રાજકોટમાં 12 કિલો ગાંજા સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો - At This Time

રાજકોટમાં 12 કિલો ગાંજા સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો


શહેરમાં ગાંજો અને એમડી ડ્રગ્સના વેચાણ સામે પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત ધરમનગર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર મારવાડીનગરમાંથી રાજસ્થાની શખ્સને રૂા.1.20 લાખની કિંમતના 12 કિલો ગાંજા સાથે એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને રાજકોટના રૈયાધાર વિસ્તારના મારવાડીનગરમાં રહેતા રામચંદ્ર પ્રભુલાલ ગુર્જર નામનો મારવાડી શખ્સ પોતાના ઘરે ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ.જે.ડી.ઝાલા, એલએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ, કૃષ્ણદેવસિહ જાડેજા, મોહિતસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે મારવાડીનગરમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન રામચંદ્ર ગુર્જર ગતમોડી રાતે એક કાળા કલરનો થેલે અને ગ્રે કલરની ટ્રાવેલ બેગ સાથે પોતાના ઘરે આવતાની સાથે ઝડપી લીધો હતો. થેલામાંથી માદક પર્દાથ મળી આવતા એફએસએલ અધિકારી વાય.એચ.દવે પાસે તપાસ કરતા પરિક્ષણ બાદ ગાંજો હોવાનો અભિપ્રાય આપતા પોલીસે તેની સામે યુનિર્વસિટી પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધી રૂા.1.20 લાખની કિંમતનો 12 કિલો ગાંજો, થેલો, ટ્રાવેલ બેગ, મોબાઇલ મળી રૂા.1.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રામચંદ્ર ગુર્જરની પૂછપરછ દરમિયાન પોતાને ગાંજાનું વ્યસન હોવાથી ખર્ચને પહોચી વળવા માટે બે વર્ષથી ગાંજાનું વેચાણ શરૂ કર્યુ હતું. તેની પાસેથી નાસિક થી રાજકોટ સુધીની ખાનગી બસની ટિકિટ મળી આવતા તે મહારાષ્ટ્રમાંથી ગાંજો લાવી રાજકોટમાં હિન્દી ભાષી શખ્સોને વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.