શિંદેના ધારાસભ્યનું વિવાદિત નિવેદન:મહારાષ્ટ્ર શિવસેનાના નેતા સંજય ગાયકવાડે કહ્યું- જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ - At This Time

શિંદેના ધારાસભ્યનું વિવાદિત નિવેદન:મહારાષ્ટ્ર શિવસેનાના નેતા સંજય ગાયકવાડે કહ્યું- જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ


સોમવારે મહારાષ્ટ્રના બુલઢાણાના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપતા કહ્યું, 'રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. આ માટે તેમને ઈનામ મળશે, જે કોઈ રાહુલ ગાધીની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. સંજયે એમ પણ કહ્યું કે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બંધારણ જોખમમાં હોવાનું ખોટુ નિવેદન આપીને મત મેળવ્યા હતા. આજે તેઓ અનામત હટાવવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પછાત વર્ગો, ઓબીસી અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલે શીખો અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાહુલે અમેરિકામાં આપેલા વિવાદીત નિવેદનોને કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી પર નિશાન સાધતા વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ ભારતમાં અનામત ક્યાં સુધી ચાલુ રહેશે તે સવાલના જવાબમાં કહ્યું હતું કે, "કોંગ્રેસ ત્યારે જ અનામતને ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળશે. હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી." રાહુલ ગાંધીના આ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો. જો કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. સંજય ગાયકવાડનું નિવેદન... મહારાષ્ટ્ર અને દેશમાં અનામતની માંગની આગ ભડકી રહી છે. ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં પછાત વર્ગો, આદિવાસીઓ અને અન્ય વર્ગોને અનામત આપી હતી. પરંતુ, રાહુલ ગાંધીએ વિદેશ જઈને કહ્યું કે તેઓ દેશમાં અનામત ખતમ કરવા માંગે છે. તેમનો સાચો ચહેરો સામે આવ્યો છે. રાહુલે કહ્યું હતું કે- અનામત ખતમ કરવાનો અત્યારે યોગ્ય સમય નથી રાહુલે વોશિંગ્ટન ડીસીમાં કહ્યું હતું - કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા અંગે વિચારશે. જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને લગભગ એટલી જ રકમ મળે છે. રાહુલે જાતિ આધારીત વસ્તી ગણતરી અંગે પણ કહ્યું હતું - ભારતના દલિતો, ઓબીસી અને આદિવાસીઓને તેમના અધિકારો નથી મળી રહ્યા. દેશની 90% વસ્તી ધરાવતા OBC, દલિત અને આદિવાસીઓ આ ગેમમાં નથી. નીચલી જાતિઓ, પછાત જાતિઓ અને દલિતો કઈ સ્થિતિમાં છે તે જાણવા માટે જાતિની ગણતરી એ એક સરળ રીત છે. બીજેપી નેતા બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા હતા સંજય ગાયકવાડ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલને આતંકવાદી કહ્યા હતા. બિટ્ટુએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે, રાહુલ ગાંધીને પોતાના દેશ પ્રત્યે બહુ પ્રેમ નથી. તેમણે વધુમાં કહ્યું કે સૌથી પહેલા તેઓ હિન્દુસ્તાની નથી. તેમણે દેશની બહાર ઘણો સમય વિતાવ્યો છે. તેઓ બહાર જાય છે અને ખોટી વાતો કરે છે. દેશની સુરક્ષા એજન્સીએ તેમની ધરપકડ કરીને તપાસ કરવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.