વિવાદ બાદ પહેલીવાર માલદીવ્સ પહોંચ્યા એસ જયશંકર:વિદેશ મંત્રી મુસા ઝમીરને મળ્યા; રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ આવતા મહિને ભારત આવી શકે
વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારે સાંજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ મંત્રી મુસા ઝમીરે તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર 11 ઓગસ્ટ સુધી માલદીવ્સમાં રહેશે. અહેવાલો અનુસાર તેઓ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુને મળી શકે છે. જયશંકરે શુક્રવારે રાત્રે માલદીવ્સનાં વિદેશ મંત્રી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ભારત માટે 'પડોશી' પ્રાથમિકતા છે અને પાડોશમાં 'માલદીવ્સ' પ્રાથમિકતા છે. આપણી વચ્ચે ઈતિહાસ અને સગપણના સૌથી નજીકના સંબંધો પણ છે. આ મુલાકાત બંને દેશોની સિદ્ધિઓની સમીક્ષા કરવા અને આવનારા વર્ષોમાં વધુ સારા સંબંધોની તૈયારી માટે છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ સત્તા સંભાળ્યા બાદ જયશંકરની માલદીવ્સની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ મે મહિનામાં માલદીવ્સનાં વિદેશ મંત્રી મુસા ઝમીર ભારતની મુલાકાતે આવ્યા હતા. ઈકોનોમિક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત લઈ શકે છે. મુઈઝ્ઝુ અગાઉ તેઓ જૂનમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા. જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું, "માલદીવ્સ પહોંચીને આનંદ થયો. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ વિદેશ મંત્રી મુસા ઝમીરનો આભાર. અમારી 'નેબર ફર્સ્ટ' નીતિ, 'ગ્લોબલ સાઉથ' અને 'સાગર વિઝન'માં માલદીવ્સનું મહત્ત્વનું સ્થાન છે." માલદીવ્સના વિદેશ મંત્રી ઝમીરે સોશિયલ મીડિયા પર લખ્યું, "માલદીવ્સની સત્તાવાર મુલાકાતે જયશંકરનું સ્વાગત કરીને આનંદ થયો. આશા છે કે માલદીવ્સ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો વધુ મજબૂત થશે." મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ્સ વચ્ચે તણાવ
ચીન તરફી ગણાતા મુઈઝ્ઝુએ નવેમ્બર 2023માં ટોચના કાર્યાલયનો હવાલો સંભાળ્યા બાદ ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝ્ઝુએ માલદીવ્સમાંથી 88 ભારતીય સૈનિકોને બહાર કાઢવા માટે 'ઈન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝ્ઝુએ ભારત આવવાને બદલે ચીનની મુલાકાત લીધી, જ્યારે સામાન્ય રીતે માલદીવ્સનાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ સૌથી પહેલા ભારતની મુલાકાત લે છે. આ દરમિયાન માલદીવ્સનાં મંત્રીઓએ પણ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. મુઇઝ્ઝુના નેતૃત્વ હેઠળ, માલદીવ્સે ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવા ઉપરાંત, ભારત સાથેના હાઇડ્રોગ્રાફિક સર્વે પ્રોજેક્ટને પણ સમાપ્ત કર્યો. રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ભારતનો આભાર માન્યો: લોનની ચુકવણીમાં ઘણી મદદ કરી; રોડ શો માટે ભારત આવી રહ્યા છે માલદીવ્સના મંત્રી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ માલદીવ્સની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે. માલદીવ્સના સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું કે ભારત અને ચીન બંનેએ માલદીવ્સનું દેવું ચૂકવવામાં ઘણી મદદ કરી છે. મુઈઝ્ઝુએ આશા વ્યક્ત કરી કે ભારત અને માલદીવ્સ મજબૂત સંબંધો બાંધશે અને મુક્ત વેપાર કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.