પરણિત મહિલાઓની જેમ અપરણિત મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકારઃ સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના એક કેસનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અપરણિત યુવતીને ૨૪ સપ્તાહના ગર્ભનું એબોર્શન કરવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે મહત્વનું નિરીક્ષણ રજૂ કરતા કહ્યું હતુંઃ પરણિત મહિલાઓની જેમ અપરણિત મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર મળે છે. સર્વોચ્ચ અદાલતે એ માટે ૨૦૨૧ના પ્રેગનેન્સી એક્ટમાં થયેલા સુધારાને ટાંક્યો હતો.સુપ્રીમ કોર્ટે ૨૪ સપ્તાહ ગર્ભવતી એક અપરણિત મહિલાને ગર્ભપાતની છૂટ આપી હતી. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં બેંચે ચુકાદો આપ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટની જોગવાઈને બિનજરૃરી રીતે વળગી રહેવાનું વલણ બતાવ્યું હતું, તેના કારણે અવિવાહિત મહિલાને ગર્ભપાતની પરવાનગી મળી ન હતી. ૨૦૨૧માં મેડિકલ ટર્મિનેશનલ ઓફ પ્રેગનેન્સી એક્ટમાં સુધારો થયો હતો, જેમાં મહિલા અને પાર્ટનર શબ્દનો ઉપયોગ થયો છે. એક્ટમાં પાર્ટનર શબ્દ વપરાયો છે, પતિ શબ્દ નથી વપરાયો. આવી સ્થિતિમાં અપરણિત મહિલાઓ પણ આ એક્ટના દાયરામાં સ્થાન મળે છે.સર્વોચ્ચ કોર્ટે કહ્યું હતું કે અરજદાર મહિલાને આ સુધારા પછી એક્ટથી વંચિત રાખી શકાય નહીં. સંસદે કાયદો બનાવ્યો છે. આ કાયદાની પરિભાષા પરથી જણાય છે કે કાયદાનો હેતુ માત્ર વૈવાહિક જીવનથી રહેલા અઈચ્છિત ગર્ભના અબોર્શન સુધી સીમિત નથી. જો પરણિત મહિલા અને અપરણિત મહિલા એમ બે ભાગ પાડવામાં આવશે તો જે કાયદો બન્યો છે તેનો હેતુ સિદ્ધ થશે નહીં. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં એક મહિલાએ ગર્ભપાત માટે અરજી કરી હતી. અપરણિત મહિલા લીવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. સહમતિથી થયેલા શારીરિક સંબંધના કારણે એ મહિલા પ્રેગનેન્ટ થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. એ ચુકાદાને મહિલા અરજદારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમે અપરણિત મહિલાની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.એ સાથે જ સુપ્રીમ કોર્ટે ખાસ નિર્દેશ પણ આપ્યો હતો. એઈમ્સના ડિરેક્ટર એક મેડિકલ બોર્ડનું ગઠન કરશે. આ ટીમ મહિલાનું મેડિકલ પરીક્ષણ કરશે. મેડિકલ ટીમના અહેવાલ બાદ ગર્ભપાત કરાશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ કેસ સંદર્ભમાં નોટિસ પાઠવી છે અને કાયદાની વિગતવાર વ્યાખ્યા કરવા જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.