ચિરિપાલ ગુ્રપ પર ના દરોડામાં રૃા.૧૦૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારગુજરાત સ્થિત ટેક્સટાઈલ અને ટેક્સટાઈલ પ્રોસેસિંગ તથા કેમિકલ સેક્ટરમાં સક્રિય ચિરિપાલ ગુ્રપ પર આવકવેરા કચેરીએ પાડેલા દરોડામાં રૃા.૧૦૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં સફળતા મળી છે. તદુપરાંત રૃા. ૨૪ કરોડની બિનહિસાબી રોકડ અને રૃા. ૨૦ કરોડના બિનહિસાબી દાગીનાઓ પણ પકડી પાડવામાં સફળતા મળી છે, એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. વીસમી જુલાઈએ ચિરિપાલ ગુ્રપની અમદાવાદ, સુરત, આણંદ, ખેડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા ખાતેની કચેરી અને અમદાવાદના ઇસરો વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી મળતા નિર્દેશો મુજબ ચિરિપાલ ગુ્રપે મોટે પાયે કરવેરાની ચોરી કરી રહ્યું છે. તેઓ રોકડથી મોટો વેપાર કરતાં હોવાનું પણ બહાર આવ્યું છે. રોકડથી કરેલા વેપાર ચોપડામાં બતાવતા જ નહોતા. આ જ રીતે બોગસ ખરીદી પણ બતાવતા હતા. રિયલ એસ્ટેટના સેક્ટરમાં કરવામાં આવેલા વહેવારોમાંથી રોકડની આવક થઈ હોવાનુંપણ તેમણે દર્શાવ્યું છે. કોલકાતા સ્થિત માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓના શેરના પ્રીમિયમ બતાવીને કેટલીક રોકડ છુપાવી હોવાનું પણ આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં શરાફી રોકડ પણ ચિરિપાલ ગુ્રપે બતાવી હોવાનું આવક વેરાના દરોડામાં બહાર આવ્યું છે. શેરબજારમાં લિસ્ટ થયેલી કંપનીઓના ભાવમાં માર્કેટ ઓપરેટર્સની મદદથી અફરાંતફરી કરાવીને પણ ચિરિપાલ ગુ્રપે મોટો નફો લણ્યો હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે. શરાફી એન્ટ્રીઓ પણ ચિરિપાલ ગુ્રપે લીધી હોવાનું આવકવેરાના દરોડા દરમિયાન ખૂલ્યું છે. આ વહેવારોના સંદર્ભમાં ચિરિપાલ ગુ્રપની કચેરીઓ અને તેમના પ્રમોટર્સના નિવાસ સ્થાનોએથી સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. કંપનીના પ્રમોટરો પોતાાના અંગત વપરાશ માટેના નાણાં બોગસ કંપનીઓ એટલે કે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીઓના માધ્યમથી કાઢી લેતા હતા. આ માટે પબ્લિક લિમિટેડ કંપનીઓના ચોપડામાં ગરબડો કરી હોવાનું પણ આવકવેરા અધિકારીઓએ પકડી પાડયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.