દસ્તાવેજ કરનારે નોધણી માટેનું લખાણ જાતે જ એન્ટ્રી કરવાની રહેશે
વડોદરા, તા.26 મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસલેખ સહિતના દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે તા.૧૫ ઓગસ્ટથી દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઇન એન્ટ્રી કર્યા બાદ એપોઇન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે ઇન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ ઓનલાઇન લોકો મેળવી શકે છે. હવે આ કચેરીઓમાં ભીડ ઓછી કરવા માટે અથવા આઉટસોર્સિંગ ઓપરેટરોનું ભારણ ઓછું કરવા માટે દસ્તાવેજોનું લખાણ નોંધણી કરાવનાર જાતે લઇને આવતા હતા તે પણ હવે ઓનલાઇન એન્ટ્રી કર્યા બાદ જે દિવસે એપોઇન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજની નકલ લઇને જવાનું રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા બાદ હવે દસ્તાવેજના લખાણની ઓનલાઇન એન્ટ્રી અરજદારે જ કરવાની સિસ્ટમ તા.૧૫ ઓગસ્ટથી અમલમાં આવી રહી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે અરજદારે રાજ્ય સરકારની નવી garvibeta.gujarat.gov.in પોર્ટલ પરથી અરજદારે લોગ ઇન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવાની રહેશે. દસ્તાવેજ કરનાર તેમજ કરી આપનાર સહિત તમામના નામો પોર્ટલ પરની વિગતો મુજબ જાતે જ એન્ટ્રી કરવાની રહેશે. આ ઉપરાંત સાક્ષીઓના નામો પણ અગાઉથી જ એન્ટ્રી થશે, એટલું જ નહી પરંતુ મિલકતનું વેલ્યુએશન પણ જાતે કરી સ્ટેમ્પ ડયૂટી નક્કી કરવાની રહેશે. તમામ વિગતો પોર્ટલ પર મૂક્યા બાદ દસ્તાવેજ કરવાની એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે અને બાદમાં દસ્તાવેજની વિગતો ઓનલાઇન એન્ટ્રી કરી હોવા છતાં તે ફિઝિકલ સબ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.