પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કરાતા સઘન પ્રયાસો - At This Time

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કરાતા સઘન પ્રયાસો


પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો

પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કરાતા સઘન પ્રયાસો

કચ્છમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ

ખાતે તમામ તાલુકાના માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઇ

તાલીમમાં ૮૬ ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ૮૨ ફાર્મર માસ્ટર ટ્રેનર જોડાયા

 : પાંચ ગ્રામ પંચાયતના કલસ્ટર દીઠ ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને આપશે સચોટ માર્ગદર્શન

 
ભુજ, મંગળવાર

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજયમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો રાજયપાલશ્રીનો નિર્ધાર છે. જે માટે જિલ્લા કક્ષાએ ગ્રામ પંચાયત દીઠ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સચોટ – સુવ્યવસ્થિત રીતે તાલીમોનું  આયોજન અને સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ તેમજ FPO- BARB KUTCH SPNF PRODUCER CO. LTD, કુંભારડી, તા. ભચાઉ ખાતે તમામ તાલુકાના માસ્ટર ટ્રેનરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૦ ગ્રામ પંચાયત દીઠ એક કલસ્ટરને બદલે પાંચ ગ્રામ પંચાયતનું એક કલસ્ટર બનાવવા અને આ કલસ્ટરમાં વર્ગ-૩ ના ટેકનીકલ માસ્ટર ટ્રેનર (TMT) તરીકે ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી મદદનીશ / ખેતી નિરીક્ષક / બાગાયત મદદનીશ /બાગાયત નિરીક્ષક / ATM / BTM વગેરે પૈકીના કોઈપણ એકને નિયત કરવા તેમજ તે મુજબ કલસ્ટર વાર ફાર્મર માસ્ટર ટ્રેનર (FMT) નિયત કરી તેઓને તાલીમબધ્ધ કરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયભરમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે કચ્છમાં જિલ્લાની પાંચ ગ્રામપંચાયતનું ક્લસ્ટર બનાવી તેમાં ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનરની  નિમણુંક કરવામાં આવી છે. ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપી શકે તે માટે તાજેતરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ તેમજ FPO- BARB KUTCH SPNF PRODUCER CO. LTD, કુંભારડી, તા. ભચાઉ ખાતે તમામ તાલુકાના માસ્ટર ટ્રેનરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૮૬ ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ૮૨ ફાર્મર માસ્ટર ટ્રેનરે ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેંદ્ર, સાડાઉ, તા. મુંદ્રાના હેડ શ્રી યુ. એન. ટાંક તેમજ તેમના વિષય નિષ્ણાંતશ્રીઓ શ્રી જયદિપ ગોસ્વામી, શ્રી નિલેશ પટેલ, શ્રી ગૌતમ વેગડ, શ્રી કેશવ ડોબરીયા અને મુંદ્રા તાલુકા પ્રાકૃતિક કૃષિ સંયોજક શ્રી જીવરાજભાઇ ગઢવીએ ખેડુત તાલીમ કેન્દ્ર, ભુજ ખાતે તેમજ SPNF એસોસીએશનના પ્રાકૃતિક કૃષિના સ્ટેટ લેવલ કોર કમીટી મેમ્બર શ્રી હિતેશભાઇ વોરા, ભચાઉ તાલુકા પ્રાકૃતિક કૃષિ સંયોજક શ્રીમતી રમાબેન વોરા દ્વારા FPO- BARB KUTCH SPNF PRODUCER CO. LTD, કુંભારડી, તા. ભચાઉ ખાતે ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનરને પ્રાકૃતિક કૃષિના તમામ વિષયો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા તેમજ સહજીવન પાકો તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ બાગાયતી મોડલ ફાર્મ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.

આ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનરો દ્વારા ખરીફ-૨૦૨૪ દરમિયાન દરેક ગ્રામ પંચાયત દીઠ ૪ તાલીમો કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયામો વિશે માહિતગાર કરાશે. આ માસ્ટર ટ્રેનરો કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં તાલીમનું આયોજન કરી ખેડૂતોને રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ, જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે માહિતી આપશે અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તે અંગે સમજણ આપશે. તેમજ કચ્છ જિલ્લામાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓની ખેતરની મુલાકાત કરી તેઓના અનુભવો મેળવી અન્ય પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડુતોને પ્રેરીત કરશે. આમ, ખેતીવાડી, બાગાયત તેમજ સંલગ્ન અન્ય ખાતાની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ દ્વારા કચ્છ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને રાસાયણિક ખેતીથી થતા નુકસાનથી આવનારી પેઢી બચે તે માટે ઝુંબેશ રૂપે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેવું પ્રોજેકટ ડાયરેકટર- આત્મા,કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે. 

રિપોર્ટ -દીપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.