જામનગર નજીક રામપર ગામના પાટીયા પાસે રિક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ અને ચાર બાળકો સહિત 6 ઘાયલ
જામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવાર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટીયા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે રિક્ષામાં બેઠેલા એક દંપતિ અને ચાર બાળકો સહિત છ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માતના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં ગરીબ નગર વિસ્તારમાં રહેતો ગુલામ હુસેન હાસમભાઈ વાઘેર નામનો ૩૭ વર્ષનો રીક્ષા ચાલક યુવાન ગત ૨૬મી જુલાઈના બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં પોતાની સીએનજી રીક્ષામાં પત્ની નસીમબેન તેમજ પુત્ર ન્યાજ હુસેન (ઉંમર વર્ષ ૧૨) અને સાળાના દીકરા અયાન (૮ વર્ષ ) અલ્ફાજ (૬ વર્ષ) સાકીરહુસેન (૮ વર્ષ) વગેરેને સાથે રાખીને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન રામપર ગામના પાટીયા પાસે પૂરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા ચાલક દંપતિ અને ચાર બાળકો સહિત તમામ છ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હોવાથી તમામને પ્રાથમિક સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગે ગુલામહુસેને સફેદ કલરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.