કાલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ-ધરણા: આવેદનપત્ર
રાજકોટ શહેરના ટીઆરપી ગેમઝોન દુર્ઘટના પીડિત પરિવારજનોએ ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા અવાનનવાર રજુઆતો બાદ પણ પીડિત પરિવારોને ન્યાય નહી મળતા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.15ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ ધરણા આવેદન પત્ર કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અમિત ચાવડા, અને સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુંમર સહિતના અને આગેવાનોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારના સહાયમાં વધારો કરવા સહિતની માંગ બુંલદ બનાવાશે સાથે આગામી 25મી જુને રાજકોટ બંધનું એલાન જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને 14 દિવસ કરતા વધુ સમય થયો, હું 14 દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં પીડીત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે આ કિસ્સામાં એમને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી.
એસ.આઈ.ટી. ના વડા સુભાષ ત્રિવેદી છે. અગાઉ સુરતની એક મોકડ્રીલના પ્રકરણમાં પોલીસ ઈન્સ્પેક્ટરના પેટમાં એક મોકડ્રિલ દરમ્યાન જેમાં જીવતુ કારતુસ હતુ એવી રીવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ઠલવી દીધી હતી અને એમનું આઈ.પી.એસ.નું પદ અને નોકરી બન્ને જોખમમાં હતા એવી તેમની સામે તપાસ ચાલતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી ભારતીય જનતા પાર્ટીના આર્શિવાદ અને અહેસાન તળે કરેલી છે અને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના અહેસાન તળે નોકરી કરી હોય એ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજડ તપાસ કરે તેવુ માનવાને કોઈ કારણ નથી.
આ સુભાષ ત્રિવેદી સામે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવેએ જામનગરના એક વ્યક્તિને કસ્ટોડીયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી કે તમારી સામે સી.બી.આઈ. ઈન્વેસ્ટીગેશનનો ઓર્ડર કેમ ન કરવો ? આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસ.આઈ.ટી.ના વડા હતા, લઠ્ઠાકાંડમાં પણ તમે જોયું કે કોઈ એસ.પી. કે આઈ.જી. કક્ષાના અધિકારીની સામે ગુનો દાખલ કર્યો કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે !
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડના મોટા માથાઓથી હજી પણ તંત્ર દૂર છે એક સામાન્ય ટાયર પંચરની દુકાન ચલાવનાર વ્યક્તિને મુખ્ય આરોપી બનાવી દેવામાં આવેલો છે પરંતુ તેની પાછળ કયા
નેતા અને કયા અધિકારીના રૂપિયા રોકાયેલા છે તેની કંઈ પણ તપાસ કરવામાં આવતી નથી.
જીગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સરકારને માંગણી કરી હતી કે, રાજકોટ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયા માનવીય આધારે સહાય ચુકવવામાં આવે.
આગામી તારીખ 15 ના રોજ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મૃતકના પરિવારો જનો આવેદનપત્ર આપશે. સાથે જ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તારીખ 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.