જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણીક-સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઇ - At This Time

જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણીક-સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઇ


જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણીક-સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઇ
શિક્ષણ એટલે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા, કેળવવું, ઉછેરવું – પ્રો.(ડો.)ચેતન ત્રિવેદી , જૂનાગઢનાં સુખપુર સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ ખાતે ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ દ્વારા બે દિવસીય કાર્યશાળાનો આજે પ્રારંભ થયો છે. આ કાર્યશાળામાં દ્વિતિય સત્રને દિપ પ્રાકટ્યથી ખુલ્લો મુકતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીએ ગુજરાતભરમાંથી પધારેલ જ્ઞાનસરિતાનાં સાધકોને સંબોધતા જણાવ્યુ હતુ કે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજીત આ છઠ્ઠી સંગોષ્ઠી જ્યારે જૂનાગઢનાં આંગણે યોજાઇ રહી છે ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલ વિદ્વાનો સાથે યુનિ.નાં કુલપતિ તરીકે અને એક પ્રાધ્યાપક તરીકે હું હર્ષ અનુભવુ છુ. ગારીયાધારનાં વેળાવદરનાં ઉમદા શિક્ષક કાર્ય કરનાર દિવંગત આલાભાઇ સાંડસુરની સ્મૃતિમાં સાંપ્રત સમયમાં ઈતિહાસ, શિક્ષણ અને મુલ્યો પર રાજ્યભરમાંથી પધારેલ શિક્ષણ જગતનાં વિદ્વાનો પોતાનું મંથન કરશે.ડો. ચેતન ત્રિવેદીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યફલકની જાણકારી આપી યુનિઉ દ્વારા થતાં સંશોધનો, શીક્ષણમાં ભારતીયતા, સહિત વિવિધ બાબતોની જાણકારી આપી ઉમેર્યુ હતુ કે જગતનો સદીઓ જૂનો ઈતિહાસ તપાસવા બેસીએ તો ખ્યાલ આવે છે કે માનવ ઈતિહાસ જાતજાતના અનેક યુદ્ઘોથી ભર્યો પડ્યો છે. યુદ્ઘોએ માણસની બીજાને જીરવવાની વાત કરતા બીજા પર જીતવાની વૃત્તિને વધુને વધુ પ્રબળ બનાવી દીધી. આવા યુદ્ઘોને આપણે આજે પાઠ્યપુસ્તકોમાં દાખલ કરીને ખરેખર શું શીખવવા માંગીએ છીએ? ‘વી આર નોટ મેઈકર્સ ઓફ હિસ્ટ્રી, વી આર મેઈડ બાય હિસ્ટ્રી.’ ભૂતકાળને આમતો ભવ્ય અને ભંયકર એમ બે રીતે મુલવી શકાય છે. ભવ્ય ભૂતકાળને વારસા તરીકે ગ્રહણ - કરવો રહ્યો અને એની ગરિમાનું જતન કરતા રહેવું એ આપણી જવાબદારી બની જાય છે. જ્યારે ભયંકર ભૂતકાળને માનવ ઈતિહાસની ગંભીર ભૂલો તરીકે એનો અભ્યાસ કરી વર્તમાન અને ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય એ માટે સજાગ રહેવાનું હોય છે. મુખ્યત્વે શિક્ષણની. