તાલાલાના સેમરવાવ ગામના ખેડૂત પ્રતાપભાઇએ ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી વધુ નફો મેળવ્યો - At This Time

તાલાલાના સેમરવાવ ગામના ખેડૂત પ્રતાપભાઇએ ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી વધુ નફો મેળવ્યો ———


તાલાલાના સેમરવાવ ગામના ખેડૂત પ્રતાપભાઇએ ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી વધુ નફો મેળવ્યો
---------
પાક પર જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને પ્રાકૃતિક દવાઓના ઉપયોગથી પાકનું ઉત્પાદન વધ્યું
---------
ગીર સોમનાથ તા.૨૩, તાલાલા તાલુકાના સેમરવાવ ગામના ખેડૂત પ્રતાપભાઇ રામાભાઇ પરમારે પ્રાકૃતિક ખેતી થકી મગફળી, ઘઉં, અડદ, સૂર્યમુખી, મકાઇ, તુવેર, ચણા, ધાણા જેવા પાકોનું વાવેતર કરી પાકોમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ નફો મેળવતા થયા છે.

પ્રાકૃતિક ખેતી કરતા પ્રતાપભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત હતી. રસાયણિક ખેતીથી ખેતી ખર્ચ વધી જતો તેમજ ધીમે ધીમે ઉત્પાદન પણ ઘટવા લાગ્યું હતું તેમજ જમીન, પાણીનો પ્રશ્ન આવતો અને જૈવિક તત્વોનો નાશ થતો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત ૭ વિઘા જમીનમાં કરી હતી. તેમાં મગફળી, ઘઉં, અડદ, સૂર્યમુખી, મકાઇ, તુવેર, ચણા, ધાણા જેવા પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યો છું અને ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરું છુ, તેના લીધે મારી આવક બમણી થઈ છે.

પાકો પર જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તેમજ પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઉત્પાદન, ક્વોલીટી સહિતમાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે અને ડ્રીપ, આચ્છાદનથી પિયત ઓછુ આપવું પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.