69 કિલો સોનું, 336 કિલો ચાંદીથી સજ્જ દેશના અમીર ગણપતિ:મંડળનો 400 કરોડનો વીમો; QR કોડથી એન્ટ્રી મેળવ્યા પછી જ થશે બાપ્પાનાં દર્શન
ગણેશચતુર્થીનો આ તહેવારની સૌકોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારને દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં ઊજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે. મુંબઈના GSB સેવા મંડળની સ્થાપિત બાપ્પાની પ્રતિમા વિશે દર વર્ષે ચર્ચા થાય છે. ગૌર સારસ્વત બ્રાહ્મણ મંડળ, એટલે કે GSB મંડળના ગણપતિને સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળ્યો છે. ગત વખતે બાપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી. આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીનાં ઘરેણાંથી શણગારવામાં આવશે. આ વખતે GSB મંડળે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે. પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ બનાવવામાં આવી રહ્યો છે અને એમાં એન્ટ્રી QR કોડથી થશે. આ વખતે બાપ્પાનાં દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. સૌથી મોટી મૂર્તિની પૂજા માટે 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે
GSB ગણેશમંડળ મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલું છે અને સામાન્ય લોકો અને હસ્તીઓ એની મુલાકાત લે છે. GSB સેવા મંડળ માટે જાહેર ગણેશ ઉત્સવનું આ 70મું વર્ષ છે. મંડળના પ્રમુખ અમિત ડી પાઇએ મીડિયાને આ પંડાલની વિશેષતાઓ વિશે જણાવ્યું. પાઇએ જણાવ્યું હતું કે ગણપતિ સ્ટેજની સામે જ બે હવન કુંડ બનાવવામાં આવ્યા છે. અહીં દરરોજ 7 હજાર હવન થશે. પંડાલમાં અનેક પ્રકારની પૂજાઓ થશે. સૌથી નાની પૂજા માટે 555 રૂપિયા અને સૌથી મોટી પૂજા માટે 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આખો પંડાલ ફાયરપ્રૂફ છે અને એનું પાંચ દિવસનું ભાડું 1.5 કરોડ રૂપિયા છે. QR કોડથી જ એન્ટ્રી મળશે
દર્શન માટે વ્યક્તિએ પહેલા GSB વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. QR કોડ ઉપલબ્ધ થશે. એને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. પંડાલમાં દરરોજ લગભગ 16 હજાર લોકો ભોજન કરશે. પંડાલમાં આવનારા દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવે છે. ગત વર્ષે દરરોજ 20 હજાર લોકો પંડાલમાં આવ્યા હતા. દરબાર સવારે 7 વાગ્યે ખૂલે છે અને 11 વાગ્યા સુધી દર્શન ચાલુ રહે છે. સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સુરક્ષા માટે પંડાલમાં તમામ સ્થળોએ ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે. 400 કરોડનો વીમો લીધો
400.58 કરોડનો વીમો કરવામાં આવ્યો છે. GSB બોર્ડને ગયા વર્ષે 360 કરોડ રૂપિયાનો વીમો મળ્યો હતો. મંડળ દર વર્ષે 5 દિવસ ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. દર વર્ષે લાખો લોકો બાપ્પાનાં દર્શન કરવા આવે છે. સામાન્ય લોકોથી લઈને VIP લોકોથી લઈને રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી લોકો બાપ્પાના દરબારમાં દર્શન કરવા આવે છે. જાણો કોને કોને વીમા પોલિસીમાં આવરી લેવામાં આવશે?
બાપ્પાના દરબારમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સર્વિસ વર્કર્સ, વેલેટ પાર્કિંગ અને સિક્યોરિટી સ્ટાફ, સ્ટોલ કામદારોને આ વીમા પોલિસીમાં આવરી લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિવિધ પોલિસીઓના આધારે આ પંડાલમાં આવતા ભક્તો દેશની સૌથી મોટી વીમા કંપની પાસેથી સોનું, ચાંદી, ચોરી અને કુદરતી આફતો માટેની પોલિસી પણ ખરીદે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.