મુંબઈની બધી લોકલ ટ્રેન એસી જોઈએ કે બુલેટ ટ્રેન?* - પ્રો.હેમંતકુમાર શાહ. - At This Time

મુંબઈની બધી લોકલ ટ્રેન એસી જોઈએ કે બુલેટ ટ્રેન?* – પ્રો.હેમંતકુમાર શાહ.


*મુંબઈની બધી લોકલ ટ્રેન એસી જોઈએ કે બુલેટ ટ્રેન?* - પ્રો.હેમંતકુમાર શાહ.
મુંબઈથી અમદાવાદની બુલેટ ટ્રેન ₹ ૧.૧૦ લાખ કરોડના ખર્ચે આવી રહી છે. શું આ બુલેટ ટ્રેન જરૂરી છે? કે પછી રેલવેમાં અન્ય સુવિધાઓ પાછળ એ ખર્ચ કરવાની જરૂર છે? ભારતમાં પ્રાથમિકતા શી હોવી જોઈએ?
એક ટુ ટાયર એસી અને થ્રી ટાયર એસી કોચ બાંધવાનો ખર્ચ આશરે ₹ ૧.૫ કરોડથી ₹ ૩.૦ કરોડ આવે છે. એટલે મુંબઈની લોકલ ટ્રેનનો એસી કોચ બાંધવાનો ખર્ચ ₹ ૧.૫ કરોડથી વધુ થાય જ નહિ. એટલે ૧૨ ડબ્બાની લોકલ એસી ટ્રેન બાંધવાનો ખર્ચ ૧૮ કરોડ ₹ થાય. માટે મુંબઈની બધી ૨૭૪ ટ્રેન એસી કરી નાખવામાં આવે તો ₹ ૫૦૦૦ કરોડનો ખર્ચ થાય.
બુલેટ ટ્રેનનો ખર્ચ ₹ ૧.૧૦ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. જો એક લોકલ ટ્રેન આખી એસી કરવાનો ખર્ચ ₹ ૧૮ કરોડ થાય તો બુલેટ ટ્રેનના ખર્ચમાં ૬૧૦૦ લોકલ ટ્રેનો એસી થઈ જાય, અને મુંબઈમાં તો લોકલ ટ્રેનો ૨૭૪ જ છે. એનો અર્થ એ છે કે દેશનાં જે દસ શહેરોમાં મુંબઈ જેવી લોકલ ટ્રેનો ચાલે છે તે બધી જ એસી ટ્રેન થઈ જાય અને છતાં ઘણા પૈસા વધે.
જો બધી એસી ટ્રેન થઈ જાય તો મુસાફરોને ખાસ્સી રાહત થાય અને લટકતાં ન જવું પડે, જાનનું જોખમ ઘટે.
માત્ર મુંબઈની જ વાત કરીએ. મુંબઈમાં સેન્ટ્રલ અને પશ્ચિમ રેલવે રોજની ૨૭૪ લોકલ કે સબ-અર્બન ટ્રેનો દોડાવે છે અને તેમાં વર્ષમાં આશરે ૨૮૪ કરોડ એટલે કે રોજના ૭૪ લાખ મુસાફરો પ્રવાસ કરે છે. આ ટ્રેનો ભયંકર ભીડવાળી હોય છે. જો કે, મુંબઈમાં ૬૬ લોકલ ટ્રેન સર્વિસ એસી પણ છે.
મુંબઈ અને તેની સાથે લગભગ ભળી ગયેલા જણાય તેવા થાણા જિલ્લાની વસ્તી આશરે ૫ કરોડ જેટલી છે. આ બધા જ લોકોને બધી લોકલ ટ્રેન એસી મળી શકે તેમ છે જ. રાજકીય ઈરાદો જોઈએ.
હમણાં સુરત સ્ટેશન પર ટ્રેનમાં ભારે ભીડમાં એક વ્યક્તિનું મોત થયું અને ચાર ઘવાયા. એવું ન થાય માટે દેશનાં ૧૦૦ સ્માર્ટ સિટી પરથી ૨૦ સામાન્ય ડબ્બાની એટલે કે આરક્ષણ વિનાના ડબ્બાની એક ટ્રેન રોજ ચલાવાય તો તેનો ખર્ચ માત્ર ₹ ૨૦ કરોડ થાય કારણ કે એક સામાન્ય ડબ્બો બાંધવાનો ખર્ચ તો ₹ ૧.૦કરોડથી પણ ઓછો થાય છે. ૧૦૦ ટ્રેન માટે માત્ર ₹ ૨,૦૦૦ કરોડનો જ ખર્ચ થાય. એ શું એમ ન કરી શકાય? દેશમાં રોજ લગભગ ૨,૦૦૦ એક્સપ્રેસ અને મેલ ટ્રેનો ચાલે છે. એની ૨૫ ટકા પણ સામાન્ય ડબ્બાની ટ્રેનો ચાલે તો પણ ખર્ચ ₹ ૧,૦૦૦ કરોડ જેટલો જ થાય! શું આટલો ખર્ચ ₹ ૨.૪૦ લાખ કરોડનું બજેટ ધરાવતું રેલવે મંત્રાલય ન કરી શકે?
ઉપર કહ્યું તેટલું બધું થઈ જાય અને રેલવે બીજી ઘણી બધી સુવિધાઓ સુધારે પછી ભલે દેશમાં એક નહિ ૧૦૦ બુલેટ ટ્રેન આવે, સહેજે વાંધો નહિ.
વિકાસનો લાભ સામાન્ય માણસોને કેમ ન મળે, અને માત્ર ધનવાનોને જ કેમ મળે? સરકારે કોનું કલ્યાણ કરવાનું, માત્ર ધનવાનોનું? તેવું સ્પષ્ટ નિવેદન જાણીતા પ્રોફેસર હેમંતકુમાર શાહે વ્યક્ત કરેલ છે. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર અમરેલી.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.