કળિયુગી પુત્રએ રૂપિયા માટે વૃધ્ધ માતાને પાઈપથી ફટકારી
કળિયુગી પુત્રએ રૂપિયા માટે વૃધ્ધ માતાને પાઈપથી ફટકારી
Crime | Rajkot | 19 March, 2024 | 04:42 PM
ન્યુ વિજયનગર સોસાયટીનો બનાવ: જમીન વેંચતા આવેલા રૂપિયા પડાવી લેવાં ધર્મેશ પરમાર રઘવાયો થયો: વૃધ્ધા જયાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા: થોરાળા પોલીસે ગુનો નોંધ્યો
સાંજ સમાચાર
રાજકોટ. તા.19
રૂપિયા માટે સગી જનેતાને પણ માર મારતા આજના કળિયુગી પુત્ર અચકાતા નથી. તેવો જ બનાવ ન્યુ વિજયનગર સોસાયટીમાં બનવા પામ્યો છે. માતાએ જમીન વેંચતા આવેલા રૂપિયા પડાવી લેવાં પુત્ર ધર્મેશ પરમારે તેની વૃધ્ધ માતા પર પાઈપથી જીવલેણ હુમલો કરતા સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જયાબેન લાલજીભાઈ પરમાર (ઉ.વ.61) એ નોંધાવેલ ફરિયાદમાં તેના પુત્ર ધર્મેશ લાલજી પરમારનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ અને પુત્ર અશોક સાથે રહે છે અને કાનાભાઈના મ.પરામાં શાકભાજીની દુકાન રાખી વેપાર કરે છે. તેમજ મોટો પુત્ર ધર્મેશ અલગ થોરાળામાં રહે છે.સાતેક મહિના પહેલા તેણીના મુળ ગામ ઢાંઢણીમાં આવેલ તેઓની બે એકર જમીન વેચેલ હતી.
જમીનના રૂપીયા બે મહિના પહેલા મળેલ અને રૂપીયામાંથી થોડુક દેણુ ભરેલ અને બાકીના રૂપીયા તેઓએ તેમની પાસે રાખેલ હતાં. જે રૂપીયાના ભાગ માટે પુત્ર ધર્મેશ અવાર-નવાર બોલાચાલી કરતો હતો પરંતુ તે રૂપીયા વેડફી ના નાખે માટે તેને આપેલ ન હતાં. ગઈકાલે રાત્રીના તેણી શાકભાજીની દુકાનેથી રીક્ષામાં બેસી ઘરે આવેલ તો ધરની ડેલી પાસે ધર્મેશ ઉભેલ હતો અને ભાગના રૂપીયાની માંગણી કરતા તેને કહેલ કે, અત્યારે તને તારા ભાગના રૂપિયા આપીશ નહીં,
બાદમાં આપીશ તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને ત્યાં બાજુમાં પડેલ લોખંડનો પાઇપ લઈ માર મારવા લાગેલ હતો. દરમિયાન વૃધ્ધા રોડ પર પટકાતા કળિયુગી પુત્ર ત્યાં પણ અટક્યો ન હતો અને પાઇપ ફટકારવા લાગ્યો હતો. બાદમાં આસપાસ લોકો એકઠાં થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.