રાજકોટમાં મોરબીના જાંબુડીયાના બે મિત્રો પાસેથી ૨ લાખના વાળની લૂંટ!: પાંચ પકડાયા
શહેરમાં અવાર-નવાર ચોરી લૂંટની ઘટનાઓ બનતી હોય છે. જેમાં મોટે ભાગે રોકડ, મોબાઇલ ફોન, સોનાના દાગીના કે બીજી કિંમતી વસ્તુઓની ચોરી કે લૂંટ થતી હોય છે. પણ એક એવી ઘટના બની છે જેમાં માધાપર ચોકડીથી મોરબી રોડ બેડી ચોકડી વચ્ચે એટીબી હોટેલ નજીક મોરબીના બે મિત્રોને આંતરી તેની પાસેના રૂા. ૨,૦૮,૪૦૦ની કિંમતના ૪૦ કિલો વાળની લૂંટ કરી લેવામાં આવી હતી. જો કે શહેર એલસીબી ઝોન-૨ની ટીમે કલાકોમાં એક સગીર સહિત પાંચ આરોપીઓને દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલો આ ગુનો ડિટેક્ટ કર્યો છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મોરબી જાંબુડીયા ગામે રહેતાં મુળ યુપીના કાનપુર તાબેના ગજનીરના જમનપુરના વતની પુષ્પેન્દ્રસિંગ બાબુસિંગ વણઝારા (ઉ.૨૪)ની ફરિયાદ પરથી જીજે૦૩એએક્સ-૬૬૮૭માં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો અને કેટીએમ બાઇક પર આવેલા બે અજાણ્યા મળી પાંચ શખ્સો સામે આઇપીસી ૩૯૫, ૩૪, ૫૦૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. પુષ્પેન્દ્રસિંગે જણાવ્યું હતું કે હું દસેક વર્ષથી વાળનો વેપાર કરુ છું અને પાંચેક વર્ષથી મોરબીમાં જાંબુડીયા ગામે રહી આ ધંધો કરુ છું. સોૈરાષ્ટ્રભરના અલગ અલગ ગામોમાં વાળંદ દ્વારા અને બીજા લોકો દ્વારા એકઠા થતાં વાળ હું ખરીદુ છું અને કોલકત્તામાં વેંચાણ કરુ છું.
મંગળવારે ૯મી તારીખે હું અને મારો મિત્ર નાગેશ્વર ચોૈહાણ બાઇક લઇ મોરીથી રાજકોટ રૈયા ગામે છુટક વાળ ખરીદવા માટે આવ્યા હતાં. અહિ રૈયાના વેપારી પરષોત્તમભાઇના ઘરે અમે વાળ લેવા ગયા હતાં. તેની પાસેથી અમે ૨૪ કિલો ૬૦૦ ગ્રામ વાળ રૂા. ૧,૬૦,૦૦૦માં ખરીદ કર્યા હતાં. તેમજ બીજા છુટક વેપારીઓ પાસેથી ૧૬ કિલો વાળ રૂા. ૮૨૪૦૦માં ખરીદ કર્યા હતાં. આમ કુલ રૂા. ૨,૦૮,૪૦૦ના ૪૦ કિલો વાળ એકઠા કરી પ્લાસ્ટીકની બોરીઓમાં ભરીને અમે રાતે રૈયા ગામથી મોરબી તરફ જવા અમારા બાઇક પર રવાના થયા હતાં.
રૈયા ગામથી માધાપર ચોકડી થઇ ત્યાંથી મોરબી બાયપાસ પર બેડી ચોકડી તરફ જતાં અતિથી દેવો ભવ હોટેલ પાસે પહોંચ્યા ત્યારે માધાપર ચોકડી તરફથી અચાનક અમારા બાઇકની પાછળ એક કાળા રંગની રિક્ષા આવી હતી. તેમાંથી ડ્રાઇવર અને બીજા બે જણ ઉતર્યા હતાં અને અમારી પાસે આવી ‘આમ કેમ મોટરસાઇકલ ચલાવે છે?' કહી મા બહેન સમી ગાળો આપવા માંડયા હતાં. ત્યાં અન્ય એક કાળા રંગના કેટીએમ બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને તેમાંથી એકે મારા મિત્ર નાગેશ્વરનો કાંઠલો પકડી આની પાસેથી માલ લઇ લ્યો...કહેતાં બીજા શખ્સે અમારી પાસેના વાળની કોથળીઓ લૂંટી લીધી હતી અને રિક્ષામાં નાંખી દીધી હતી.
વાળની લૂંટ કરવા આ બધાએ ઝપાઝપી કરી હતી. બાદમાં પાંચેય ભાગી ગયા હતાં. અમે રિક્ષાના નંબર જોતાં જીજે૦૩એએક્સ-૬૬૮૭ જોવા મળ્યા હતાં. બાઇકમાં નંબર પ્લેટ નહોતી. આ ઘટના બાદ અમે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતાં પોલીસ આવી હતી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ જઇ અમારી ફરિયાદ નોંધી હતી. તેમ પુષ્પેન્દ્ર વણઝારાએ વધુમાં જણાવતાં પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ વાળની લૂંટ થયાની જાણ થતાં એલસીબી ઝોન-૨ની ટીમ હરકતમાં આવી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ, વિરેન્દ્રસિંહ સહિતની ટીમે દોડધામ શરૂ કરી હતી અને મોડી રાતે ગુનો ઉકેલી નાંખ્યો હતો. એલસીબી ઝોન-૨ ટીમે રિક્ષા ચાલક અને તેની સાથેના બે શખ્સો તેમજ બાઇક પર આવેલા એક શખ્સ અને સગીરને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.