વડનગર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભર વાતાવરણમાં ઉજવણી
વડનગર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભર વાતાવરણમાં ઉજવણી
જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજને ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલ
વડનગર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાય
મહેસાણા જિલ્લો અનેક સિધ્ધીઓનો સાક્ષી બન્યો છે જેના મૂળમાં જિલ્લાના નાગરિકો અને કર્મયોગીઓની સત્યનિષ્ઠા અને મહેનત રહેલી છે.
જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન
મહેસાણા
૭૫ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત વડનગર વિજ્ઞાન કોલેજના આંગણે કલેક્ટરશ્રી એમ નાગરાજનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તેમણે શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. ધ્વજવંદન બાદ કલેક્ટરશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.
આ દરમિયાન શ્રી નાગરાજને હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. પરેડની માર્ચ પાસ્ટ બાદ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા ચાર જેટલા વિવિધ ટેબ્લો જેમાં ડી.આર.ડી.એ. આઇ.સી.ડી.એસ, ખેતી, ચૂંટણી જાગૃતિ અને શિક્ષણ લગતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે કલેકટરશ્રી એમ નાગરાજને વડનગર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
હાજર જનમેદનીને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા કલેક્ટર શ્રી એમ નાગરાજને કહ્યું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રેવશી રહ્યા છે.અમૃત કાળનું લક્ષ્ય નવા ભારતના નિર્માણનું છે. આપણે આ લક્ષ્ય પ્રાપ્તિ માટે સૌના સાથ,સૌના વિકાસ સૌના પ્રયાસની જરૂર છે.
તેમણે ઉમેર્યું હતું કે વડનગરના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ,સંવેદનશીલતા પૂર્વક પરીણામલક્ષી નિર્ણાયકતાને પગલે આજે આપણો દેશ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યો છે.
જિલ્લા કલકટરે ઉમેર્યું હતું કે ઐતિહાસિક નગરી અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જન્મ સ્થળ પૌરાણિક વડનગરના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશ્વ કક્ષાનું પ્રવાસી સ્થળ બને તે દિશામાં કામ કરાઇ રહ્યું છે.
જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લાએ પ્રોજેકટ પથ અંતર્ગત દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રાઇમ મિનસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લીક એડમિનીસ્ટ્રેશન-2022,રાષ્ટ્રીય જળ પુરસ્કાર અને સ્વચ્છ વિધાલય તરીકે જમીયતપુરાને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ તેમજ ભૂમિ સન્માન એવોર્ડ મળ્યો છે જેના મૂળમાં જિલ્લાના નાગરિકો અને કર્મયોગીઓની સત્યનિષ્ઠા અને મહેનત રહેલી છે.
કલેકટરે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં મહેસાણાએ આગેવાની લીધી છે.આત્મનિર્ભર ભારત “થી “આત્મનિર્ભર ગુજરાત” અને “આત્મનિર્ભર મહેસાણા”ની નેમ સાથે રાજ્યમાં સૌ પ્રથમ “અમૃત મહેસાણા: સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન”ની શરૂઆત કરી. આ મિશન થકી જિલ્લાના યુવાનો પોતાના IDEA પર કામ કરી ઉદ્યમી બની સ્ટાર્ટઅપ કરી જિલ્લાને ગૌરવંતો કરશે.
કલેકટરશ્રી નાગરાજને આ પ્રસંગે મહેસાણા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રેરીત પ્રાકૃતિક ખેતી અભિયાનને આગળ ઘપાવવા મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કમર કસી છે. જિલ્લામાં 48 હજારથી વધુ ખેડૂતો દ્વારા 20 હજાર જેટલા એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરાઇ રહી છે જે આપણી મોટી સિધ્ધી છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન, મારી માટી-મારો દેશ, ‘વાઇબ્રન્ટ વડોદરા- વાઈબ્રન્ટ ગુજરાત’ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળ આયોજન દ્વારા મહેસાણા વિવિધ ક્ષેત્રમાં નવતર આયામો સર્જ્યા છે.
જિલ્લા કલેકટરશ્રી નાગરાજને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને આભાર-અભિનંદન ભાવ વ્યક્ત કર્યો હતો.
આ ઉજવણી નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા અને ગુજરાતની ભાતીગળ સહિત વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર 35 જેટલા કર્મનિષ્ઠોનું કલેકટરશ્રી એમ નાગરાજન સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રશિસ્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી ‘ગ્રીન ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.
૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,ધારાસભ્ય સર્વેશ્રી કે.કે.પટેલ, સરદારભાઇ ચૌઘરી,જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર ડો એસ.સી.સાવલીયા, પ્રાંત અધિકારીશ્રી ટાંક, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વડનગર તાલુકાના અને નગરનાઆબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.