રાજયમંત્રીનું વૃંદાવનથી સરદાર એસ્ટેટ સળંગ બ્રિજનું આયોજન પડતું મુકાયું : હવે સરદાર એસ્ટેટ – વૃંદાવન ચાર રસ્તા બે અલગ ફ્લાય ઓવર બનશે
વડોદરા,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારવડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના નિયમનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટ થી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન હવે ફરી વખત આ જ સ્થળે બે અલગ અલગ બ્રિજ બનાવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી હેતુ રજૂ થઈ છે. વાહનોની વધતી જતી સંખ્યા અને ટ્રાફિકના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારમાં 21 મળી કુલ 75 ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન વર્ષ 2019 20 ના અંદાજપત્રમાં હાથ ધર્યું હતું . જેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા છ જંકશન ઉપર ફલાયઓવર બ્રિજ બનાવવાની દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મંજુરી મળી છે. જે પૈકી સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે અંદાજે 55.39 કરોડ, વૃંદાવન ચાર રસ્તા અંદાજે 56.74 કરોડના ખર્ચનું આયોજન હતું. ત્યારબાદ વડોદરા મહાનગર પાલિકાની મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મનીષાબેન વકીલ દ્વારા સરદાર એસ્ટેટ જંકશન થી વૃંદાવન જંકશન વચ્ચે સળંગ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. અને તે માટે 1,30,87,91,900 નો અંદાજીત ખર્ચ રજૂ કર્યો હતો. જે અંગેના ડીપીઆરની ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી. સરકારે નવા એસઓઆર મુજબ 91 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે બાકીના 27 કરોડ રાજ્ય સરકાર અથવા વડોદરા કોર્પોરેશન ચુકવણું કરશે. અગાઉ સળંગ બ્રિજ બનાવવાની મંજૂરી સ્થાયી સમિતિએ આપ્યા બાદ હવે ફરી વખત બે અલગ અલગ બ્રિજ બનાવવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થયું છે. આમ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સમય વેડફાતા વિવાદ સર્જાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.