તહેવારો પહેલા જ મોંઘવારી બેફામ, ઘઉં- ચોખાના ભાવ સપ્તાહમાં 7% સુધી વધ્યા
મોંઘવારીને ડામવા અને ખાદ્યચીજોના ભાવને અંકુશમાં રાખવા સરકાર એડી ચોટીનું દમ લગાવી છે તેમ છતાં સતત ભાવ વધી રહ્યા છે. આગામી તહેવોરની સીઝનમાં માંગ વધવાની અપેક્ષા એ વિતેલ એક સપ્તાહમાં ઘઉંના ભાવ ચાર ટકા અને ચોખાના ભાવ સાત ટકા વધ્યા છે.
આગામી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ બજારોમાં તહેવારો માટે અનાજ સહિતની વિવિધ ખાદ્યચીજોની માંગ નીકળશે, જે ભાવને વધુ ઉંચી લઇ જઇ શકે છે. હાલ જથ્થાબંધ બજારોમાં ઘઉંની કિંમત પ્રતિ કિગ્રાથી રૂ. 24થી 26ની આસપાસ ચાલી રહી છે. તો ચોખાની કિંમત વિતેલ સપ્તાહે રૂ. 1થી 2 પ્રતિ કિગ્રા વધી ગઇ છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિને કારણે અનાજનો જથ્થો સમયસર પહોંચી રહ્યો છે. બીજી બાજુ સરકારે દેશમાં ઘઉનો પૂરતો જથ્થો હોવાથી આયાત કરવાની કોઇ યોજના નથી એવુ નિવેદન આપ્યુ છે.
નોંધનીય છે કે, પ્રતિકુળ હવામાનને કારણે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન લગભગ 3 ટકા ઘટીને 10.68 કરોડ ટન થવાનો અનુમાન છે. જેના લીધે ભાવ છેલ્લા ચારેક મહિનાથી સતત વધી રહ્યા છે.
તો બીજી બાજુ ચાલુ ખરીફ સીઝનમાં ડાંગરનું વાવેતર ઘટવાના સ્પષ્ટ સંકેતોના પગલે હવે ચોખાના ભાવ સતત વધી રહ્યા છે. સમગ્ર દેશમાં 18 ઓગસ્ટ સુધીમાં ચોખાનું વાવેતર 8.25 ટકા ઘટીને 343.7 લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં 374.6 લાખ હેક્ટરમાં વાવણી કરાઇ હતી. સિંચાઇ માટે પાણીની સમસ્યા અને અન્ય પાકોના ઉંચા ભાવથી આકર્ષાઇ ડાંગર ઉત્પાદક ખેડૂતો કપાસના પાક તરફ ફંટાવાથી પણ ડાંગરનું વાવેતર ઘટ્યુ છે. જેની સીધી અસર ચોખાના ઉત્પાદન અને ભાવ પર અસર થશે.
ઓછું ઉત્પાદન અને ટેકાના ભાવની તુલનાએ બજાર ભાવ ઉંચા રહેતા ચાલુ સીઝનમા સરકાર દ્વારા ટેકાના ભાવ ઘઉંની પ્રાપ્તિ પણ લગભગ 50 ટકા જેટલી ઘટીને 189 લાખ ટન જેટલી રહી છે.
જ્યારે 2021-22ના પાક વર્ષમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન રેકોર્ડ 31.57 કરોડ ટન થવાનો અનુમાન છે. ઉત્તરના રાજ્યો પંજાબ અને હરિયાણામાં ભયંકર ગરમીને કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અનુમાન છે. મર્યાદિત સપ્લાય અને વધુ માંગથી છેલ્લા 15 દિવસોમાં ઘઉંની કિંમતમાં 300-350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે.
Suresh vadher
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.