૨૦૨૪માં મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે : ભાજપ - At This Time

૨૦૨૪માં મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે : ભાજપ


પટના, તા.૩૧બિહારમાં સાથી પક્ષ જદ-યુ સાથે ભાજપના સંબંધો કથળ્યા હોવાની અને ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે તેવી અટકળોને વિરામ આપતાં ભાજપે રવિવારે સ્પષ્ટ કરી દીધું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી યોજાશે. ૨૦૨૪માં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. પટનામાં પક્ષના સાત મોરચાની સંયુક્ત કારોબારી બેઠકમાં ભાજપે આ સંકલ્પ જાહેર કર્યો હતો.બિહારમાં સાથી પક્ષ જેડી-યુ સાથેના સંબંધોમાં કડવાશના અહેવાલો વચ્ચે પટનામાં ભાજપે સાત મોરચાની સંયુક્ત કાર્યસમિતિની બેઠક યોજી હતી. આ બેઠકના અંતિમ દિવસે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં નરેન્દ્ર મોદીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ પસાર કરવામાં આવ્યો હતો. આ લોકસભા ચૂંટણીમાં એનડીએ વધુ બહુમતી સાથે જીતશે.ભાજપની સાત પાંખોની સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રીય કારોબારી બેઠકના સમાપન સમારંભને સંબોધન કરતાં ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે ભાજપ વર્તમાન કરતાં વધુ બેઠકો જીતશે. બિહારમાં જદયુ સાથે ભાજપના સંબંધો અંગે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં લડાશે. અમિત શાહે દલીતો, આદિવાસીઓ અને ઓબીસી જેવા નબળા વર્ગોને પીએમ મોદીના રાજકીય પીઠબળ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા બૂથ સ્તરે કામ કરવા કાર્યકરોને જણાવ્યું હતું. શાહે ભારપૂર્વક કહ્યું કે ભાજપ સમાજના બધા જ વર્ગોના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં માને છે. પીએમ મોદીના કારણે સમાજના અતિ પછાત વર્ગને પણ સમાજમાં સન્માનનીય સ્થાન મળી રહ્યું છે.જ્ઞાાન ભવનના અટલ પરિસરમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે કહ્યું કે, અમિત શાહે અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખતા ૯મીથી ૧૨મી ઑગસ્ટના ચાર દિવસ પક્ષને સમર્પિત કરી કામ કરવા જણાવ્યું હતું. કાર્યકરોને ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૃ કરી દેવા અને પીએમ મોદીને સતત ત્રીજી વખત સત્તા પર લાવવા વધુ બેઠકો જીતાડવા માટે કામ કરવા જણાવાયું હતું. કાર્યકરોને ગઈ વખત કરતાં વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય અપાયું છે. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો જીતી હતી. ૨૦૨૫ સુધી નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે. જદયુ સાથે જ ભાજપ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે. અરુણ સિંહે મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓને અમિત શાહ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે અપાયેલી કામગીરી સંબધિત માહિતી પણ આપી હતી.તેમણે કહ્યું કે, બિહારમાં એનડીએમાં પરસ્પર ખૂબ જ પ્રેમ અને એકતા છે. ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરે છે અને ગઠબંધનના સાથીઓને હંમેશા સન્માન આપે છે. ગઠબંધનમાં પરસ્પર કોઈ ખેંચતાણ નથી. અમે બધા એક સાથે છીએ અને પરસ્પર સાથે મળીને આગામી ચૂંટણી લડીશું. અરુણ સિંહે જણાવ્યું કે, અમિત શાહે યુવાન, ખેડૂત, મહિલા, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન કર્યું હતું.હકીકતમાં બિહારના રાજકારણમાં એક સપ્તાહથી ભાજપના મોરચાની સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અને અમિત શાહના પ્રવાસ અંગે અનેક પ્રકારની અટકળો ચાલતી હતી. ભાજપ બિહાર વિધાનસભાની ૨૦૦ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હોવાની પણ અટકળો હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.