રાજકોટમાં કેન્સર પીડિત મહિલાનું અકસ્માતમાં મોત: આત્મહત્યાની શંકા
રાજકોટના મવડી બ્રિજ પાસેથી મહિલાનો માથું છૂંદાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. વહેલી સવારે આ બનાવ બન્યો હતો. મૃતદેહ રાત્રે ઘરેથી નીકળી ગયેલા સવિતાબેન ભટ્ટીનો હોવાની તેના કપડાં પરથી ઓળખ થઈ હતી. મૃતકને કેન્સરની બીમારી હતી અને રાતે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. એટલે બનાવ અકસ્માતનો છે? કે આત્મહત્યાનો? તે અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, સવિતાબેન દામજીભાઈ ભટ્ટી (ઉં. વ.58) (રહે. પ્રજાપતિ સોસા. 40 ફુટ રોડ, મવડી)ને કેન્સરની બીમારી હતી. તેમને સ્વરપેટીનું કેન્સર હતું. નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં બે-એક મહિનાથી સારવાર ચાલતી હતી.
ગઈકાલે રાત્રે રાત્રે 1.30 વાગ્યે પરિવારજનોને કુદરતી હાજતે જવાનું કહી મહિલા ઉઠ્યા હતા. એ પછી પરિવારજનો સુઈ ગયા હતા અને મહિલા ક્યારે ઘરેથી નીકળી ગયા તે ખ્યાલ ન રહ્યો. સવારે 6 વાગ્યે મહિલા ઘરે જોવા ન મળતા પરિવાર શોધવા નીકળ્યો હતો. પોલીસ મથકે જાણ કરી હતી.
આ તરફ પોલીસ કંટ્રોલમાં કોઈનો ફોન આવેલ કે, 150 ફૂટ રોડ, મવડી બ્રિજ ઉતરતા આર.કે બિલ્ડીંગ પાસે કોઈ મહિલાની માથું છૂંદાયેલ લાશ પડી છે. જાણકારી મળતા માલવીયાનગર પોલીસની પીસીઆર વાન દોડી ગઈ હતી. પોલીસ સ્ટાફે સવિતાબેનને સગાને સ્થળ પર બોલાવતા કપડાં પરથી ઓળખ થઈ હતી. મૃતકને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.
બનાવથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. હાલ પોલીસના અનુમાન મુજબ, કોઈ ભારે વાહનનું વ્હીલ ફરી વળતા અકસ્માતમાં માથું છૂંદાઈ જતા મોત થયું છે. જોકે, મહિલા ઘરેથી નીકળી ગયા હતા એટલે આ આપઘાત તો નથી ને? તેવી શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જનાર વાહનની પણ શોધખોળ સીસીટીવી ફુટેજના આધારે શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.