લેડી ડોકટર આપઘાત કેસ : ડો.પાર્થ અને ડો. મૌલિક જોબનપુત્રા સહિતના સામે હત્યાનો ગુનો નોંધવા કોર્ટમાં અરજી થઈ હતી - At This Time

લેડી ડોકટર આપઘાત કેસ : ડો.પાર્થ અને ડો. મૌલિક જોબનપુત્રા સહિતના સામે હત્યાનો ગુનો નોંધવા કોર્ટમાં અરજી થઈ હતી


સવા વર્ષ પહેલાં ડો.બિંદીયા બોખાણીએ રાજકોટની માધાપર ચોકડી નજીક પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ લીધો હતો તેવી મૃત્યુ નોંધ થઈ હતી. પોલીસે બંને ડોકટરને સકંજામાં લીધા છે. કોર્ટમાં રિપોર્ટ કરશે. મૃતકના પરિવારે ગુના વખતે ડો. પાર્થની હાજરી અંગેના સીસીટીવી અદાલતને આપ્યા છે.
મૂળ જામનગર જિલ્લાના ધ્રોલની મહિલા ડોકટરના આત્મહત્યા કેસમાં સાથી તબીબ ડો.મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા અને તેના ભાઈ ડો.પાર્થ દિપક જોબનપુત્રા સામે ગુનો દાખલ થયો છે. સવા વર્ષ પહેલાં ડો.બિંદીયા ગોવિંદભાઇ બોખાણી(ઉં. વ.25)એ રાજકોટની માધાપર ચોકડી નજીક પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતકનું શોષણ કરાયું હતું, ફોટો-વીડિયો વાઈરલ કરવા ધમકી અપાઈ હતી. જે-તે સમયે ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીઆઈએ મૃતકના માતાએ ફરિયાદ આપી હોવા છતાં ગુનો નોંધ્યો નહોતો.
જોકે અંતે કોર્ટની ફટકારી બાદ ગુનો દાખલ થયો છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ, રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જે-તે સમયે નોકરી કરતી ધ્રોલની મહિલા ડોક્ટર બિંદીયા બોખાણીના આપઘાત અંગે કોર્ટની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસે ગઈકાલે ડોક્ટર મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા અને તેના ભાઈ પાર્થ દિપકભાઈ જોબનપુત્રા (રહે. પુષ્કરધામ મેઈન રોડ, ક્રિસ્ટલ મોલ રોડ) વિરૂધ્ધ મરવા મજબુર કર્યાની અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ડોકટર બિંદીયાએ માધાપર ચોકડી મોરબી બાયપાસ પાસે અતુલ્યમ આંગનવન નામના બિલ્ડિંગમાં ગઈ તા.24-5-2023ના પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. જે પછી ગાંધીગ્રામ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી હતી. જે પછી મૃતકના પરિજનોએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. જોકે ગાંધીગ્રામ પોલીસ મથકના તે સમયના પીઆઈએ ગુનો દાખલ કર્યો નહોતો. જેથી મૃતકના પરિવારે ગુનો નોંધાયા પહેલા કાનૂની લડત લડવા મજબૂર થવું પડ્યું હતું.
તત્કાલીન પીઆઈએ ફરિયાદ ન લેતા મૃતકના માતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ પછી કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. ડો.બિંદિયાના માતા જાનુબેન બોખાણીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ડો.મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા અને તેનો ભાઈ પાર્થ દીપક જોબનપુત્રાના નામ આપ્યા છે.
57 વર્ષીય જાનુબેને ફરિયાદમાં જણાવ્યું કે, મારી દીકરી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી ત્યારે તેમની સાથે ત્યાં ફરજ બજાવતા ડો.મૌલિક જોબનપુત્રા સાથે પરિચય થયેલો. મૌલિકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી હતી. ડો.મૌલિકે પ્રેમસંબંધ દરમિયાન તેની દીકરીના કેટલાક ફોટા અને વીડિયો ઉતાર્યા હતા અને બાદમાં તે વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો.
ડો.મૌલિકના આ કૃત્યમાં તેનો ભાઇ પાર્થ જોબનપુત્રા પણ તેને મદદ કરતો હતો. લગ્ન કરાવી આપવાનું કહી પાર્થે ડો.બિંદિયાના બેંકના એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજો પોતાના હસ્તક કરી લીધા હતા. શોષણ કર્યા પછી ડો.મૌલિકે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. જે પછી બદનામ કરવાની ધમકી આપતો હતો. તેથી ડો.બિંદિયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. એસીપી રાધિકા ભારાઇએ વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને સકંજામાં લેવાયા છે.
પીએમ રિપોર્ટ પર શંકા વ્યક્ત થતા હવે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ આપશે
મૃતકના માતાએ બનાવ પછી તુરંત આક્ષેપો કરતી અરજી પોલીસ કમિશનરને કરી હતી. ગાંધીગ્રામ પોલીસના તપાસ કર્તા અધિકારીને પણ રજુઆત કરાઈ હતી પણ તત્કાલીન પીઆઈએ ગુનો ન નોંધાતા અંતે મૃતકના માતાએ સરકારી ખર્ચે લીગલ એઇડમાંથી વકીલની માંગ કરી હતી. જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ કામે એડવોકેટ ડી.એમ. નાયરની નિમણુંક કરાઈ હતી. જે પછી ડિસ્ટ્રીકટ કોર્ટમાં પોલીસ ઇન્કવાયરીની અરજી કરાઈ હતી.
જેમાં આક્ષેપ હતો કે, જે સ્થિતિમાં લાશ મળી છે તે જોતા સ્યુસાઇડ નહીં પણ હત્યા છે. ઉપરાંત બનાવ વખતે ડો.પાર્થ સ્થળ પર જોવા મળેલ એટલે કે રાતે 11.30 એ પાર્થ ફ્લેટ બિલ્ડીંગના સીસીટીવીમાં જોવા મળેલ. તેની હાજરી અંગે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી ડોકટર હોવાથી અને પહોંચ વાળા હોવાથી પીએમ રિપોર્ટ બદલી નખાયો હોવાનો આરોપ લાગતા પીએમ રિપોર્ટ પર શંકા વ્યક્ત થતા હવે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ આપશે. કે હકીકત સ્યુસાઇડ હતું કે અન્ય કોઈ કારણ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.