જમીન તથા પાણીની નબળી ગુણવત્તા વચ્ચે પ્રાકૃતિક ખેતી થકી નોંધપાત્ર ઉત્પાદન મેળવવા સફળ થયા ચોબારીના લાલજીભાઇ ચાવડા - At This Time

જમીન તથા પાણીની નબળી ગુણવત્તા વચ્ચે પ્રાકૃતિક ખેતી થકી નોંધપાત્ર ઉત્પાદન મેળવવા સફળ થયા ચોબારીના લાલજીભાઇ ચાવડા


રાસાયણિક ખેતીમાં મહેનત, તગડા ખર્ચ છતાં સફળ ઉત્પાદનથી વંચિત લાલજીભાઇ પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખર્ચ તો ઘટ્યો સાથે આવક અને ઉત્પાદન વધ્યું

પ્રાકૃતિક ખેતી થકી બંજર જમીન તથા ખારા પાણીની ગુણવત્તામાં સુધાર

આવતા ગત વર્ષે જીરૂનું મબલક ઉત્પાદન મેળવી શક્યા હતા

ભુજ, ગુરૂવાર

કચ્છના ભચાઉ તાલુકાના ચોબારીના ગામના ખેડૂત લાલજીભાઇ કરસનભાઇ ચાવડાની કિસ્મત પ્રાકૃતિક ખેતી શરૂ કરતા જ બદલાઇ ગઇ છે. તેઓ ખુશી સાથે જણાવે છે કે, અમારા વિસ્તારમાં ખારી જમીન તથા ખારા પાણીના કારણે રાસાયણિક ખેતીમાં કોઇ જ ફાયદો થતો ન હતો પરંતુ આત્મા સાથે જોડાયા પછી તેઓના માર્ગદર્શન અને પ્રેરણાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળતા જમીન તથા પાણીની ગુણવત્તા તો સુધરી છે પરંતુ આ જ ખેતીમાં પહેલા કરતા વધુ ઉત્પાદન અને આવક પ્રાપ્ત થઇ રહી છે.

ખેડૂત લાલજીભાઇ ચાવડા જણાવે છે કે, વર્ષ ૨૦૧૦થી આત્મા સાથે જોડાયેલો છું અનેક તાલીમમાં ભાગ લીધો છે. ધીરે ધીરે રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું, વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક કૃષિ કરું છું. જેના મીઠા પરિણામની વાત કરુ તો, અમારા વિસ્તારમાં બંજર જેવી જમીન તથા ખારા પાણીના વચ્ચે અનેક રાસાયણિક દવા તથા ખાતરના ખર્ચ છતાં માંડ ઉત્પાદન મેળવતા હતા ત્યાં હવે પ્રાકૃતિક ખેતીની દ્રશ્ય જ પલટાઇ ગયું છે. વધુ ખરાબ જમીન તથા પાણીના વધુ ટીડીએસના કારણે રાસાયણિક ખેતીમાં નબળા ઉત્પાદન સાથે ખર્ચ વધી જતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં આ પરિબળો વચ્ચે પણ આસાનીથી ખેતી કરી શકાય છે. ઉલ્ટાનું પ્રાકૃતિક ખેતીમાં પિયતની જરૂર ઓછી રહે છે તેમજ આ ખેતીના ફાયદા થકી જમીન અને પાણીની ગુણવત્તા સુધરતી હોવાથી તેનો ફાયદો મને પણ થયો છે. હાલ મારી જમીન અને પાણી બંનેની ગુણવત્તા સુધરતા ગત વર્ષ જીરૂનું મબલક ઉત્પાદન થયું હતું. હાલ લાલજીભાઇ પ્રાકૃતિક ખેતીમાં જીરૂ, ઘાસચારો, રાયડો, ખારેક, કપાસ, મગફળી જેવા પાકો સફળતાપૂર્વક લઇ રહ્યા છે.  

 

લાલજીભાઇ ચાવડા વધુમાં ઉમેરે છે કે, રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જતો હતો, જેથી નફો બચતો જ ન હતો ઉપરથી જમીન વધુ ને વધુ ખરાબ થઇ રહી હતી. જયારે પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ ઝીરો છે. ગાયના આધારિત ખેતી હોવાથી દવા અને ખાતર જાતે જ બનાવી લઉં છું. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. આમ, પાકની ગુણવત્તા પણ સુધરે છે. આમ, પ્રાકૃતિક ખેતી થકી ખર્ચ ઘટ્યો છે અને આવક વધી છે. સરવાળે, પ્રાકૃતિક ખેતી ખેડૂત, પ્રકૃતિ તથા લોકોના સ્વાસ્થય માટે વરદાનરૂપ છે.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.