ઉધઇ થઇ ગઇ હોવાથી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ બે દિવસ માટે સંબંધીના ઘરે શીફટ થયા બાદ કરણપરામાં વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા - At This Time

ઉધઇ થઇ ગઇ હોવાથી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ બે દિવસ માટે સંબંધીના ઘરે શીફટ થયા બાદ કરણપરામાં વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા


શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો હોય તેમ આજે વહેલી સવારે કરણપરામાં આવેલ ઈલેકટ્રીકના ધંધાર્થીના મકાનમાં ત્રાટકી રૂા.15 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂા.આશરે 1 લાખની રોકડની ચોરી કરી નાસી છુટતા ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતા એ ડીવીઝન, એલસીબી, ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા વહેલી સવારે ઘરમાંથી એક શખ્સ નીકળતા જોવા મળ્યો હતો. ચોરીની ઘટનામાં એફએસએલ અને ડોગસ્કવોડ પણ તપાસમાં જોડાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કરણપરા 13-14ના ખુણે શિવ હોસ્પિટલ સામે રહેતા કેકીનભાઈ દિલીપભાઈ શાહ (ઉ.39) એ જણાવ્યું હતું કે પોતાને સાંગણવાચોકમાં ઈલેકટ્રીકની દુકાન આવેલ છે. તેઓના સિદ્ધાર્થ નામના મકાનમાં ઉધઈનો ઉપદ્રવ થયેલ હોય જેથી મકાનમાં ઉધઈની દવા મારવા માટે ત્રણ મજુરોને કામ આપ્યુ હતું.
ગયા શનિવારે સવારે 10 વાગ્યે ત્રણ મજુરો ઉધઈની દવા છાંટવા માટે ઘરે પહોંચ્યા હતા અને પોતાનું કામ શરુ કર્યુ હતું. બાદમાં દવાના છંટકાવના કારણે ઘરમાં દુર્ગંધ આવતા તેઓ તેમના પત્ની સહિત પરિવારજનો સાથે બાજુમાં આવેલ મઢુલી ચોકમાં રહેતા તેમના ફઈના ઘરે રહેવા માટે ગયા હતા. બાદમાં તેઓના પત્ની રવિવાર અને સોમવારે સાફસફાઈ માટે ઘરે આવ્યા હતા.
બાદમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરે આવતા મુખ્ય દરવાજો બંધ હતો જે ખોલી અંદર પ્રવેશ કરતા મકાનનો દરવાજામાં મારેલ તાળુ તુટેલુ જોવા મળેલ હતું. જેથી ચોરી થયાની શંકા જતા તેઓએ રૂમ ખોલી ઘરમાં તપાસ કરી હતી. દરમ્યાન ઉપરના રૂમે જોતા ત્યાં રહેલ કબાટ ખુલ્લો જોવા મળેલ હતો અને માલસામાન વેરવિખેર નીચે પડેલ હતો.
તેમજ કબાટમાં રહેલ તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જેમાં તેઓએ રાખેલ સોના-ચાંદીના અલગ અલગ દાગીના તેમજ ચાંદીની 500 ગ્રામની ઈંટો અને આશરે રૂા.1 લાખની રોકડ જોવા મળી ન હતી. જેથી તેમના રૂમમાં કબાટની તિજોરીમાંથી અંદાજીત રૂા.16 લાખના મુદામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાનું સામે આવતા પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતા એલસીબી, ક્રાઈમ બ્રાંચ, એફએસએલ, ડોગસ્કવોડ સહિતની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક શખ્સ ઘરની બહાર નીકળી નાસી છુટતો જોવા મળતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

કરણપરામાં રૂપિયા 16 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની થયેલ ચોરીના બનાવો બનાવમાં મકાનમાં બે દિવસ પહેલા ત્રણ મજુરો ઉધઈની દવા છાંટવા આવ્યા હતા. તેઓએ આખા મકાનમાં દવા છાંટી હોવાથી તેઓ ખુણેખુણાથી પરિચીત હોવાથી તેઓએ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકાએ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.