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવી છે કે શિક્ષણને કેટલું મહત્ત્વ અપાતું હતું. ગુરુકૂળ વ્યવસ્થામાં ગુરુ અને વિદ્યાર્થીનું એકમેક સાથેનું જોડાણ હતું. વિદ્યાનું કામ અર્થોપાર્જનનું કામ નહોતું, સંસ્કાર સિંચનનું કામ હતું. ભારતની પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ અને શિષ્ય ‘કો-ટ્રાવેલર્સ’નાં રોલમાં હતા અને ‘ડાયલોગ’ એ શિક્ષણનું માધ્યમ હતું. પ્રશ્નોત્તરી એ શિખવાની પ્રક્રિયાનું મૂળભૂત અંગ હતું. શિક્ષણ તો સિલેબસ કોઈ છાપેલા પાઠ્યપુસ્તકોમાં બંધ નહોતો અને માટે બંધિયાર નહોતો. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા રસરૂચિ આધારિત હતી અને કૌશલ્ય પ્રાપ્તિ એ એનો એક હેતુ હતો. શબ્દ કરતાં વધુ મહત્ત્વનાં સંસ્કાર હતા અને ઠાલી પરીક્ષા પદ્ઘતિઓને એમાં કોઈ સ્થાન નહોતું. વળી સમાજનાં કોઈ પણ વર્ગનાં વિદ્યાર્થીને ગુરુનાં ગુરૂકૂળમાં સમાન દરજ્જો અપાતો. રાજા-મહારાજાનાં સંતાનોને પણ કોઈ વિશેષ લાભાલાભ કે સુખ-સુવિધા ગુરૂકૂળમાં પ્રાપ્ત નહોતા. શિક્ષણનું અંતિમ લક્ષ્ય હતું જીવનનાં સર્વાંગ સુંદર સત્યને પામવું. અંગ્રેજોએ સહુ પ્રથમ અભ્યાસ ભારતીય શિક્ષણ પરંપરાનો જ કર્યો હતો અને એમાંથી અંગ્રેજો પામી ગયા હતા કે ભારતની સામાજિક વ્યવસ્થા એની શિક્ષણ વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત છે માટે આ દેશ અને પ્રજા પર હુકુમત કરવા માટે એનાં મૂળીયાઓ પર ઘા કરવો પડશે. અંગ્રેજોએ આ કામ ખૂબ કીમીયાગીરીથી કર્યું. ધીમે-ધીમે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વપ્રસિદ્ઘ, વિદ્યાપીઠોનો દેશ એનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો ગુમાવી બેઠો વિશ્વનાં બીજાં દેશો, ફ્રાન્સ, જર્મની જેવા દેશો એમની શિક્ષણ વ્યવસ્થામાં સંસ્કૃત ભાષા તેમજ પંચતંત્રની વાર્તાઓ મૂકવાનું વિચારી શકે છે, પરંતુ આપણે હજુ શું ભણવું કે શું ભણાવવું જોઈએ ને નક્કી પણ નથી કરી શકતા. ટેક્નોલોજીની હરણફાળ નરી આંખે દેખાઈ રહ્યો છે અને ઔદ્યોગિક વિકાસની આડ અસરો જીવને ગૂંગળાવવા માંડી છે ત્યારે આધુનિક શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી ઊલટી બેવડાઈ જાય છે. ત્યારે શિક્ષણને નવેસરથી તપાસીને નવો આકાર આપવાનો સમય હવે પાકી ગયો છે. પચાસ સાઈંઠના દાયકાઓમાં પણ દફતર હળવું ફૂલ હતું. બાળકો નિશાળ જતાં પહેલાં ફળિયામાં કે શાળાના મેદાનમાં છૂટથી કોઈની દેખરેખ વિના રમતાં. સાંજે ઘેર આવીને પણ આડોશપાડોશના મિત્રો સાથે રમત જામતી. હુતુતુ, ખો, ઊભી ખો, નાગોલ, મોઇ દાંડિયા, ફેરરફૂદરડી અને બીજી જાતે શોધી કાઢેલી અનેક રમતો રમતાં. આવી રમતો પાછળ માતા-પિતાને કશું ખર્ચ ન કરવું પડતું. રમતી વખતે ગવાતાં ગીતો ઘરના સ્ત્રી વર્ગ કે મોટાં ભાંડરુઓ પાસેથી શીખતાં. આનાથી ભાષાનો વિકાસ થતો, સ્મૃિત દ્રઢ થતી એટલું જ નહીં, સ્વ રચના કરવાની પ્રેરણા પણ મળતી અને જોડકણાં જોડવાં કે ગીતોમાં ફેરફાર કરીને ગાવું એનો અનેરો આનંદ મળતો. નાનાં બાળકોના મુક્ત હાસ્ય, નિર્દોષ ધીંગા મસ્તી અને નિર્બન્ધ પ્રવૃત્તિઓથી જીવન ધબકતું રહેતું. તેનું એક કારણ એ કે તેમને બાળપણ જીવવા મળતું હતું. દિવસે શાળામાં ભણીને આવે પછી નવી પેઢીનાં બાળકો અને યુવાનો રાત્રે ફાનસના અજવાળે કે ઝાંખા દીવા બત્તીને ઓઠે બેસી વડીલો પાસેથી વાર્તા, તેમના અનુભવો અને લોકગીતો સાંભળતાં અને સાથમાં ગાતાં, એ દ્રશ્ય સામાન્યપણે જોવા મળતું. આવી જીવન રીતિ કેમ અને ક્યારે અદ્રશ્ય થવા લાગી, એ કહેવું મુશ્કેલ છે, પણ અત્યારે આ સઘળી વાતો પરીકથા જેવી લાગે
જ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને પરિણામે વિદ્યાર્થીઓ વધુ વિષદ્દ માહિતી મેળવતા થયા છે શિક્ષણની દિશા અને દશાની તુલના અનાયાસ થઇ જાય, ત્યારે ‘જૂનું તે સોનું’ એ કહેવત યથાર્થ થતી ભાસે એ નિર્વિવાદ છે. શિક્ષણશાસ્ત્રીઓથી માંડીને શિક્ષકો, માતા-પિતા અને ખુદ વિદ્યાર્થીઓ જો આ ભારેખમ યાંત્રિક શિક્ષણ પ્રથામાંની યંત્રણામાંથી છુટકારો મેળવીને ‘ભાર વિનાના ભણતર’ની નવી દિશામાં પગરણ માંડશે, તો જ ભારતનું ભાવિ ખમીરવંતી પ્રજાના હાથમાં રહેશે. સંગોષ્ઠનાં પ્રારંભે જૈનીક સોરઠીયાએઅતિથીઓને આવકાર્યા હતા. ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચનાં સંયોજક શ્યામજીભાઇ દેસાઇએ સંસ્થા પરિચય આપતા જણાવ્યુ હતું કે તખુભાઈ સાંડસુરની પ્રેરણા અને રહબરીમાં ચાલતી શિક્ષણ મૂલક પ્રવૃત્તિની આજ છઠ્ઠી સંગોષ્ઠી યોજાઇ રહી છે, આ અગાઉ કડી રાણપુર સાસણ જાંબુઘોડા સહિત પાંચ જગ્યાએ વિદ્યાર્થીઓમાં જ્ઞાન,સંસ્કાર અને સંસ્કૃતિનો સંવર્ધન થાય તે દિશામાં કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે કે લોકભારતી સણોસરા દ્વારા તખુભાઈ સાંડસુરની શિક્ષણ પ્રેરક કામગિરી ને પ્રોત્સાહિત કરવા લોકભારતી સણોસરા દ્વારા રુ ૨૫૦૦૦/ ની ધનરાશિ સાથે સન્માન થયુ છે, આ રોકડ રાશિ માંથી રૂ ૧૧૦૦૦/ ગુજરાતનાં શિક્ષણ ક્ષેત્રે સારી કામગિરી કરતા શિક્ષકો ને શિક્ષણ ફોરમ અવોર્ડ અર્પણ કરાયા હતા.કાર્યક્રમમા બોડેલી કોલેજના પ્રિન્સિપાલ ડો. હસમુખ કોરાટ, ઘોઘાવદર આનંદ આશ્રમનાં સંત સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરનાર નિરંજન રાજ્યગુરુ, વિશ્વગ્રામ વિદ્યાપીઠ નાં નિયામક અનિલ કાવાણી સહિત શિક્ષણ પ્રેમિ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમને સફળ બનાવવા બાઉદીન કોલેજના પ્રાધ્યાપીકા ડોક્ટર ભાવનાબેન ઠુંમરે સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમને અંતે ભરત જોષી એ આભારદર્શન કર્યું હતું

રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image