સંજય મલ્હોત્રા બનશે RBIના 26મા ગવર્નર:11 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે, 6 વર્ષ સુધી ગવર્નર રહેલા શક્તિકાંત દાસનું સ્થાન લેશે - At This Time

સંજય મલ્હોત્રા બનશે RBIના 26મા ગવર્નર:11 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે, 6 વર્ષ સુધી ગવર્નર રહેલા શક્તિકાંત દાસનું સ્થાન લેશે


સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પછી મલ્હોત્રા 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળશે. કેબિનેટે આજે એટલે કે 9મી ડિસેમ્બરે સંજય મલ્હોત્રાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બાદમાં શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. કોણ છે સંજય મલ્હોત્રા?
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 33 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા દર્શાવતા સંજય મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ નાણાં મંત્રાલયમાં સચિવ (મહેસૂલ) છે. તેમની અગાઉની સોંપણીમાં તેમણે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું. તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણાં અને કરવેરા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમની વર્તમાન સોંપણી હેઠળ તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરના સંદર્ભમાં કર નીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મલ્હોત્રાની ગણતરી PM નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાં થાય છે
નાણાકીય બાબતોમાં મલ્હોત્રાની ગણતરી સુધારાવાદી અને મજબૂત કાર્યકારી અધિકારીઓમાં થાય છે. તેમને રાજસ્થાનના લગભગ તમામ વિભાગોમાં કામ કરવાનો અનુભવ છે. કેન્દ્રમાં નાણાં મંત્રાલયમાં કામ કર્યું છે. તેઓ પણ મૂળ રાજસ્થાનના છે. મલ્હોત્રાની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાં થાય છે. સંજય મલ્હોત્રા વિશે આ વાત છે પ્રખ્યાત: તેઓ કોઈપણ મુદ્દા પર કામ કરતાં પહેલાં એના પર વ્યાપક સંશોધન કરે છે. પાર્કમાં ફરતી કે વોક કરતી વખતે પણ તેઓ ઇન્ટરનેટ પરથી કંઈક ને કંઈક શોધતા, સાંભળતા અને જોતા રહે છે. જ્યારે મુખ્યમંત્રી સામે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે ત્યારે માત્ર સંશોધનને ટાંકીને આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના શબ્દો અને વિચારોની ઊંડી અસર દરેક સભામાં જોવા મળે છે. શક્તિકાંત દાસ 1980 બેચના IAS અધિકારી
શક્તિકાંત દાસ 1980 બેચના IAS અધિકારી છે. તેઓ તામિલનાડુ કેડરના અધિકારી છે. મે 2017 સુધી તેઓ આર્થિક બાબતોના સચિવ હતા. તેઓ દેશના 25મા ગવર્નર બન્યા. નવેમ્બર 2016માં ડિમોનેટાઇઝેશન થયું ત્યારે પણ દાસ મુખ્ય મોરચે હતા. દાસ છેલ્લાં 38 વર્ષથી વિવિધ હોદ્દા પર હતા. દાસે 15મા નાણાપંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. દાસે બ્રિક્સ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને સાર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ દિલ્હીની સ્ટીફન કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. દાસે છેલ્લી નાણાકીય નીતિ સમીક્ષામાં કહ્યું હતું કે અમે ખૂબ જ નિર્ણાયક તબક્કામાં છીએ અને આપણે એમાંથી બહાર આવીએ એ સુનિશ્ચિત કરવું જોઈએ. રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2022માં દેશની અર્થવ્યવસ્થા 9.5%ના દરે વૃદ્ધિ પામશે. ગયા વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં 7.3%નો ઘટાડો નોંધાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.