સરોલી બ્રિજનો ભાગ રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ : વાહન વ્યવહાર માટે બ્રિજ સંપુર્ણ બંધ
- પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી : બ્રિજ નીચેની માટી વધુ ઘસી પડી તમામ પ્રકારના વાહન વ્યવહારને ડાઈવર્ઝન સુરત,તા.17 ઓગષ્ટ 2022,બુધવારસુરત ઓલપાડને જોડતાં સરોલી રેલ્વે ઓવર બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયાં બાદ પાલિકા તંત્રએ યુધ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરી છે. વહેલી સવાર કરતાં હવે બ્રિજ નીચેની માટીનો ભાગ વધુ ધસી પડતાં પાલિકા- પોલીસે સલામતીના ભાગરૂપે બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંધ કરાવી દીધો છે. આ રસ્તેથી પસાર થતાં તમામ વાહનોને વાયા જોથાણ થઈને ઓલપાડ કે સુરત જવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે હાઈવે પરથી આવતા વાહનો ગોથાણ રેલવે બ્રિજનો ઉપયોગ કરે તેવી સૂચના આપવામાં આવી છે. સુરત ઓલપાડને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા સરોલી રેલ્વે ઓવર બ્રિજ પર આજે વહેલી સવારે એક તરફની માટી ધસી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પાલિકા-પોલીસે પહેલાં ભારે વાહનો બંધ કરીને નોકરીયાત વર્ગ અવર જવર કરી શકે તે માટે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને પસાર થવા દીધા હતા. પરંતુ થોડી વાર બાદ બ્રિજ નીચેની માટીનો વધુ ભાગ ધસી પડતાં સાવચેતીના ભાગ રૂપે વાહન વ્યવહાર સદંતર બંધ કરાવી દીધો હતો. પાલિકા તંત્રએ જ્યાંથી માટી ધસી પડી છે તે ભાગમાં કોંક્રેટ તથા અન્ય મટીરીયલ્સ ઠાલવીને બ્રિજને ત્વરિત રીપેર કરવાની કામગીરી શરૂ કરી છે. બ્રિજના એક તરફના ભાગમાં માટી ધસી પડી ને ગાબડું પડવાની ખબર મળતાં જ પાલિકાના અધિકારીઓ ત્વરિત બ્રિજની સાઈડ પર પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગેની જાણ થતાં મેયર હેમાલી બોઘા વાલીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા, તેઓએ સ્થિતિનો તાગ મેળવીને ત્વરિત રીપેરીંગની કામગીરી થાય તેવી સૂચના આપી હતી. પાલિકાએ આ ઘટના બાદ યુધ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરી છે જો અન્ય જગ્યાથી માટી ધસી ન પડે તો સંભવતઃ આજે મોડી સાંજે કે રાત્રીના કામગીરી પૂરી થાય તેવી શક્યતા છે. ત્યાર બાદ આ બ્રિજ પરથી વાહન વ્યહાર શરૂ કરાશે. ત્યાં સુધી ઓલપાડ- સુરત આવન જાવન કરનારાઓએ વાયા જોથાણ થી વાહન લાવવા પડશે. આ ઉપરાંત હાઈવેથી જે વાહન હજીરા તરફ આવે છે તે વાહનોએ ગોથાણ રેલવે ઓવર બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે તેવી સૂચના આપી છે. વધુ વાંચો : સુરત ઓલપાડને જોડતા સારોલી રેલવે ઓવર બ્રિજમાં એક તરફનો ભાગ બેસી ગયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.