કાળીપાટ પાસે બાઈક પરથી પટકાતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત - At This Time

કાળીપાટ પાસે બાઈક પરથી પટકાતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત


કાળીપાટ પાસે ચાલુ બાઈક પરથી પટકાતા શાપરની 32 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં મૃતકના પતિ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે અમદાવાદના સરખેજમાં રહેતાં ભરતકુમાર ભીમજીભાઈ દુલેરા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગણપત નાનજી સોલંકી (રહે. શીતળા માતાજીના મંદિર પાસે, શાપર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ત્રણ બહેન અને બે ભાઈ છે. જેમાં મારા બીજા નંબરના બહેન ઈન્દુબહેન (ઉ.વ.32) ના ચુડાના કરમડ ગામે રહેતાં ગણપતભાઈ નાનજીભાઈ સોલંકી સાથે લગ્ન થયેલ છે જેઓ હાલ શાપરમાં રહે છે.
ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ તેના જીજાજી ગણપતભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે, હું અને મારા પત્ની ઇન્દુબહેન તથા બે બાળકો સાથે બાઈક નં. જીજે-03-એચેફ- 4967 લઈ કરમડ ગામથી શાપર જતો હતો તેવામાં દોઢેક વાગ્યાની આસપાસ નવો 150 ફૂટ રીંગ રોડ પર કાળીપાટ ગામથી ખોખડદડ ગામ તરફ જતા રસ્તા પર મારા પત્ની અચાનક બાઇક પરથી પડી ગયેલ અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ અને બેભાન થઈ ગયેલ હતાં. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવારમાં લાવેલ અને ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કરેલ છે.
બનાવની જાણ થતાં તેઓ હોસ્પિટલે દોડી આવેલ હતાં. હોસ્પિટલે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની મૃતક બહેનને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી બે સંતાનો માતા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.