છતાં મારી પસંદગી થઈ હતી.' સાચું કહું તો બિલકુલ નહીં. હું ભોપાલ આવ્યો અને શૂટિંગ પૂરું કરીને મુંબઈ પાછો ગયો. થોડા દિવસો પછી મને યાદ પણ ન આવ્યું કે મેં 'પંચાયત' નામની સિરીઝમાં કામ કર્યું છે. મને એ પણ ખબર નહોતી કે તે એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.' 'આ સિરીઝ લાંબા સમય બાદ રિલીઝ થઈ છે. મારી ભત્રીજીનો જન્મ રિલીઝના સમયની આસપાસ થયો હતો. હું હોસ્પિટલના કામમાં એટલો વ્યસ્ત હતો કે મને ખબર પણ ન પડી કે આ સિરીઝ ક્યારે રિલીઝ થઈ. એક દિવસ એક મિત્રએ ફોન કરીને કહ્યું કે મારું આ પાત્ર ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે. હું માની શકતો ન હતો. આજે લોકોનો આ પ્રેમ જોઈને મને ઘણો આનંદ થાય છે.' 'જો મેં આ સિરીઝમાં કામ ન કર્યું હોત તો આજે મને ઘણો પસ્તાવો થાત.' આસિફે આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું- હું આવનારા દિવસોમાં વેમ્પાયર ઑફ વિજય નગર, ધ વર્જિન ટ્રી અને નૂરાની ચેહરા જેવી ફિલ્મોમાં જોવા મળીશ. આ ફિલ્મોમાં મને આયુષ્માન ખુરાના, સામંથા રૂથ પ્રભુ, સંજય દત્ત અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળશે. આ સિવાય 2-3 ફિલ્મો પણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.